મુંબઈ માટે વધુ બે વંદે ભારત?
મુંબઈ: મુંબઈ રેલવેમાં વધુ બે વંદે ભારત ટ્રેન સામેલ કરવામાં આવવાની શક્યતા છે. દેશના કુલ ૪૧ રેલવે માર્ગ પર વંદે ભારત ટ્રેનને દોડાવવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રમાં કુલ સાત વંદે ભારત ટ્રેનની સેવાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે મુંબઈને વધુ બે વંદે ભારત ટ્રેન મળે એવી માહિતી સૂત્રોએ આપી હતી.
દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બીજા મહત્ત્વના રેલવે માર્ગ પર પણ વંદે ભારત ટ્રેનની સેવાઓ શરૂ કરવામાં આવે એવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વંદે ભારત આ ટ્રેન દેશની સૌથી ઝડપી અને લોકપ્રિય ટ્રેન બની છે. વંદે ભારતની લોકપ્રિયતા અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળતા સ્લીપર વંદે ભારત ટ્રેન પણ શરૂ કરવામાં આવવાની છે.
દેશમાં પહેલી વખત શરૂ થનારી સ્લીપર વંદે ભારત ટ્રેનને દિલ્હી અને મુંબઈમાં શરૂ કરવામાં આવશે એવી માહિતી સૂત્રોએ આપી હતી. સ્લીપર વંદે ભારત ટ્રેનને પૂર્ણ પણે ભારતમાં નિર્માણ કરવામાં આવી છે. મુંબઈને મળનારી બે વંદે ભારત સ્લીપર ટ્રેનોને મુંબઈ-જોધપુર અને મુંબઈ-દિલ્હી આ માર્ગ પર શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે આ માર્ગ પર વંદે ભારત ટ્રેન શરૂ થતાં મુંબઈથી દિલ્હી અને જોધપુરનો પ્રવાસ વધુ ઝડપી અને આરામદાયક બનશે.
વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનને લાંબા અંતર વાળી ટ્રેનો માટે શરૂ કરવામાં આવશે જેથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળે. આ સ્પેશિયલ ટ્રેનોને માર્ચ ૨૦૨૪ બાદ શરૂ કરવામાં આવે એવી માહિતી રિપોર્ટમાં જણાવવામાં આવી છે. આ ટ્રેન માટે ભારતીય રેલવે બોર્ડ દ્વારા દિલ્હી મુંબઈ આ માર્ગમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેનની ટિકિટની કિંમત રાજધાની એક્સ્પ્રેસ કરતાં ૨૦ ટકા વધુ રહેવાની છે, એવી માહિતી રેલવેના સૂત્રોએ આપી હતી.