મેટિની

માણસે સમય મળે તો શબ્દોનું પણ PUC કરાવી લેવું જોઈએ, કારણ કે સંબંધોમાં ૯૯% શબ્દો જ પ્રદૂષણ ફેલાવતા હોય છે…

અરવિંદ વેકરિયા

અમારા ધનવંત શાહ જે અમારા નિર્માણ-નિયામક અને પરિવાર સભ્ય જ બની ગયેલા. તેઓ ઘણો વખત ગાયક મહેન્દ્ર કપૂરનાં સેક્રેટરી પણ રહ્યા. તેઓ તેમના સેક્રેટરી હતા તેનું એક પ્રૂફ પણ મળ્યું. આ કોલમના એક વાચક, નામ શાંતિલાલ જાધવ, એ મહેન્દ્ર કપૂરનાં ગીતોના ચાહક. એમણે મહેન્દ્ર કપૂરને એક પત્ર ૧૯૯૨માં લખેલ જેનો જવાબ ધનવંત શાહે મહેન્દ્ર કપૂરના લેટર હેડ પર એમને ૧૪.૦૮.૧૯૯૨ માં લખેલ…એ…

આવા વાચકો મળે એને હું મારું અહોભાગ્ય માનું છું, આભાર શાંતિલાલ ભાઈ…હવે આગળ…

થિયેટરમાં નડતા પ્રોબ્લેમ્સમાંથી અને કરેલું નાટક ફરી કરવાની પળોજણમાંથી છૂટવા મેં મારી રીતે વાત તુષારભાઈને કરી. તો પણ એમણે પોતાનું મન મનાવ્યું નહિ. છેવટે મેં એમને પાર્ટનરશીપની વાત કરી તો એમણે ચોખ્ખું કહી દીધું કે સોરી દાદુ ! ભાગીદારી મને માફક નથી આવતી. એ મને ક્યારેય સદતી નથી.

મને થયું, ચાલો ઠીક છે. રાજેન્દ્રની ઇચ્છા છે કે આ નાટક ફરી થાય. તો પછી ભલે એ ચંદ્રવદન ભટ્ટ સાથે કરે અને દિગ્દર્શન પણ ભટ્ટ સાહેબ જ કરે. તુષારભાઈને ભટ્ટ સાહેબ સાથે બેસી ઉકેલ લાવે એ જ પર્યાય હતો હવે. એ તુષારભાઈ પારડીથી આવે પછી જ શક્ય બને.

મેં રાજેન્દ્રને ફોન કરી આખી વાત જણાવી. એનો પણ એ જ મત હતો કે તુષારભાઈ પારડીથી આવે, ભટ્ટ સાહેબ સાથે બધી વાત થઇ જાય પછી જ રિહર્સલ શરૂ કરીશું. મેં એને કહ્યું, મેં તુષારભાઈને આટલી બધી વાર ફોનો કર્યા છે તો હવે તું એક ફોન કરી કહી દે કે બને તેટલા જલ્દી એ મુંબઈ આવી જાય અને પછી એ શું કહે છે એ મને જણાવ.

મારે તો હવે જે તાલ થાય એ જોવાનો હતો. હા, રિહર્સલ બંધ રાખ્યા હતા એ બાબત કોઈ કલાકારે કોઈ સવાલો નહોતા કર્યા એ ગનીમત. થોડીવારમાં રાજેન્દ્રનો ફોન આવ્યો, દાદુ, તુષારભાઈ સાથે વાત થઇ ગઈ છે, કાલે સાંજે એ આવી જશે. બની શકે તો કાલે સાંજે ફાર્બસ હોલમાં જ મીટિંગ ગોઠવી દઈએ. પાર્ટનરશીપ બાબત મેં વાત કરી. બહુ ઉત્સાહ નથી બતાવ્યો. આ મીટિંગમા જરા સંયમથી વાત કરવી પડશે,ભટ્ટ સાહેબને કઈ અજુગતું ન લાગવું જોઈએ.

રાજેન્દ્રની વાત સાચી હતી. તોલી તોલીને બોલવું પડશે. માણસે સમય મળે તો શબ્દોનું પણ પી.યુ.સી. કરાવી લેવું જોઈએ કારણ કે સંબંધોમાં ૯૯% શબ્દો જ પ્રદૂષણ ફેલાવતા હોય છે,
મેં ભટ્ટ સાહેબને ફોન કરી બધી વાત કરી.વિનંતી પણ કરી કે તમે ફાર્બસ હોલ પર આવી શકો તો સારું પડશે.પ્લીઝ…. એમણે તરત કહ્યું, દીકરા, એમાં પ્લીઝ શાનું? જોગાનુજોગ મારે કાલે બપોરે અમારા એક મિત્રને ત્યાં જમવા જવાનું જ છે, ભાવના નથી આવવાની, હું અને નિહારિકા જ છીએ. તું સવારે મને સમય જણાવી દે જે એ સમયે હું અને નિહારિકા ફાર્બસ હોલ પર પહોંચી જઈશું.
આટલી વાત પૂરી થતા મેં હાશકારો અનુભવ્યો.મેં ભટ્ટ સાહેબ સાથે થયેલ વાત રાજેન્દ્રને કરી. રાજેન્દ્ર કહે. હું હમણા જ તુષારભાઈને પૂછી ટાઈમ નક્કી કરી લઉં છું. એણે ફોન મુક્યો. હું મારા વિચારો સાથે તકિયાને અઢેલીને બેઠો.થોડીવારમાં ફોનની ઘંટડી રણકી. ફોન રાજેન્દ્રનો હતો. એણે કહ્યું, તુષારભાઈ સવારે ૧૦ વાગે પારડીથી નીકળી એમના સાસરે માટુંગા પહોંચી જશે. મેં એમને સાંજે ૬.૩૦ વાગે ફાર્બસ પર બોલાવી લીધા છે. તું ભટ્ટ સાહેબને એ ટાઈમ આપી દે. મેં ‘થેંક-યુ’ કહીને ફોન મુક્યો. વળતો ફોન મેં ભટ્ટ સાહેબને કરી, સાંજે ૬.૩૦ સુધી ફાર્બસ હોલ પર પહોંચી જવાનું કહી દીધું.

કદાચ બધું સમું-સૂતરું પાર ઉતર્યું તો નાટક હવે તો થઈને જ રહેવાનું. મારે તો, મનમાં સંઘર્ષ, મોં પર મલકાટ, જીવનનો એ જ શ્રેષ્ઠ અભિનય, જેવું થવાનું. ખેર ! એ પાસા પણ પાડી જોઈએ.
મેં મનમાં ગાંઠ વાળી લીધી કે મૂડ ભલે બદલાય પણ મૂળ ન બદલાવું જોઈએ.

બધી જ વાત, બધાની સાથે વ્યવસ્થિત થઇ ગઈ. હવે જાત પર સંયમ જ રાખવાનું મેં પ્રણ લઇ લીધું. સંયમ એટલે પોતાની વિરુદ્ધનું યુદ્ધ. એ લડવા મેં જાતને પૂરી રીતે તૈયાર કરી લીધી.
બીજે દિવસે સવારે મેં ફરી તુષારભાઈને ફોન કર્યો. એ પારડીથી નીકળવાની તૈયારીમાં જ હતા. એમને સમયની ફરી યાદ આપવી દીધી. એ પછી મેં ભટ્ટ સાહેબને ફોન કર્યો. તેઓ નીકળી ગયા હતા.ભાવના ભટ્ટે કહ્યું, પપ્પા-મમ્મી સમયસર ફાર્બસ હોલ પર પહોંચી જશે.

હું એ પછી ધનવંત શાહને ફોન કરવામાં પડ્યો. એમનો કેર-ઓફ નંબર હતો. જો કે પાડોશી બહુ સારા હતા. કોઈ પણ સમયે બોલાવી આપતા. એમને મેં ૫.૩૦ વાગે ફાર્બસ હોલ પર આવવા જણાવી દીધું.

હું ૫.૩૦ વાગે ફાર્બસ પર પહોંચ્યો ત્યારે ધનવંત શાહ આવી ગયા હતા.

મારે આ ફાર્બસ હોલ સાથે જૂની યાદો સંકળાયેલી છે. મહેન્દ્ર પી.ઠક્કર છોટમના નામે આજ મુંબઈ સમાચારમાં દૈનિક કટાર ‘રંગતરંગ’ લખતા, તેઓ ઘણા કાર્યક્રમો આ ફાર્બસ હોલમાં ગોઠવતા. જેમાં ક્યારેક જ્યોતીન્દ્ર દવે તો ક્યારેક સાહિત્યકાર પ્રવીણચંદ્ર રૂપારેલ. કોઈ વખત જયંતી પટેલ‘રંગલો’ તો ક્યારેક રમાકાંત જાની‘ગપ્પી’ પોતાની કલા રજૂ કરવા બોલાવતા. કલ્યાણજીભાઈ (આણંદજીભાઈ ના બંધુ) પણ ક્યારેક ટપકી પડતા. એક પ્રસંગ યાદ આવે છે. છોટમ ત્યારે મોળી ચા પીતા. તે દિવસે કલ્યાણજીભાઈએ પણ મોળી ચા પીવાનો આગ્રહ રાખ્યો. છોટમે કહ્યું કે. તમે શા માટે મોળી ચા પીઓ છો? ત્યારે કલ્યાણજીભાઈએ એમની અસલી રમુજી શૈલીમા કહેલું. ‘હું ઘરેથી ખૂબ સાકર’ ખાઈને આવું છું. અમે બધા હસતા, કારણકે એમની પત્નીનું નામ ‘સાકરબેન’ હતું.,,,આવી ઘણી યાદો આ ફાર્બસ હોલ સાથે જોડાયેલી છે.

મને જોતા જ ધનવંત શાહ ઊભા થઇ ગયા. અમે થોડી ગપસપ કરી. ધનવંત શાહે મળવાનું કારણ પૂછ્યું.મેં બધી વાત એમને ટૂંકમાં સમજાવી.

જો ભટ્ટ સાહેબ જોઈન્ટ થઇ જાય તો થિયેટરનો પ્રોબ્લેમ આપમેળે સોલ્વ થઇ જાય. તમને અને રાજેન્દ્રને થિયેટરની તારીખો તો મળી જાય, પણ જો ભટ્ટ સાહેબ સાથે હોય તો દર રવિવારે, કોઈ પણ જાતના ‘બ્રેક’ વગર નાટક સળંગ ભજવાતું રહે. ધનવંતભાઈએ પોતાનો વકહ્યો.

મેં કહ્યું, એ બરાબર! તુષારભાઈ ભાગીદારી માટે સંમત થાય તો વાત બને. નાટકના રાઈટ્સ રાજેન્દ્રએ તુષારભાઈને આપ્યા છે. એ જૈન માડુ આ નાટક કરવા જીદે ચડ્યા છે. આપણને એનો પણ વાંધો નથી. વાંધો પછી મોટો થિયેટરનો પડી શકે. જો બંને ‘સંપી’ જાય તો વાંધો ન આવે. તુષારભાઈનું કહેવું છે કે ‘હું એવી સવારી કરતો જ નથી જેની લગામ કે અંકુશ કોઈ બીજી વ્યક્તિના હાથમાં હોય’ બસ, એમની આ મમત જો ભટ્ટ સાહેબ તોડાવી શકે તો જંગ જીતી શકાય
હું અને ધનવંત શાહ, રાજેન્દ્ર, તુષારભાઈ અને ભટ્ટ સાહેબની રાહ જોતા, ઘડિયાળ જોવા લાગ્યા…

અંતનો પણ અંત હોય છે, કઈ પણ ક્યા અનંત હોય છે,
પાનખર પણ એક ઘટના છે, બારેમાસ ક્યા વસંત હોય છે.
**
ડબ્બલ રીચાર્જ
એક ભાઈ પૂછતા હતા કે સાચો શબ્દ ‘નર્ક’ છે કે ‘નરક’?
મેં ખાલી એટલું કીધું કે તમારે જવાથી કામ છે કે જોડણીથી?
એમાં તો નારાજ થઇ ગયા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત