ભાવનગરમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ: આંકડો ૫૦ હજાર કરોડ પાર પહોંચ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: છેલ્લા ઘણા લાંબા સમયથી જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનું હબ ભાવનગર બની રહ્યું છે. માધવ કોપરના સંચાલકો દ્વારા કરોડોના બોગસ બિલ જનરેટ કરાયા બાદ તપાસમાં તેનો આંકડો હજારો-કરોડોને પાર કરી ગયો છે. હવે આ પ્રકરણની તપાસમાં પોલીસ પણ જોડાઇ છે. ભાવનગર રેન્જ આઇજીપી દ્વારા રચાયેલી ખાસ ટીમ દ્વારા છ ગુના નોંધીને ૧૨૫ જણની ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ચાર કૌભાંડીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ ચાર કૌભાંડી દ્વારા ૫૦૦ બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવીને બે હજાર કરોડના બોગસ બિલ જનરેટ કર્યા હોવાનું બહાર આવી રહ્યું છે. સાથે સાથે તેમની પાસેથી મળેલા કમ્પ્યૂટર, લેપટોપ અને મોબાઇલના આધારે તપાસમાં વધુ વિગતો બહાર આવી તેવી સંભાવના છે.
બોગસ બિલિંગ કૌભાંડની તપાસમાં અમદાવાદ પોલીસની એન્ટ્રી થઇ છે. ક્રાઇમ બ્રાંચે માત્ર બોગસ બિલો જનરેટ કરવા રજિસ્ટર્ડ કરાયેલી બોગસ કંપનીના સંચાલક અને તેને અન્ય બોગસ વેપારીને વેચનાર સહિત ચાર જણની ધરપકડ કરી હતી. આ ચારેય બોગસ બિલિંગ કૌભાંડનું મહોરું છે. તેમની પાછળ ઘણા મોટા માથા હોવાની પણ સંભાવના છે. ટેકનિકલ વિગતો માટે જીએસટીના અધિકારીઓની મદદ લેવાશે, પરંતુ તેના આકાઓ સુધી પહોંચવા માટે ચોક્કસ પ્રયાસ કરવામાં આવશે તેવો દાવો ક્રાઇમ બ્રાંચ દ્વારા થઈ રહ્યો છે.
જીએસટીના અધિકારીઓએ બોગસ બિલિંગ કૌભાંડની તપાસમાં કરોડો રૂપિયાના કૌભાંડો શોધી કાઢ્યાં છે. ત્યારે તપાસ દરમિયાન ઉંઝાની એક પેઢીના કર્મચારીના ફાટેલી પેન્ટમાંથી મળેલી હાર્ડ ડિસ્કમાંથી જે વિગતો મળી હતી. જેને આધારે એક હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પરદાફાશ થયો હતો. તેવી જ રીતે એક વેપારીની સ્માર્ટ વોચમાંથી મળેલી ફાઇલને આધારે પણ કરોડો રૂપિયાના કૌભાંડની વિગતો ખૂલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડ દેશમાં સૌથી વધુ થઇ રહ્યા છે. તેની સાથે સાથે હવે ઇ વેબિલ કૌભાંડ પણ હવે કરોડોને પાર થઇ ગયો છે. બોગસ ઇ વેબિલ કે એક જ બિલના આધારે કરાતા કૌભાંડોની પણ તપાસ ચાલી રહી છે.