મેટિની

ઓસ્કર્સ: આપણા દર્શકોની સમજ -ગેરસમજ…

આગામી બે મહિનામાં આ અતિ પ્રતિષ્ઠિત અવોર્ડસ જાહેર થશે ને એનું દબદબાબર્યુ આયોજન થશે ત્યારે એ પારિતોષિકો વિશે આપણે કેટલું બધું જાણીને ય અજાણ છીએ !

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

૨૦૨૪ની શરૂઆત સાથે જ પ્રારંભ થઈ ચૂકી છે ઓસ્કર્સની એક નવી સિઝન… ૧૧ માર્ચે ૯૬મી અકેડમી એવોર્ડ્ઝ ઇવેન્ટ યોજાય એ પહેલાંની લોબિંગ સહિતની માર્કેટિંગ હવા અને અધિકૃત પ્રક્રિયાઓ શરૂ થઈ ચૂકી છે, પણ આજે આ વર્ષે ઓસ્કર્સમાં વૈશ્ર્વિક સ્તરે ચર્ચાતી ફિલ્મ્સની વાત નથી કરવી. આપણે વાત કરવી છે ભારતીય સંદર્ભે ઓસ્કર્સની.

દર્શકો તરીકે આપણી એ વિશે રહેલી કેટલીક ગેરસમજની પણ વાત કરવી છે.

વિશ્ર્વમાં સૌથી વધુ ફિલ્મ્સ બનાવનાર દેશ હોવા છતાં ઓસ્કર્સમાં ઓછી જીતથી થતી બળતરા અને મળેલી જીતથી થતા ગૌરવ ઉપરાંત ભારતીયોને અમુક વાતને લઈને થતી ભારે ગેરસમજ છે, જેની ચર્ચા થવી જરૂરી છે.

ઓસ્કર્સના કોઈ પણ ન્યૂઝમાં ભારતીય નામ જોઈને આપણે તરત જ એમ માની લેતા હોઈએ છીએ કે આ ફિલ્મ કે કલાકારને ઓસ્કર
એવોર્ડ મળી ગયો. હકીકતે એવું નથી હોતું. ઓસ્કર્સ માટે વિભિન્ન તબક્કા હોય છે અને એની પ્રક્રિયા હોય છે, પણ આપણે હજુ તો ઓસ્કર્સની શરૂઆતના સ્તરે આપણી કોઈ ફિલ્મનાં નામ લેવાતાં હોય ત્યાં હરખાઈ જઈએ છીએ. આ ગેરસમજનું વિશ્ર્લેષણ કરી એને દૂર કરવા માટે પ્રથમ તો આપણે એ માટેની પ્રાંરભિક પ્રક્રિયા વિશે જાણવું જરૂરી છે.

કોઈ પણ વર્ષે શરૂઆત થતી હોય છે ઓસ્કર્સની ફિલ્મ્સ અને વિવિધ કેટેગરી માટે કરવામાં આવતા રજિસ્ટ્રેશનથી. બેસ્ટ પિક્ચર બેસ્ટ એક્ટર- બેસ્ટ એક્ટ્રેસ- બેસ્ટ સોન્ગ, વગેરે જેવી કુલ ૨૪ કેટેગરી છે અકેડમી અવોર્ડ્ઝમાં. અવોર્ડ્ઝમાં ભાગ લેવા માગતી અમેરિકાની દરેક પ્રોડક્શન કંપની પોતાની ફિલ્મ્સનું એ કેટેગરી માટે લિસ્ટ બનાવીને રજિસ્ટ્રેશન કરે. આ સિવાય ફોરેન ફિલ્મ સહિતની કેટેગરી માટે વિશ્ર્વના અમેરિકા સિવાયના અન્ય દેશ પણ પોતાના તરફથી ફિલ્મ્સ મોકલે. આ ઉપરાંત જે-તે ફિલ્મમેકર સ્વતંત્ર રીતે પણ પોતાની ફિલ્મને ઓસ્કર્સમાં મોકલી શકે. એ પછી ‘અકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સિસ’ (એએમપીએએસ) દરેક કેટેગરી માટે એક શોર્ટલિસ્ટ બહાર પાડે. ધ્યાન રહે આ શોર્ટલિસ્ટ એટલે નોમિનેશન નહીં, પણ નોમિનેશન માટેનું પણ નોમિનેશન…! આમાં વધુ સંખ્યામાં નામો હોય. આ શોર્ટલિસ્ટમાંથી એક ફાઇનલ નોમિનેશન લિસ્ટ તૈયાર થાય અને એ પછી જ્યુરી મેમ્બર્સ વોટિંગ કરે. ઓસ્કર અવોર્ડ્ઝની વોટિંગ પ્રક્રિયા પણ ખૂબ જ વિશિષ્ટ છે
(આ કટારમાં જ એ પ્રક્રિયા વિશે ગયા વર્ષે આપણે વિગતે વાત કરી ચૂક્યા છીએ).
વિશ્ર્વભરના જ્યુરી મેમ્બર્સના વોટિંગ દ્વારા વિજેતાઓ નક્કી થાય અને પછી લોસ એન્જેલસના ભવ્ય ડોલ્બી થિયેટરમાં દર વર્ષે સમારંભ યોજાય અને વિજેતાઓની જાહેરાત કરવામાં આવે.

દેશ તરફથી રજિસ્ટ્રેશન, સ્વતંત્ર રજિસ્ટ્રેશન, શોર્ટલિસ્ટ, નોમિનેશન અને જીત એમ આ દરેક સ્તરની પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે, પણ આપણે ભારતીયો ઓસ્કર્સ પ્રત્યેના અહોભાવમાં આપણી કોઈ પણ ફિલ્મ કે કલાકારનું નામ આ કોઈ પણ સ્તરમાં જોડાય એ સાથે સમજી લેતા હોઈએ છીએ કે તેને ઓસ્કર અવોર્ડ આપણને મળી ગયો!

આ ઓસ્કર અવોર્ડસમાં સૌથી પહેલી અને મોટી ગેરસમજ તો ફિલ્મ મોકલવા પર થાય છે. ભારતની ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ સંસ્થા દર વર્ષે એક કમિટી યોજે, જે ભારત તરફથી વર્ષ દરમિયાન બનેલી ફિલ્મ્સમાંથી કોઈ એકને ચૂંટીને અકેડમીને મોકલે. હવે આ એક ફિલ્મ કે જેને ફક્ત મોકલવામાં આવે છે તેના માટે મીડિયામાં એવા ન્યૂઝ આવે કે ‘આ ફિલ્મની ઓસ્કર માટે પસંદગી કરવામાં આવી છે’ એટલે આપણે એમ માનીને ઝૂમી ઊઠીએ કે પેલી ફિલ્મને ઓસ્કર મળી ગયો છે… ઉદાહરણ તરીકે ગયા વર્ષના અકેડમી એવોર્ડ્ઝ માટે ભારત તરફથી પાન નલિન દિગ્દર્શિત અદભુત ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ તરફથી ઓસ્કર્સમાં મોકલવામાં આવી હતી, પણ મોટાભાગનાએ તો એમ જ માની લીધું કે એ એવોર્ડ જીતી ગઈ છે… અને આવી ગેરસમજ દર વર્ષે થાય છે, જેમકે ૨૦૧૭માં ‘ન્યુટન’, ૨૦૧૯માં ‘ગલી બોય’, ૨૦૨૦માં ‘જલીકટ્ટુ’, વગેરે, ઘણા ઉદાહરણો છે.

‘છેલ્લો શો’ને ભારતીય ઓફિશ્યલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી એટલે એસ. એસ. રાજામૌલીની ટીમે સ્વતંત્ર રીતે ‘આર આર આર’ને ઓસ્કર્સમાં મોકલી અને ખૂબ લોબિંગ કરીને પ્રશંસા મેળવી તો આપણે એવું માનવા લાગેલા કે ‘આર આર આર’ને તો ઓસ્કર મળી ગયો. હકીકતમાં ‘નાટુ નાટુ’ ગીતને કમ્પોઝિશન માટે અવોર્ડ મળ્યો હતો !
આવી જ ગેરસમજ ભારતીય દર્શકો શોર્ટલિસ્ટિંગ અને નોમિનેશન બાબત કરે છે. . ૨૦૨૩નું વર્ષ ઓસ્કર્સની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ મહત્ત્વાકાંક્ષી રહ્યું હતું. આપણી ચાર ફિલ્મ્સ અલગ-અલગ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ હતી.

એમાંથી ત્રણ તો નોમિનેટ પણ થઈ અને આપણને ખબર છે એમ એમાંથી ‘નાટુ નાટુ’ સોન્ગને બેસ્ટ મ્યુઝિક
(ઓરિજિનલ સોન્ગ) અને ‘ધ એલીફન્ટ વ્હીસ્પરર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો ઓસ્કર અવોર્ડ મળ્યો,પણ થયું હતું એવું કે આપણે આ દરેક તબક્કે ઉત્સાહમાં આવીને માની લીધું કે પેલી ચારેય શોર્ટલિસ્ટનો મતલબ છે જીત…! મીડિયાની આવી ગેરસમજ પેદા કરતી ગૂંચવણવાળી હેડલાઈન્સનો ફાયદો પણ અમુક ફિલ્મમેકર્સ લેતા હોય છે, જેમ કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ શોર્ટલિસ્ટમાંથી બહાર નીકળી ગઈ, છતાં ‘મારી ફિલ્મ આવી ગઈ’ એવા ન્યૂઝ ચલાવવામાં આવ્યા. જે હકીકતમાં ઓસ્કર્સની સ્પર્ધામાં રજિસ્ટ્રેશન પછી ફક્ત લાયક ફિલ્મ્સનું એ લિસ્ટ હતું. એટલું જ નહીં, પણ ફિલ્મ્સના એક્ટર્સ પણ બેસ્ટ એક્ટર કેટેગરીમાં શોર્ટલિસ્ટ થયા એવી સોશ્યલ મીડિયા પર પોસ્ટ ફરતી રહી… જો એ સાચું હોત તો આપણા માટે ગર્વની વાત ગણાત, પણ અહીં વિવેક અગ્નિહોત્રીએ શોર્ટલિસ્ટ ટર્મનો ખોટો ઉપયોગ કરીને દર્શકો પાસેથી ધરાર પ્રશંસા મેળવવાની પેરવી કરી. ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને લોકોએ વિવેક અગ્નિહોત્રીની વાત માની પણ લીધી, પણ થોડા જ સમયમાં સજાગ મીડિયાએ એ પોલ ખોલી નાખી,,!

હકીકત એ છે કે ૧૯૨૯ કે જ્યારથી ઓસ્કર્સની શરૂઆત થઈ અને ૧૯૫૭થી આપણે તેમાં ફિલ્મ્સ મોકલવાનું શરૂ કર્યું ત્યારથી આપણને જે ગૌરવાન્વિત અવોર્ડ્સ મળ્યા છે એની આ છે યાદી…
અત્યાર સુધી ‘બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ’ કેટેગરીમાં મેહબૂબ ખાન દિગ્દર્શિત ‘મધર ઇન્ડિયા’ (૧૯૫૭)- મીરા નાયર દિગ્દર્શિત ‘સલામ બોમ્બે’ (૧૯૮૮) અને આશુતોષ ગોવારિકર દિગ્દર્શિત ‘લગાન’ (૨૦૦૧)ને જ નોમિનેશન મળ્યું છે, છતાં ‘લગાન’ જેવી ફિલ્મ માટે પણ એવી વાત પ્રવર્તે છે કે તેને ઓસ્કર મળ્યો છે!

લાસ્ટ શોટ
આ વર્ષે ભારતની ઓફિશ્યલ એન્ટ્રી ૨૦૧૮: ‘એવરીવન ઇઝ અ હીરો’ નોમિનેશનની રેસમાંથી બહાર નીકળી ગઈ છે, પણ ઝારખંડમાં બનેલી નિશા પાહુજા દિગ્દર્શિત કેનેડિયન ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ શોર્ટલિસ્ટ થઈ છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button