મેટિની

ઈન્હીં લોગોંને લે લીયા દુપટ્ટા મેરા…

મીનાકુમારીની ‘પાકિઝા’ને કલરમાં બનાવવાનું નક્કી કરીને કમાલ અમરોહીએ અગાઉના તમામ ફૂટેજને ડબ્બામાં પધરાવી દીધાં!

ફિલ્મનામા -નરેશ શાહ

૧૯૭ર….
આ એ વરસ હતું કે જેમાં બંસી- બીરજુ – રાસ્તે કા પત્થર- ઈક નઝર અને બોમ્બે ટૂ ગોવા જેવી ફિલ્મો જોતાં અમિતાભ બચ્ચનની ગાડી પાટે ચઢે એવું લાગતું નહોતું તો કાકા રાજેશ ખન્નાની સુપરસ્ટાર એક્સપ્રેસ જે રીતે ધસમસતી આગળ ધસી રહી હતી. ‘મેરે જીવન સાથી- અનુરાગ- બાર્વચી અને માલિક’ જેવી ફિલ્મોને કારણે એની સફળતાની એકસપ્રેસ ક્યારેય ધીમી નહીં પડે એવું લાગતું હતું.

એક પ્યાર કા નગ્મા ‘(શોર)’ અને ‘બીતી ના બીતાઈ રૈના’ (પરિચય) જેવાં ગીતોનો પરછમ હવામાં લહેરાતો હતો ત્યારે ‘પાકિઝા’ રિલિઝ થઈ હતી. ફિલ્મી પંડિતોની ભાષામાં તો એ કમાલ અમરોહીનું ડબ્બામાં પુરાઈને બફાઈ-ફુગાઈ ગયેલું સ્વપ્ન હતું, કારણકે છેલ્લા પંદર-પંદર વરસથી એ બની રહી હતી…

૧૯પ૭ની ૧૭ જાન્યુઆરીએ કમાલ અમરોહીએ તેનું મુહૂર્ત કરેલું. એ દિવસે કમાલસાહેબનો ૩૯મો જન્મદિવસ હતો. દિલ્હી-મુરાદાબાદ પાસેના અમરોહા ગામમાં જન્મેલાં કમાલ અમરોહીનું સાચું નામ અમીર હૈદર. બચપણથી પિતા ગુમાવી ચૂકેલાં અને ફેમિલીમાં સૌથી નાના તેમજ તોફાની એવા કમાલ અમરોહીને રોમાન્ટિક પરાક્રમોને કારણે દહેરાદૂન બહેન ખુરશીદને ત્યાં ભણવા મૂક્વામાં આવેલા. ત્યાંથી પણ ભાગીને કલક્તા અને પછી મુંબઈ આવેલાં અમીર હૈદરની ઉર્દૂ પરની મહારત જોઈને સોહરાબ મોદી એમને ‘કમાલ… કમાલ’ કહીને બોલાવતાં એટલે પછી એ અમીર હૈદરમાંથી કમાલ અમરોહી તરીકે જાણીતા થઈ ગયા. ‘મહલ’ (આયેગા આનેવાલા)થી મોટા માણસ બની ગયેલાં કમાલ અમરોહી સમય જતાં અલેઝહરા સાથે નિકાહ કરીને બે પુત્ર (શાનદાર અને તાજદાર) એક પુત્રી (રૂખસાર) -ના અબ્બાજાન પણ બનેલાં. મીનાકુમારી એમની બીજી બીબી બની. કમાલના જીવનમાં ત્રીજી સ્ત્રી પણ આવી હતી. (એની વાત આપણે આગળ કરીશું) કમાલ ખુદ કમાલના હેન્ડસમ હતા અને શાયરાના વ્યક્તિત્વ ધરાવતા હતા. મધુબાલા અને નરગીસ માટે જદનબાઈ સુદ્ધાં કમાલ અમરોહી પાસે આડક્તરા માંગા નાખી આવેલાં. નર્તકી અને તવાયફના જીવન પર ફિલ્મ બનાવવાનો વિચાર પણ આવા જ કોઈ કારણોસર કમાલ અમરોહીના જહનમાં સ્ટોર થઈ ગયો હતો.

૧૯પ૭માં ‘પાકિઝા’ ના મુહૂર્તના બીજા દિવસે ‘ઈન્હીં લોગોને લે લીયા દુપટૃા મેરા…’ ગીતનું શૂટીંગ મીનાકુમારી પર શરૂ થયું.

અહીં રસપ્રદ વાત એ છે કે ૧૯પ૭માં ‘પાકિઝા’નું ફિલ્માલય (ત્યારનો ‘બહાર’ સ્ટૂડિયો)માં બીજા શેડયૂલનું શૂટિંગ શરૂ થયું ત્યારે મુખ્ય ઠાકુરન્ઉમ પાત્ર ખુદ કમાલ અમરોહી જ ભજવતાં હતા. ‘પાકિઝા’ની કવ્વાલીનું શૂટિંગ પણ એમના અને અરુણ આહુજા (ગોવિંદાના પિતા) સાથે થઈ ગયું હતું. બીજાં થોડાક સીન પણ શૂટ થયા, પરંતુ કમાલસાહેબને જેવું સમજાયું કે, દિગ્દર્શનની એકટિંગ અપને બસ કી બાત નહીં..‘ કે તરત જ પાકિઝા’માં એમના સ્થાને અશોકકુમારને સાઈન કરવામાં આવ્યા અને એમની તારીખ પ્રમાણેના શૂટિંગ શેડયૂલ બનાવવામાં આવ્યાં. દરમિયાન ‘ઈન્હીં લોગોને… ’ ગીતના રશીઝ જોયા પછી મીનાકુમારીએ ચંદન (કમાલસાહેબને)ને કહ્યું કે, ‘તમારો સેટ તો ભવ્ય છે પણ બ્લેક એન્ડ વ્હાઈટમાં તેની ભવ્યતા દબાઈ જાય છે….’
એ વખતે મુંબઈની ફિલ્મજગતમાં ‘મોગલ-એ-આઝમ’માં ઈસ્ટમેન કલરમાં શૂટ થયેલાં પ્યાર ક્યિા તો ડરના ક્યા.. ગીતની જબરી ચર્ચા ચોતરફ હતી.

તરત ફેંસલો… ‘પાકિઝા’ને કલરમાં બનાવવાનું નક્કી કરીને કમાલ અમરોહીએ અગાઉના તમામ ફૂટેજને ડબ્બામાં પધરાવી દીધાં. સેટ પણ નવો બનાવડાવાનો આદેશ આપી દીધો, જેથી રંગીન ‘પાકિઝા’ વધુ ઝળહળી ઉઠે
… અને સવા વરસે ‘ફિલ્મીસ્તાન’ સ્ટૂડિયોમાં મીના બાજારનો સેટ તૈયાર થઈ ગયો પછી એકડે એકથી શૂટિંગ શરૂ. મીનાકુમારી ભલે કમાલ અમરોહી માટે ‘ઘર કી જોરૂ’ હતી, પણ એ ગમે તેમ પણ મોટી સ્ટાર હતી. અન્ય ફિલ્મો પણ એમણે સાઈન કરી હતી. બાળવાર્તાની સ્ટાઈલમાં કહીએ આમ કરતાં-કરતાં ૧૯પ૭માં શરૂ થયેલી ફિલ્મ ‘પાકિઝા’ ૧૯પ૯માં પહોંચી. આ એ વરસ હતું જયારે ગુરૂદત્તની ‘કાગઝ કે ફૂલ’ રિલિઝ થઈ હતી. વક્તને ‘કીયા ક્યા હસીં સિતમ઼.. ’ ગીતે અને ફિલ્મે પણ એ વખતે ‘પાકિઝા’ પર પણ સ્વિટ સિતમ ર્ક્યો.

‘કાગઝ કે ફૂલ’ સિનેમાસ્કોપમાં બની હતી. એ જોઈને મંજુ-ચંદન (મીનાકુમારી-કમાલ ) ને થયું કે પાકિઝા’ પણ સિનેમાસ્કોપમાં જ બનવી જોઈએ અને ફરી…‘પાકિઝા’ ઝિરો પર આવી ગઈ. એટલું સારું હતું કે કમાલ અમરોહીએ ‘ફિલ્મિસ્તાન’ સ્ટૂડિયોમાં સેટ બનાવતી વખતે ત્રણ વરસનો કોન્ટ્રાકટ ર્ક્યો હતો એટલે દિવસો કે મહિનાઓના વેડફાટની કમાલ અમરોહીને પરવાહ નહોતી.

આ કિસ્સો જુઓ… મીના બાજારનાં સેટ પર ‘ચલતે-ચલતે..’ ગીતના શૂટિંગમાં રશીઝ જોતાં કમાલસાહેબે નોંધ્યું કે મીનાકુમારીને ફોક્સ કરવામાં આવે છે ત્યારે ઊભી બજારમાં દેખાતી નર્તકીઓ આઉટફોક્સ જ થઈ જાય છે…. આ કેમ ચાલે…? એમણે કેમેરામેન જોસેફ વીરસીંગને ફોક્સ ટેકનિક શીખવા માટે જર્મની મોકલી દીધો…! એ ટ્રેનિંગ ચાર મહિના ચાલી. શૂટિંગ એ પછી જ શરૂ થયું. પર્ફેકટનિસ્ટ કમાલ અમરોહી કેટલા જિદી અને સ્વમાની હતા તેનો પરચો ‘પાકિઝા’ને સતત મળતો હતો. સોહરાબ મોદીનાં પત્ની મહેતાબને એક સીનમાં એકસ્ટ્રા આર્ટિસ્ટ જેવા દુપટ્ટો પહેરવામાં નાનપ લાગતી હતી, પણ ડાયરેકટર પાસે એમનું ચાલ્યું નહીં. એમણે શોટ દેતી વખતે વેર લેવાનું શરૂ ર્ક્યું. મોડી રાત સુધી આ ચાલ્યું. રો-સ્ટોક ખતમ થઈ ગયા સુધી આ ખેલ જોયા પછી કમાલસાહેબ પેકઅપ કહ્યું એટલે મહેતાબે જતી વખતે છણકો ર્ક્યો:
મૈં કલ નહીં આઉંગી…’ .
‘કલ સે આપ કો આના હી નહીં હૈ.!’

કહીને કમાલ અમરોહીએ શૂટીંગનું એ બધું ફૂટેજ રદ કરી નાખ્યું અને મહેતાબની જગ્યાએ નાદિરા લઈ લીધાં. ફિલ્મો વિશે જે જાણે છે તે સમજે છે કે નાનકડું પાત્ર ભજવતાં એકટરને પણ બદલો તો એના થયેલાં તમામ શૂટિંગને રિ-શૂટ કરવું પડે ત્યારે એમાં પૈસા- સમય- એનર્જીનો કચ્ચરઘાણ વળી જાય…

જો કે નાદિરાથી થાકીને કમાલસાહેબે સ્ક્રિપ્ટમાં જ ફેરફાર કરીને સાહેબજાન (મીનાકુમારી)ની મૌસીનું પાત્ર ઊભું ર્ક્યું અને વીણા નામની અભિનેત્રીને એ કિરદાર ભજવવા આપી દીધું. સિનેમાસ્કોપ ‘પાકિઝા’ના નિર્ણય પછી કમાલ અમરોહીએ સ્ક્રિપ્ટમાં ઘણાં ફેરફાર ર્ક્યા અને અશોકકુમારને નવાબનું રૂપ આપી દીધું. હીરો નવાબ હતો, પણ એને ફોરેસ્ટ ઓફિસર બનાવી દીધો. એ માટે રાજકુમાર- સુનિલ દત્તનો સંપર્ક કરવામાં આવ્યો, પણ નારીપ્રધાન ફિલ્મ કરવામાં આ સ્ટારલોગને રસ ન પડયો. આખરે નવા-સવા ધર્મેન્દ્રને ફોરેસ્ટ ઓફિસર તરીકે ફાઈનલ કરવામાં આવ્યો. ધર્મેન્દ્ર અને મીનાકુમારી સાથે હોય એવી પહેલી ફિલ્મ ‘પાકિઝા’ હતી. ધર્મેન્દ્રે શૂટીંગ પણ શરૂ કરી દીધું. જો કે ત્યારે કોઈને ખબર નહોતી કે ધર્મેન્દ્ર ‘પાકિઝા’માં નહીં રહે. હા, મીનાકુમારીના દિલમાં એ ચોક્કસ સ્થાન બનાવી લેવાનો હતો.

એમ તો ૧૯૬૦-૬૧માં કમાલ અમરોહીને પણ ક્યાં અંદાજો હતો કે ‘પાકિઝા’ શરૂ ર્ક્યાને પાંચ વરસ થઈ ગયા હતા અને હજુ તો એમની અને ‘પાકિઝા’ સાથે ઘણું ઘણું બનવાનું બાકી હતું….
આ વિશે વધુ રસિક વાત આવતા અઠવાડિયે…

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker