તેરે પ્યાર કા આસરા ચાહતા હૂં…
મનોજ કુમાર અને બી આર ફિલ્મ્સના ચિત્રપટોના ગીતોથી વિશેષ લોકપ્રિયતા મેળવનારા મહેન્દ્ર કપૂરની મંગળવારે ૯૦મી જન્મ જયંતી હતી એ નિમિત્તે તેમના વિશિષ્ટ સંભારણાં
હેન્રી શાસ્ત્રી
મહેન્દ્ર કપૂર (ડાબે) અને ‘ઉપકાર’નું ‘મેરે દેશ કી ધરતી’ ગીત
મહેન્દ્ર કપૂરનું નામ પડે એટલે તાર સ્વરમાં તેમણે ગાયેલા ગીતોનું સ્મરણ પહેલા થાય. સૌથી પહેલું યાદ આવે ‘ઉપકાર’નું ‘મેરે દેશ કી ધરતી’ પછી ‘જાગેગા ઈન્સાન ઝમાના દેખેગા’ (આદમી ઔર ઇન્સાન), ‘હૈ પ્રીત જહાં કી રીત સદા’ (પૂરબ ઔર પશ્ર્ચિમ), ‘મેરા રંગ દે બસંતી ચોલા’ (શહીદ) અને હા, રાજકમલજીએ સ્વરબદ્ધ કરેલું ‘મહાભારત’ સિરિયલ માટેની ચાર લાઈન ‘અથ શ્રી મહાભારત કથા, મહાભારત કથા, કથા હૈ પુરુષાર્થ કી, સ્વાર્થ કી પરમાર્થ કી’ વગર તો ‘મહાભારત’નો પ્રત્યેક એપિસોડ અધૂરો લાગે. દેશભક્તિના તેમજ ભક્તિ ગીતોમાં ખીલી ઉઠતા મહેન્દ્ર કપૂર માટે એવું કહેવાતું કે કોઈ જાહેર કાર્યક્રમમાં ગાવા માટે આમંત્રણ હોય તો એમને સાઉન્ડ સિસ્ટમની જરૂર ન પડતી. બુલંદ અવાજનું આનાથી મોટું પ્રમાણપત્ર બીજું કયું હોઈ શકે? તાર સ્વરના ધણી એવા મહેન્દ્ર કપૂરની મંગળવારે ૯૦મી જન્મ જયંતી હતી એ નિમિત્તે પેશ છે તેમની કેટલીક ખૂબ મજેદાર વાતો.
૯ જાન્યુઆરી ૧૯૩૪ના દિવસે અમૃતસરમાં જન્મેલા મહેન્દ્ર કપૂરનો પરિવાર તેમના જન્મ પછી થોડાક મહિનામાં જ મુંબઈ આવી ગયો હતો. ઘરના વાતાવરણમાં સરગમનો માહોલ. માતુશ્રી અને મોટાભાઈનું ગળું બહુ સારુંં હતું. ગણગણવાની ટેવ બહુ વહેલી પડી ગઈ અને એક દિવસ શાળામાં શિક્ષકના અતિ આગ્રહને માન આપી ‘ઠંડી ઠંડી રાત મેં, ખજૂર કે તલે, તેરે ઈંતેઝાર મેં મેરા દિલ જલે’ ગાયું જે સાંભળી બધાએ તાળી પાડી અને કદાચ એ દિવસે ગાયક બનવાના બીજ બાળક મહેન્દ્રમાં રોપાયા હશે. એક દિવસ ઘરે ગીતકાર ભરત વ્યાસના નાના ભાઈ બી. એમ. વ્યાસ મોટાભાઈને સંગીતની તાલીમ આપવા આવ્યા પણ કોઈ કારણસર મહેન્દ્ર કપૂરની તાલીમ શરૂ થઈ ગઈ. તાલીમ ચાલી રહી હતી એ દરમિયાન ૧૯૪૭માં રિલીઝ થયેલી ‘જુગનુ’નું મોહમ્મદ રફીએ ગાયેલું ‘યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ’ સાંભળ્યા પછી ૧૩ વર્ષના કિશોર મહેન્દ્રને ગાયક બનવાની તીવ્ર લગન લાગી. રફી સાહેબના ઘરે પહોંચી તેમનો શિષ્ય બની ગયો અને રેકોર્ડિંગમાં તેમની સાથે જવા લાગ્યો. સ્વાભાવિક હતું કે સંગીત સૃષ્ટિના લોકો સાથે પરિચય વધે અને એવા એક પરિચયને પગલે હિન્દી ફિલ્મમાં પ્લેબેક આપવાની પહેલી તક મહેન્દ્ર કપૂરને મળી. જોકે, શરૂઆતનો દોર બહુ કપરો હતો.
પ્રારંભિક સમયમાં (૧૯૫૩ – ૧૯૫૬) મળેલી નિષ્ફળતા અને ખાસ તો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થયેલા અપમાનાસ્પદ વર્તનથી અકળાયેલા અને નાસીપાસ થયેલા મહેન્દ્ર કપૂર ગ્લેમરની દુનિયા સાથે છેડો ફાડી નાખવા અંગે મનોમન નિર્ણય લઈ ચૂક્યા હતા ત્યારે એમની પ્રતિભામાં વિશ્ર્વાસ ધરાવતા કેટલાક મિત્રોએ તેમને ૧૯૫૭માં આયોજિત ‘ઓલ ઈન્ડિયા મરફી મેટ્રો સિંગિંગ કોમ્પિટિશન’માં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. જોકે, મન ઊતરી ગયું હોવાથી મિત્રોના સૂચનને તેમણે સાંભળ્યું – ન સાંભળ્યું કર્યું. એક દિવસ અચાનક સ્પર્ધાના આયોજકોનો ફોન આવ્યો અને મહેન્દ્ર કપૂરને ખબર પડી કે તેમના એક મિત્રએ તેમના વતી ફોર્મ ભરી દીધું હતું. એટલે કમને તેઓ સ્પર્ધામાં સહભાગી થયા. પછી શું થયું એ એમના જ શબ્દોમાં જાણીએ. એક ઈન્ટરવ્યૂમાં આ સ્પર્ધા વિશે વિગતવાર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ‘હું પૂરી તૈયારી સાથે સ્પર્ધામાં ઊતર્યો અને એક પછી એક રાઉન્ડ જીતવા લાગ્યો. જજ તરીકે નૌશાદ, સી. રામચંદ્ર, મદન મોહન, અનિલ વિશ્ર્વાસ અને વસંત દેસાઈ હતા. સ્પર્ધા ચાલી રહી હતી એ દરમિયાન સ્પર્ધામાં ઊતરેલા કોઈ ગાયકે વાંધો ઉઠાવ્યો કે હું તો પ્રોફેશનલ – વ્યવસાયિક ગાયક હોવાથી એમેટર – બિન વ્યવસાયિક ગાયકો માટે જ આયોજિત કરવામાં આવેલી આ સ્પર્ધામાં નિયમ અનુસાર ભાગ ન લઈ શકું. જોકે, ફિલ્મ ‘હીર’ માટે મેં ગાયેલા ગીત માટે નહીં મળેલા પૈસા અહીં મારી મદદે આવ્યા. ‘હીર’ના સંગીતકાર અનિલ વિશ્ર્વાસ એક જજ હતા અને તેમણે જાહેરમાં કહ્યું કે મેં ફિલ્મ માટે ગીત જરૂર ગાયું છે, પણ શોખ તરીકે. એ ગીત ગાવા માટે મને રાતી પાઈ પણ નહોતી આપવામાં આવી. આ દલીલ મારું પલડું ભારે કરવા પૂરતી હતી, પણ વાંધો ઉઠાવનારા પેલા ગાયકે મારી સામે કેસ કર્યો.’ ના છૂટકે આયોજકોએ મહેન્દ્ર કપૂરના પિતાશ્રી પાસે લખાવી લીધું કે જો તેમનો પુત્ર પ્રોફેશનલ ગાયક હોવાનું સિદ્ધ થશે તો સ્પર્ધાનો સંપૂર્ણ ખર્ચ (આશરે અઢી લાખ રૂપિયા, ૬૬ વર્ષ પહેલા) તેમણે ભરપાઈ કરી આપવો પડશે અને છેતરપિંડીના આરોપસર મહેન્દ્ર કપૂરને છ મહિનાની જેલની સજા પણ થઈ શકે. આ બધી બાબતો અખબારોમાં ખાસ્સી ગાજી હતી. આટલી મુસીબત ઓછી હોય એમ કોઈ ફિલ્મ નિર્માતાએ મહેન્દ્ર કપૂરના પરિવારને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. અચાનક ફૂટી નીકળેલા નવા ફણગા વિશે મહેન્દ્ર કપૂરજીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મને યાદ જ નહોતું કે મને ગીત ગાવા માટે આપેલા પૈસાની રસીદ તેની પાસે હતી. સાચું કહું છું કે એ દિવસ સુધી મેં બધા ગીત ફોગટમાં ગાયા હતા. રોકડો રૂપિયો લીધા વગર. અચાનક બદલાયેલી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવા નિર્માતા પેલી રસીદ જાહેર કરવાની ધમકી આપી મારી પાસેથી પૈસા પડાવવાની વેતરણમાં હતો. અગાઉ પણ મને મદદરૂપ થયેલા એરેન્જર કેરસી મિસ્ત્રી ફરી એક વાર મારી મદદે આવ્યા. પેલા નિર્માતા સાથે એરેન્જર
તરીકે તેઓ કામ કરતા હતા. ખબર નહીં કેવી રીતે, પણ તેઓ નિર્માતાના ઘરમાંથી પેલી રસીદ ઉઠાવી લાવ્યા અને મારી સામે જ એ રસીદ સળગાવી નાખી.’ અદાલતમાં મહેન્દ્ર કપૂર વિરુદ્ધ કોઈ પુરાવો પેશ નહીં થવાને કારણે ચુકાદો તેમની તરફેણમાં ગયો. છેલ્લા રાઉન્ડમાં પણ મહેન્દ્ર કપૂર જ વિજયી સાબિત થયા. આનંદની ભરતીમાં એક મોટું મોજું એ આવ્યું કે મોહમ્મદ રફીએ મહેન્દ્ર કપૂરને વિધિસર પોતાના શિષ્ય બનાવી લીધા.
કેસમાં નિર્દોષ સાબિત થયા અને એટલે નિયમ અનુસાર પાંચે પાંચ નિર્માતા મહેન્દ્ર કપૂરને કમ સે કમ એક ગીત ગાવાનો મોકો આપવા બંધાયેલા હતા. હવે મજા જુઓ. ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’ના ‘અય માલિક તેરે બંદે હમ’ ગીત માટે વી. શાંતારામે તેમને રિજેક્ટ કર્યા હતા અને હવે એ જ શાંતારામની ફિલ્મ ‘નવરંગ’ માટે એક જજ સી. રામચંદ્રએ મહેન્દ્ર કપૂરના અવાજમાં ‘આધા હૈ ચંદ્રમા રાત આધી’ રેકોર્ડ કર્યું. નૌશાદની ‘સોહની મહિવાલ’માં મહેન્દ્ર કપૂરે ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે રાત ગજબ કી આયી’ રેકોર્ડ કરાવ્યું. અદાલતના પગથિયાં ચડ ઊતર કરી કંટાળી ગયેલા મહેન્દ્ર કપૂર હવે ખુશી ખુશી ઢાળ મળતા દોડવા લાગ્યા. પૈસો પૈસાને ખેંચે એમ એક સફળ ગીત બીજા ગીત તાસકમાં ઠાલવી દે એ ન્યાયે સંગીતકાર એન. દત્તાએ મહેન્દ્ર કપૂરના બંને ગીત સાંભળ્યા હતા અને તેમણે તેમની મુલાકાત યશ ચોપડા સાથે કરાવી. એ સમયે યશજી તેમની પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ ડિરેક્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. યશજીને પણ મહેન્દ્ર કપૂરનો અવાજ પસંદ પડ્યો અને તેમણે રાજેન્દ્ર કુમાર – માલાસિંહા પર ફિલ્માવાયેલા યુગલ ગીત ‘તેરે પ્યાર કા આસરા ચાહતા હૂં, વફા કર રહા હૂં વફા ચાહતા હૂં’ ગવડાવ્યું અને એ ગીતને અફાટ લોકપ્રિયતા મળી અને મહેન્દ્ર કપૂરની લાઈફ બની ગઈ. ત્યાર પછી બી. આર. ફિલ્મ્સના જાણે કે તેઓ પર્મેનન્ટ મેમ્બર બની ગયા. તેમને ત્રણ ફિલ્મફેર પુરસ્કાર (ચલો એક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનો – ગુમરાહ, આ નીલ ગગન કે તલે – હમરાઝ અને ઔર નહીં બસ ઔર નહીં – રોટી કપડા ઔર મકાન) તેમજ ‘ઉપકાર’ના ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો. અલબત્ત દેશભક્તિ અને ભક્તિ ગીતોમાં ખીલી ઉઠતા મહેન્દ્ર કપૂર પાસે રફી સાબ જેવું વૈવિધ્ય નહોતું અને એટલે જ તેમની કારકિર્દી ગુરુ જેટલી ઊંચાઈને આંબી ના શકી.
ત્રણેય મંગેશકર બહેનો સાથે ગુજરાતી યુગલ ગીત
અનેક ભારતીય ભાષામાં મહેન્દ્ર કપૂરે પોતાનો કંઠ રેલાવ્યો છે. એમના સમયના અગ્રણી પુરુષ ગાયકોમાં સૌથી વધુ ગુજરાતી ગીતો મહેન્દ્ર કપૂરે ગાયા હોવાનું કહેવાય છે જેમાં ચિત્રપટના ગીતો તેમજ આરતી – ભજન વગેરેનો સમાવેશ છે. તેમનું સૌથી લોકપ્રિય ગીત ‘ભાદર તારા વહેતા પાણી’નું અવિનાશ વ્યાસે સ્વરબદ્ધ કરેલું ‘ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો’ (સાથે સુમન કલ્યાણપુર અને સાથીઓ) છે. હરીન્દ્ર દવે લિખિત અમર ગીત ‘એક રજકણ સૂરજ થવાને શમણે, ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે’ મહેન્દ્ર કપૂર – ઉષા મંગેશ્કરનું અવિસ્મરણીય યુગલ ગીત છે જેનું સ્વરાંકન શ્રી દિલીપ ધોળકિયાનું છે. ‘જેસલ તોરલ’નું ‘ધૂણી રે ધખાવી અમે તારા નામની’ અને ‘બુઝાઈ જા માટી માટીના મારા કોડિયા’, ‘રાજા ભરથરી’નું ‘પહેલા પહેલા જુગમાં રાણી’, ‘વણઝારી વાવ’નું દમયંતી બરડાઈ સાથે યુગલ ગીત ‘મેળે મેળે મોરલડી હેલે ચડી, હેજી હેલે ચડી ને રંગ રેલે ચડી’, ઉષા મંગેશકર સાથે ‘ભાદર તારા વહેતા પાણી’નું યુગલ ગીત ‘કેમ કરીએ, કેમ કરીએ’, સુમન કલ્યાણપુર સાથે ‘શેતલને કાંઠે’નું યુગલ ગીત ‘તારા દુ:ખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ’ અને હા ‘મેંદી રંગ લાગ્યો’નું લતા મંગેશકર સાથે યુગલ ગીત ‘પાંદડું લીલું ને રંગ રાતો’ કેમ ભૂલાય? ‘લાખો ફુલાણી’નું આશા ભોસલે સાથેનું યુગલ ગીત ‘એક પાટણ શેરની નાર પદમણી’ બડુ રમતિયાળ ગીત છે જે ગાયકોએ વધુ રમતિયાળ બનાવ્યું છે. ત્રણેય મંગેશકર બહેનો સાથે યુગલ ગીત ગાનારા મહેન્દ્ર કપૂર હિન્દી ફિલ્મોના એકમાત્ર અગ્રણી ગાયક હોવા જોઈએ.