હીરાથી મઢેલો મહેલ, 7000 કાર, સોનાના વિમાનો ધરાવતા સુલતાનના પુત્રના લગ્ન થયા, જુઓ તસવીરો
છેલ્લા 55 વર્ષથી શાસન કરી રહેલા બ્રુનેઇના સુલતાન હસનઅલ બોલ્કિયાના પુત્રના આવતીકાલે લગ્ન યોજાઇ રહ્યા છે. વિશ્વભરમાં હાલના સમયમાં જેટલા પણ દેશોમાં રાજાશાહી ચાલી રહી છે તેમાં બ્રુનેઇના સુલતાન સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા રાજવી છે. તેમના પુત્ર 32 વર્ષીય પ્રિન્સ અબ્દુલ મતિનના અનીશા રોસ્નાહ સાથે લગ્ન થયા છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.
ફોર્બ્સના એક અહેવાલ પ્રમાણે તેલથી સમૃદ્ધ એવા બ્રુનેઈના સુલતાન હસનઅલ બોલ્કિયા વિશ્વના સૌથી ધનવાન રાજઘરાણાઓમાંથી એક છે અને તેમની કુલ સંપત્તિ 20 બિલિયન ડોલર કરતાં પણ વધારે છે. બ્રુનેઇ એક એવો દેશ છે જે મલેશિયા અને ચીન સમુદ્રથી ઘેરાયેલો છે. સુલતાનને 2 પત્નીઓ અને 12 બાળકો છે. બ્રુનેઇના કિંગના પ્રાઈવેટ કાર કલેક્શનમાં રોલ્સ રોયસ, બેન્ટલી સહિત ઘણી લક્ઝરી કાર છે. એક રિપોર્ટ અનુસાર સુલતાન પાસે લગભગ 300 ફેરારી અને 500 રોલ્સ રોયસ કારનું કલેક્શન છે. આ સિવાય 250 થી વધુ લેમ્બોર્ગિનીસ, 250 થી વધુ એસ્ટોન માર્ટિન્સ, 170 થી વધુ બુગાટી, 230 થી વધુ પોર્શ, 350 બેન્ટલી, 440 મર્સિડીઝ, 260 થી વધુ ઓડી, 230 થી વધુ BMW અને 220 થી વધુ જગુઆર છે. 180 લેન્ડ રોવર આ લક્ઝરી કાર છે. તેમના મહેલમાં 5 સ્વિમિંગ પૂલ, 1,700 રૂમ, 200 એર કન્ડિશન્ડ ઘોડના તબેલા, 300 ફેરારી, 500 રોલ્સ રોયસ અને 100 ગેરેજ છે, બ્રુનેઈના સુલતાનની વૈભવશાળી લાઇફ સ્ટાઇલને કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં પણ સામેલ છે.
મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો, બ્રુનેઈના સુલતાન પાસે સોનાથી જડેલું પ્રાઈવેટ જેટ છે, જેની કિંમત 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આ પ્લેનની અંદરનું વૉશ બેસિન પણ સોનાનું બનેલું છે. પ્લેનમાં 950 કરોડ રૂપિયાથી વધુનો લક્ઝરી સામાન છે. આટલું જ નહીં સુલતાનના મહેલ ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસનો ગુંબજ પણ 22 કેરેટ સોનાનો બનેલો છે, જેની કિંમત લગભગ 2,550 કરોડ રૂપિયા છે.
વાત પ્રિન્સ મતિનની કરીએ તો મતિન એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે. અવારનવાર તેમની સરખામણી પ્રિન્સ હેરી સાથે કરવામાં આવે છે. મતીન પોલો ખેલાડી પણ છે, તેમણે 2017 અને 2019માં દક્ષિણપૂર્વ એશિયન ગેમ્સમાં બ્રુનેઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે હાલમાં બ્રુનેઇના એરફોર્સમાં સેવા આપી રહ્યા છે.તે જેની સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે તે અનીશા રોસનાહ ફેશન અને ટુરીઝમ બિઝનેસ સાથે જોડાયેલા છે. તેમજ તેમના દાદા પ્રિન્સ માતિનના પિતાના સલાહકાર રહી ચૂક્યા છે.