મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર હજી તલવાર તોળાઈ રહી છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણીપંચ પછી વિધાનસભાના અધ્યક્ષે પણ હવે શિવસેનાના ભંગાણ અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથ તરફી ચુકાદો આપ્યો છે. આ પ્રકરણની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થવાનું નક્કી થઈ ગયું હોવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના માથે હજી પણ તલવાર તોળાઈ રહી છે.
નાર્વેકરે શિવસેનાના મૂળ પક્ષ તરીકે એકનાથ શિંદેના જૂથને માન્યતા આપી હોવાથી અત્યારે શિંદેના કાર્યકર્તાઓ ઉત્સાહમાં છે. શિંદે કરતાં વધુ તો ભાજપ વધુ ખુશ છે. ઉદ્ધવ ઠાકરેનું ખચ્ચીકરણ કરીને શિવસેનાના સૂત્રો શિંદે પાસે સોંપવાનો તેમનો ઈરાદો બર આવ્યો છે.
અપાત્રતાની તલવાર દૂર થઈ હોવા છતાં હજી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવે એવી શક્યતા જણાય છે. ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી દીધી છે. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટમાં ઠાકરે જૂથ ગયું હતું અને તેમને ત્યાંથી રાહત પણ મળી હતી. આથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે અધ્યક્ષના નિર્ણય પર આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણીમાં શિંદેની હાલત કફોડી થઈ શકે છે.