ઉદ્ધવ માટે લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોને વિધાનસભ્યપદેથી ગેરલાયક ઠેરવવા માટે કરાયેલા અરજીમાં નિર્ણય આવી ગયો. વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે શિંદે સહિતના શિવસેનાના ૧૬ વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરીને ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવી દીધી છે. મતલબ કે, એકનાથ શિંદે સહિત તમામ ૧૬ વિધાનસભ્યનું વિધાનસભ્યપદ યથાવત્ રહેશે અને એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેશે.
સ્વીકર નાર્વેકરના કહેવા પ્રમાણે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે શિવસેનાના ૫૫માંથી ૩૭ વિધાનસભ્ય હોવાથી તેમની આગેવાની હેઠળનું જૂથ અસલી શિવસેના છે તેથી તેમને પક્ષપલટાનો નિયમ લાગુ ના પડે. ઉદ્ધવ ઠાકરે જૂથે ચીફ વ્હીપ તરીકે નિમ્યા એ મુદ્દે પણ સ્પીકરે કહ્યું છે કે, સુનીલ પ્રભુને ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા એ સ્પષ્ટ છે. હવે ચૂંટણી પંચે શિંદે જૂથને અસલી શિવસેના માની છે, તેથી એકનાખ શિંદે જૂથ દ્વારા ચીફ વ્હીપ તરીકે ભરત ગોગાવલેની નિમણૂક યોગ્ય છે. આ સંજોગોમાં સુનીલ પ્રભુને વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાનો અધિકાર નહોતો.
સ્પીકરે બીજી પણ બે-ત્રણ બાબતો અંગે સ્પષ્ટતા કરી છે. સ્પીકરના કહેવા પ્રમાણે, શિવસેનાના બંધારણ મુજબ, પાર્ટીના પ્રમુખ પોતાની રીતે કોઈને પક્ષમાંથી તગેડી શકતા નથી. આ સંજોગોમાં શિંદેને વિધાનસભાપક્ષના નેતાપદ પરથી હટાવવાનો નિર્ણય શિવસેનાના બંધારણ પ્રમાણેનો નહોતો કેમ કે આ નિર્ણય એકલા ઉદ્ધવનો હતો, આખા પક્ષનો નહીં. શિવસેનાના કોઈ પદાધિકારીને હટાવવો હોય તો તેના માટે રાષ્ટ્રીય કારોબારી અને પ્રતિનિધિ સભામાં બહુમતી જરૂરી છે પણ આ પ્રકારની કોઈ સહમતિ લેવામાં આવી નથી.
સ્પીકરે એમ પણ કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા પક્ષના બંધારણ પર કોઈ તારીખ ન હતી તેથી તેને સ્વીકારવામાં નહોતું આવ્યું. આ સંજોગોમાં અમે શિવસેનાના ૧૯૯૯ના બંધારણને તેના આધાર તરીકે સ્વીકાર્યું છે કેમ કે તેના પર તારીખ લખેલી છે. શિવસેનાનું ૨૦૧૮નું સુધારેલું બંધારણ ચૂંટણી પંચના રેકોર્ડમાં નથી. તેથી અમે ૧૯૯૯ના બંધારણને આધાર માન્યું છે. ચૂંટણી પંચના રેકોર્ડમાં આ બંધારણના આધારે જ એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે તેથી તેમની સાથે ગયેલા વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવી ના શકાય.
સ્પીકર નાર્વેકરનો નિર્ણય ધારણા પ્રમાણે જ છે કેમ કે આ પહેલાં કેન્દ્રીય ચૂંટણીપંચે પણ આવો જ નિર્ણય આપીને શિંદેની શિવસેનાને જ સાચી શિવસેના ગણાવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન પણ એકનાથ શિંદે જૂથને આપેલું છે એ જોતાં સ્પીકર નાર્વેકર પણ આવો જ ચુકાદો આપશે એ નક્કી જ હતું.
રાજકીય રીતે પણ સ્પીકર નાર્વેકર શિંદે જૂથની તરફેણ કરે એ નક્કી હતું કેમ કે નાર્વેકર ભાજપના વિધાનસભ્ય છે. ભાજપ અને શિવસેનાની અત્યારે મહારાષ્ટ્રમાં સરકાર છે એ જોતાં નાર્વેકર પોતાની પાર્ટીની સરકારના મુખ્ય પ્રધાનની વિરૂદ્ધ ચુકાદો આપે એ શક્ય જ નહોતું. ભારતમાં કોઈ રાજકારણી એટલો તટસ્થ હોતો જ નથી કે પોતાના પક્ષની વિરૂદ્ધ ચુકાદો આપે ને તેમાં પણ પોતાના પક્ષની સરકારના અસ્તિત્વનો ચુકાદો હોય ત્યારે તો એવી અપેક્ષા રખાય જ નહીં. નાર્વેકર પાસે તો ચૂંટણી પંચે લીધેલા નિર્ણયનો આધાર હતો તેથી એ તો કોઈ સંજોગોમાં શિંદે જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવે એ સવાલ જ નહોતો.
સ્પીકર નાર્વેકરનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે માટે મોટા ફટકા સમાન છે ને વાસ્તવમાં બેવડા ફટકા સમાન છે કેમ કે સ્પીકરના નિર્ણય પછી એકનાથ શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ખતરો ટળી ગયો છે પણ ઉદ્ધવ ઠાકરેના જૂથના ૧૪ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવી દેવામાં આવે એવી શક્યતા વધી ગઈ છે. એવું થાય એ પહેલાં આખી શિવસેના ખાલી થઈ જાય ને ઉદ્ધવ સાથે કોઈ વિધાનસભ્ય જ ના રહે એવો ખતરો પણ વધી ગયો છે.
એકનાથ શિંદેની શિવસેના જ સાચી શિવસેના છે એવું સ્પીકરે કહ્યું તેનો મતલબ એ થયો કે, શિંદે સાથે ગયેલા ૩૭ વિધાનસભ્યોએ તો પક્ષપલટો કર્યો જ નથી ને આ વિધાનસભ્યો તો મૂળ પક્ષમાં જ છે. ઉદ્ધવ ઠાકરે સાથે રહેલા ૧૪ વિધાનસભ્યો મૂળ પક્ષમાં નથી તેથી સ્પીકર નાર્વેકર તેમને ગેરલાયક ઠેરવી દે એવી પૂરી શક્યતા છે. આ સંજોગોમાં ઉદ્ધવ માટે તો લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ જેવું થઈને ઊભું રહી જાય.
આ ૧૪ વિધાનસભ્યોને પોતાને ગેરલાયક ઠેરવાશે એવો ડર લાગે તેથી શિંદેના શરણે જતા રહે એવું બને. શિંદે તેમને પોતાની શરણમાં લઈ લે પછી તેમને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી ના કરાય એવું બને. મતલબ કે, ઉદ્ધવ ઠાકરે માટે તો બાકી રહેલા વિધાનસભ્યોને કઈ રીતે બચાવવા એ સવાલ પણ છે. મહારાષ્ટ્રમાં આ વરસના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી છે તેથી ઉદ્ધવને મોટો ફટકો મારવા શિંદે જૂથ આ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની ધમકી આપીને પોતાની તરફ ખેંચી જાય એવી પૂરી શક્યતા છે.
શિંદે જૂથ એવું કરશે તો તેની ખબર પડવાની જ છે તેથી તેની વાત એ વખતે કરીશું પણ અત્યારે તો ઉદ્ધવ ઠાકરે માટે રાજકીય અસ્તિત્વનો સવાલ આવીને ઊભો રહી ગયો છે. ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે આ નિર્ણયને મેચ ફિક્સિંગ ગણાવ્યો છે. સ્પીકર શિંદેને નિર્ણય પહેલાં મળ્યા તેનો પણ તેમણે હવાલો આપ્યો છે પણ આ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે. મૂળ વાત એ છે કે, ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબ ઠાકરેના કારણે શિવસેનાના પ્રમુખ બની ગયા ને પછી મુખ્ય પ્રધાન પણ બની ગયા પણ રાજકીય રીતે ભોટ સાબિત થયા છે.
ભાજપ તેમને ખબર ના પડી ને શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોને ખેંચી ગયો એ વખતે જ ઠાકરે બેવકૂફ બની ગયેલા. ઠાકરેએ તરત એક્શનમાં આવીને આ ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવી દીધા હોત તો સ્થિતિ કદાચ અલગ હોત. એ વખતે રાજકીય ડ્રામા થયો હોત પણ વિધાનસભ્યોમાં ડર પેદા કરી શકાયો હોત. ઉદ્ધવે એ ના કર્યું તેમાં અણી ચૂક્યો સો વરસ જીવે એ હિસાબે શિંદે બચી ગયા. હવે જે સ્થિતિ છે તેમાં તેમના માટે પોતાના સાથીઓનું રક્ષણ કરવું પણ મુશ્કેલ થઈ ગયું છે.