NIA દ્વારા આતંકવાદીઓ અને ગેંગસ્ટરો સામે મોટી કાર્યવાહી કુલ 32 સ્થળોએ પાડ્યા દરોડા…
નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશના પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢમાં કુલ 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં એજન્સીએ આરોપીઓ પાસેથી 4.60 લાખ રૂપિયા રોકડા, બે પિસ્તોલ અને બે મેગેઝીન જપ્ત કર્યા છે. આ ઉપરાંત તપાસ સાથે સંબંધિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે. NIAએ આ દરોડા આતંકવાદી અને ગેંગસ્ટર વચ્ચેના સાંઠગાંઠના મામલામાં નોંધાયેલા ત્રણ કેસ અંતર્ગત પાડ્યા હતા. આ કેસ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા બદમાશો સહિત ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે.
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર અંકિત સેરસા અને પ્રિયવ્રત ફૌજીના પરિવારજનોની એનઆઈએ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી હતી, તેમજ તેમના ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત સિદ્ધુ મુસેવાલાના મર્ડર કેસમાં NIAની ટીમે બેરીમાં રહેતા કુલદીપ ઉર્ફે કશિશના ઘરે પણ દરોડા પાડ્યા હતા. જ્યારે NIAની ટીમે કુલદીપના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેની માતા, ભાઈ અને ભાભી હાજર હતા. તેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને પરિવારના તમામ સભ્યોની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને તેમના ફોન પણ ચેક કરવામાં આવ્યા હતા. લગભગ એક કલાક સુધી દરોડા ચાલ્યા હતા.
તેમજ NIAએ પલવલના હોડલ સબ-ડિવિઝનના કરમણ ગામમાં સરપંચના ઘરે પણ દરોડા પાડ્યા હતા. સરપંચ સરોજના સાળા અનિલને બંબીહા ગેંગના ગેંગસ્ટર નીરજ ફિરોઝપુરિયા સાથે સંબંધ હોવાનું કહેવાય છે. અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ ભટિંડામાં ગેંગસ્ટર હેરી મૌડના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
આ નેટવર્ક ભારતના અલગ-અલગ રાજ્યોમાં માત્ર હત્યાઓ જ નથી કરતું પરંતુ પાકિસ્તાનમાંથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં પણ વ્યસ્ત છે. આ નેટવર્ક ગુનાખોરીની દુનિયામાંથી કમાયેલા નાણાંનું પણ અલગ-અલગ જગ્યાએ રોકાણ કરી રહ્યું છે જેથી આ નાણાંનો ઉપયોગ નેટવર્કને વિસ્તારવા માટે કરી શકાય.