ડોંબિવલીના બારમાં વિવાદ થતાં ગોળીબાર : એક જણ જખમી
થાણે: થાણે જિલ્લાના ડોંબિવલીમાં એક બારમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિ જખમી થઈ હતી. ગોળીબારની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી અજય સિંહની સાથે બીજા પાંચ લોકોની પણ ધરપકડ કરી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ બુધવારે મોડી રાતે ડોંબિવલીમાં આવેલા એક ઑરકેસ્ટ્રા બારમાં ખુરશીને ધક્કો લગતા બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો.
ગોળીબાર થતાં બારમાં હંગામો મચી ગયો હતો. ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. બારમાં બનેલી ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી અને તે પછી ગોળી વાગવાથી ઘાયલ થયેલા વિકાસ ભંડારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અજય સિંહ બારમાં તેના મિત્રો સાથે આવ્યો હતો. આ બારમાં અજય સિંહની બાજુના ટેબલ પર વિકાસ સિંહ બેઠેલો હતો. આ દરમિયાન ખુરશીને ધક્કો લાગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ વાદ વધતાં અજયે બંદૂક કાઢી વિકાસને ગોળી મારી હતી.
અજયે ચલાવેલી ગોળી વિકાસના ખભા પર વાગતા તે જખમી થઈ ગયો હતો. ડોંબિવલીના માનપાડા વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા અજય સિંહની અટક કર્યા બાદ ગોળીબારમાં વધુ લોકો પણ સામેલ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસને આ વાતની જાણ થતાં બાકીના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ દરેક આરોપીઓની પૂછપરછ ચાલી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.