ઈન્દોર અને સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરો, રાષ્ટ્રપતિ મુર્મુએ એવોર્ડ આપ્યો
નવી દિલ્હી: ભારતમાં સ્વચ્છતા મિશનની ભાવના હવે દરેક દેશવાસીઓમાં જાગી છે, જેની અસર રસ્તાઓ, શેરીઓ અને ઉદ્યાનોમાં જોવા મળી રહી છે. આ ક્રમમાં સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં ઈન્દોર અને સુરતને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા છે.ઈન્દોરને સતત સાતમી વખત દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઈન્દોરને સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ સીએમ મોહન યાદવને સોંપ્યો છે. આજે, ભારત મંડપમ ખાતે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં સ્વચ્છ સર્વેક્ષણના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સીએમ ડો. મોહન યાદવને આ એવોર્ડ સોંપ્યો હતો. આ ઉપરાંત ઈન્દોર, ભોપાલ, મહુ કેન્ટ, અમરકંટક, નૌરોજાબાદ અને બુધનીને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ઈન્દોરે સતત સાતમી વખત આ ખિતાબ જીત્યો છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગુરુવારે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. આ દરમિયાન શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીય, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર હર્ષિકા સિંહ પણ હાજર હતા. સ્વચ્છ શહેરની યાદીમાં નવી મુંબઈને ત્રીજું સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે દેશમાંથી માત્ર ત્રણ શહેરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્દોર, સુરત અને નવી મુંબઈનો સમાવેશ થતો હતો. આ ત્રણ શહેરો ગત વખતે પણ ટોપ-3માં હતા. જેમાં ઈન્દોરની સુરત સાથે ટક્કર હતી.