શું તમારુંં સંતાન તમને તુંકારે બોલાવે તા તમારું પુરુષત્વ ઝંખવાય છે?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
લોકસાહિત્યકાર સાંઈરામ દવેનો એક સરસ મજાનો જોક છે. તેઓ કહે છે માતૃભાષાને માતૃભાષા શું કામ કહેવામાં આવે છે? પિતૃભાષા શું કામ નહીં? તો કે બાપા સામે મોઢું ઉઘડે તો ભાષાની વાત આવેને? વાતો બધી મા સાથે જ થતી હોય છે એટલે માતૃભાષાને માતૃભાષા કહેવામાં આવે છે! એ વાત સાચી પણ ખરી કે લગભગ નાઈન્ટીઝ સુધી જન્મેલાં સંતાનોનું પિતા સાથેનું કોમ્યુનિકેશન લગભગ શૂન્ય હતું. કોમ્યુનિકેશન તો ઠીક, બાપાના ઓફિસ જવાના સમયે કે બાપાના ઘરે આવવાના સમયે સંતાનો તેમની આસપાસ ફરકતા સુધ્ધાં નહીં. રખેને ક્યાંક અડફટે ચઢી ગયા તો બાપા ધોઈ નાખશે! ભારતીય કુટુંબ વ્યવસ્થામાં પિતા અને સંતાનો વચ્ચેના આ સંબંધમાં ભયની સાથે આદર પણ આવી જતો અને પિતા પ્રત્યેનો એ આદર અને ભય જીવનપર્યંત જળવાઈ રહેતા. એટલે ભાષાનું એ સંબંધમાં ઝાઝું મહત્ત્વ નહોતું.
પરંતુ હવે કુટુંબ પ્રણાલીમાં ફેરફાર આવ્યો છે. હવે પિતાઓ ઘણા ફ્રેન્ડલી થયા છે, સામે પક્ષે સંતાનોનો ભય ઓછો થયો છે. આ કારણે એક સમયે પિતા અને સંતાનો વચ્ચે જે દૂરી હતી એ દૂરી ઘણે અંશે દૂર થઈ છે. એમાંય ઝેનઝેડનાં સંતાનો તો હવે બાપના માથે નાચી શકે એવા ખેપાની થયાં છે, પરંતુ આ બધાને લીધે હવે પિતા સાથે સંતાનોનું કોમ્યુનિકેશન અત્યંત વધી ગયું છે. ગુજરાતમાં તો હજુ પપ્પા, બાપુ કે ડેડી સાથે થોડું અંતર રાખવામાં આવે છે, પરંતુ મુંબઈમાં પપ્પા, બાપુ કે ડેડીની સાથે ડુડ અને બ્રો કહીને પણ વાત થાય છે.
અલબત્ત એમાં કંઈ ખોટું નથી. પિતા સાથે નજદીકી હોય તો એમની સાથે અનેક એડવેન્ચર કરી શકાય અને અનેક સ્મરણો બનાવી શકાય, પરંતુ નવા સમયના આ નવા સમીકરણમાં સંતાનો પિતાને પણ માતાની જેમ જ તુંકારે બોલાવતા થયાં છે. હા, એ રેશિયો કદાચ આજે ઓછો છે, પરંતુ અર્બન ગુજરાતી પરિવારોમાં હવે એ બાબત સામાન્ય બની છે. આ કારણે જે પરિવારોમાં પિતા સાથે કોમ્યુનિકેશન ઓછું છે એ પરિવારના સભ્યોને કોમ્યુનિકેશન વધુ હોય એવા પરિવારો સામે એક વાંધો છે. અને વાંધો શું છે? તો કે ‘તમારાં સંતાનોને કંઈક સંસ્કાર શીખવો, સંસ્કાર તેઓ તો તેમના પિતાને પણ તું કહીને બોલાવે છે!’
બીજી તરફ જે પરિવારોમાં સંતાનો પિતાથી નજીક છે કે જેઓ પિતા સાથે બધું જ શેર કરી શકે છે કે પિતાની સાથે ખૂબ ધમાલ કરતા હોય એ સંતાનોને કે ઈવન માતાપિતાઓને આ બાબતે ક્યારેય વિચારવાની પણ તક નથી મળી હોતી કે તેમનું સંતાન પિતાને તમે કહીને નહીં, પરંતુ તું કહીને બોલાવે છે? આખરે તેઓ કહેવાતા સંસ્કારની પોકળ વાતોમાં નહીં, પરંતુ પરિવાર તરીકે જીવવામાં વ્યસ્ત હતા!
આવો જ એક કિસ્સો અમારા ધ્યાને આવ્યો જ્યારે એક અમારા એક પાડોશીએ બીજા પાડોશીને આ સંદર્ભનું કંઈક કહ્યું કે તમારા સંતાનને જરા રિસ્પેક્ટ શીખવો. એ પિતાને તું કહીને બોલાવે છે એ કેમ ચાલે? જોકે સામેના પિતાએ બહુ સુંદર જવાબ આપ્યો.
તેમણે કહ્યું કે મારું સંતાન જો તેની માતાને તુંકારે બોલાવે ત્યારે જો રિસ્પેક્ટનો પ્રશ્ર્ન ન આવતો હોય તો જો મારું સંતાન મને તું કહે એમાં પણ એવો કોઈ પ્રશ્ર્ન નથી નડતો! બલ્કે જો આપણે સંતાન પાસે એવી અપેક્ષા રાખીએ કે
તેણે માતાને તું કહેવી અને પિતાને તમે કહેવા તો એ આપણી પિતૃસત્તાક માનસિકતા છે! એટલે મારે તો સમાનતાના ન્યાયે પણ મારાં સંતાનો પાસે મને તું કહેડાવવો છે!
કેવી મજાની વાત છે. સંતાનોએ પિતાને તું કહેવા કે તમે કહેવા એ બીજી ચર્ચાનો વિષય છે. વળી, એ દરેક પરિવારનો અંગત નિર્ણય છે, પરંતુ જો સંતાનો કે સ્ત્રીઓ પુરુષને તુંકારે બોલાવે છે તો એમાં કંઈ તેનું પુરુષત્વ ઝંખવાઈ નથી જતું. આદર તો બહુ જુદી બાબત છે. અને જ્યાં પ્રેમ હોય કે સ્પેશ હોય ત્યાં વળી આદરને ભાષાની શું જરૂર? પરંતુ મોટાભાગના પુરુષોના મનમાં ઊંડેઊંંડે પણ પુરુષસત્તાક માનસિકતા જીવતી રહેતી હોય છે. આ કારણે જ તેઓ દેખીતી કે છૂપી રીતે એવું ઈચ્છતા હોય છે કે સામેનો માણસ અથવા તેમનાં સંતાનો તેમને ‘તમે’ કહીને માનવાચક સંબોધન કરે. પછી ભલેને પોતે
આખી જિંદગીમાં એક ટકાનો ય આદર કમાઈ ન શક્યા હોય!