પુરુષ

લાઈ ડિટેક્ટરનાં સચ્ચાં – જૂઠ્ઠાં

ચકચાર જગાડતી કોઈની હત્યા જેવા અપરાધ વખતે આરોપી નક્કર પુરાવાના અભાવે છટકી શકે એવા સંજોગોમાં બહુચર્ચિત લાઈ ડિટેકટર -પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ જેવાં પરીક્ષણનો આધાર લેવો પડે છે,પણ આવાં ટેસ્ટનાં પરિણામ અદાલત મંજૂર રાખે છે ખરાં ?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

કોઈ પાસેથી સત્ય કે ખરી વાત જાણવી હોય તો ‘સામ-દામ-દંડ-ભેદ’ અપનાવવા પડે. સૈકાઓ જૂની આ નીતિ-રીતિ મોટાભાગે અકસીર પુરવાર થઈ છે.

આજે કોઈ આરોપી પાસેથી સત્ય ઓકાવવું હોય તો કાનૂનના રક્ષક ૧૪મું રતન એટલે કે મારઝૂડથી શરૂ કરીને ‘લાઈ ડિટેક્ટર ટેસ્ટ’ સુધીના ઉપાય અજમાવે છે.

આ ‘લાઈ ડિટેક્ટર’ કે પછી ‘પોલિગ્રાફ ટેસ્ટ’ જેવા શબ્દ આજે અવારનવાર દૈનિકો-ટીવી ચેનલોથી લઈને સોશિયલ મીડિયામાં વધુ ગાજતા રહે છે…
બે વર્ષ પહેલાં મુંબઈના આફતાબ પૂનાવાલા નામના યુવાને એની ‘ લિવ ઈન પાર્ટનાર ’ શ્રદ્ધા વાલકરની દિલ્હીમાં નિર્મમ હત્યા પછી એના મૃતદેહના ૩૫ ટુકડા કરીને દૂર દૂરના વન્ય વિસ્તારમાં ફગાવી દીધા. હત્યાની શંકા પરથી પોલીસે એને પકડ્યો પછી આફતાબે હત્યાનો ગુનો કબૂલી તો લીધો,પણ એક રીઢા ગુનેગારની જેમ એ ઊલટતપાસમાં પોતાના બયાન સતત બદલતો રહ્યો બીજી તરફ, મળેલાં પુરાવા નક્કર કરતાં સાંયોગિક વધુ છે એટલે આફતાબને હત્યારા તરીકે પુરવાર કરવો પોલીસ માટે મુશ્કેલ હોવાથી પોલીસે કોર્ટ પાસેથી એની ‘લાઈ ડિટેક્ટર ટેસ્ટ’ માટે પરવાનગી મેળવી લીધી. આ ટેસ્ટ એક વાર મુલ્તવી રહી, પણ પછી આરોપી આફતાબે આ લાઈ ડિટેક્ટર-સત્ય શોધક ટેસ્ટમાંથી પસાર થવું પડ્યુ હતું. એનો નાર્કો ટેસ્ટ સફળતાપૂર્વક થયો છે એવું આ ટેસ્ટ કરનારી તબીબોની ટીમ જાહેર કર્યું છે. જો કે એનાં ચોકક્સ પરિણામ પોલીસે આજ સુધી જાહેર નથી કર્યા.

આજ રીતે બીજા એક અપરાધ-કાંડમાં લાઈ ડિટેક્ટરની વાત ફરી ગાજી હતી. ગયા જુલાઈ મહિનામાં રેલવે પોલીસ દળાના એક કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીએ જયપુર જતી ચાલુ ટ્રેનમાં આડેધડ ગોળીબાર કરીને પોતાના ઉપરી સહિત ચાર વ્યક્તિને વીંધી નાખી પછી એ પોલીસ તપાસમાં સહકાર નહોતો આપતો ત્યારે પોલીસે એના નાર્કો ટેસ્ટ માટે કોર્ટની પરવાનગી માગી હતી, પણ આરોપી આવી ટેસ્ટ માટે સહમત ન થતાં કોર્ટે એની નાર્કો ટેસ્ટ માટે પરવાનગી ન આપી. ખેર, પોલીસ-કાયદો એનું કામ કરશે, પણ સાચી વાત ‘ઓકાવવા’ માટે વપરાતી આ પદ્ધતિ શું છે-કેવી છે અને કેવીક અસરકારક છે એ જાણવા જેવું ખરું.

હકીકતમાં આ ‘લાઈ ડિટેક્ટર’ ટેકનિક છેક ૧૯૨૧માં અમેરિકાના જહોન અગસ્તસ લાર્સન દ્વારા વિકસાવવામાં આવી હતી. એ પછી શંકાસ્પદ વ્યક્તિઓની માનસિક અવસ્થાનો તાગ મેળવવા માટે વિદેશોમાં એનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો હતો. એ વર્ષોમાં ‘લાઈ ડિટેક્ટર’ મશીન અને એની ટેક્નિકની એવી ધાક બેસી ગઈ હતી કે એ ટેસ્ટમાં આરોપી-અપરાધી અચૂક સાચું બોલી જવાય છે એવા ભયથી આરોપી કે અપરાધી પોલીસ તપાસમાં ગેંગેંફેફે થઈને સામેથી ગુનો કબૂલી લેતા..!

ખેર, શરૂઆતથી આવી ધાક જમાવનાર આ સત્યશોધક ટેસ્ટ હકીકતમાં શું છે એ જાણી લઈએ..
જે શંકાસ્પદ વ્યક્તિ કે આરોપી પર આ પરીક્ષણ કરવાનું હોય છે એના શરીર સાથે અમુક પ્રકારના ઈલેકટ્રોડ્સ જોડવામાં આવે છે,જેના દ્વારા શરીરમાં થતાં સૂક્ષ્મ કંપન કે અન્ય પ્રતિક્રિયા ,જેમેકે છાતીના ધબકારા-નાડીની ગતિ- લોહીના દબાણ-બ્લડ પ્રેશરમાં થતી વધ-ઘટ મશીનના મોનિટર પર ગ્રાફ રૂપે નોંધાઈ જાય છે. આવા ટેસ્ટની શરૂઆત સામાન્ય રીતે જેનું પરીક્ષણ થઈ રહ્યું હોય એ વ્યક્તિના નામ – સરનામા કે પરિવારમાં કોણ કોણ છે એવાં ચીલાચાલુ પ્રશ્ર્નોથી થાય પછી જે અપરાધની તપાસ ચાલી રહી હોય એના વિશે સવાલ શરૂ થઈ જાય..

ધીરે ધીરે એવા પ્રશ્ર્નોની તીવ્રતા વધે- આડકતરા આક્ષેપ પણ થાય એવા વખતે એની ચકળવકળ થતી આંખ – કપાળ -હથેળીમાં થતો પરસેવો અને જવાબ આપતી વખતે લથડતી-થોથવાતી જીભ-જબાન ઈત્યાદિ જેવાં બદલાતાં શારીરિક લક્ષણોની ખાસ નોંધ લેવાય છે આવાં બધાં લક્ષણ પરથી અનુમાન કરવામાં આવે છે કે આ ટેસ્ટ દરમિયાન સામેવાળો શખસ કેટલું ખરું કે ખોટું બોલી રહ્યો છે. ..અલબત્ત, આવાં લક્ષણોને કોર્ટ સજ્જડ પુરાવા તરીકે સ્વીકારતી નથી હા,એને માત્ર અપરાધ તરફ દિશા સૂચવતા માર્ગદર્શક તરીકે ધ્યાનમાં લે છે..

આવી ‘લાઈ ડિટેક્ટર’ કે ‘પોલિગ્રાફ’ ટેસ્ટ ઉપરાંત ગુનાશોધકો ‘નાર્કો’ ટેસ્ટ માટે પણ ખાસ આગ્રહ રાખે છે. આ પરીક્ષણ વખતે પ્રશ્ર્નાર્થ વ્યક્તિને અમુક પ્રકારના દ્રવ્ય, જેમકે ‘સોડિયમ એમઈટલ’ કે પછી સોડિયમ ‘પેન્ટાથોલ’ આપીને અર્ધ-બેહોશ કરવામાં આવે છે. ‘ટ્રુથ સિરમ’ તરીખે ઓળખાતા આ રસાયણથી આરોપી પૂર્ણ બેહોશ નથી થતો. એને માત્ર અર્ધ-ચેતન અવસ્થામાં ધકેલવામાં આવે છે. આવી તંદ્રાવસ્થામાં વિવિધ પશ્ર્નોના જવાબ આપતી વખતે એ વધુ બેદરકાર બને છે અને ‘લાઈ ડિટેક્ટર’ ટેસ્ટ વખતે જવાબ આપતી વખતે એણે જે સભાનતા રાખી હોય છે તે આવા નાર્કો ટેસ્ટ વખતે સચવાતી નથી અને ન આપવાની કે છુપાવી રાખવાની વાત-વિગતો પેલો શંકાસ્પદ આસામી અનાયાશ બોલી ઊઠે એવી શકયતા વધી જાય છે.

જો કે આવા ટેસ્ટ-પરીક્ષણ વખતે કોઈ અપરાધી પોતાનો ગુનો કબૂલી લે તો એના આધારે પોલીસ કોર્ટ-કાર્યવાહી કરી શકે? આવા ટેસ્ટનાં પરિણામને આપણી કોર્ટ કેટલા અંશે માન્યતા આપે છે-સ્વીકારે છે?’

આવા પ્રશ્ર્નો કે આરોપીની અવઢવવાળા ઉત્તર વિશે અમદાવાદના એક સુપ્રસિદ્ધ માનસચિકિત્સક શબ્દો ચોર્યા વગર આ રીતે સ્પષ્ટતા કરતાં કહે છે કે કોર્ટ આવા ટેસ્ટને મહત્ત્વ જરૂર આપે છે, પરંતુ એને સાંયોગિક પુરાવા તરીકે લે છે. એને ચોક્ક્સ પુરાવા તરીકે સ્વીકારતી નથી અન્ય પ્રૂફ-પુરાવા સાથે એનો મેળ બેસતો હોય તો આવાં પરીક્ષણનાં પરિણામનું મહત્ત્વ વધી જાય છે હા, આવા ટેસ્ટ દરમિયાન આરોપી ખુદ પોતાનો અપરાધ કબૂલી લે અને અન્ય પુરાવા પણ એની વિરુદ્ધ હોય તો એના પર ચોક્ક્સ કામ ચલાવી શકાય..જો કે, આગળ જતાં એ ખુદ પોલીસની કાર્યવાહીને પડકારી પણ શકે !’
જો કે, આવાં સત્યશોધક પરીક્ષણ ‘સો ટચના સોના’ જેવાં તો નથી જ તેમ છતાં એને આપણાં ન્યાયાલય અને કાનૂનના રક્ષકોએ સાવ નકાર્યા પણ નથી. શરૂઆતમાં આવાં પરીક્ષણોની જે અવગણના થતી તે હવે સમય જતાં નથી થતી એ આવકારદાયક બદલાવ છે.

દેશભરમાં ચક્ચાર જગાડનારા કેટલાક કેસ, જેમકે દિલ્હીની યુવા આરુષી તલવાર અને એના નોકરની હત્યા-મુંબઈ બોમ્બ બ્લાસ્ટ-નોઈડાનો નિઠારી કાંડ,જેમાં કુલ ૧૩-૧૪ બાળા-સ્ત્રી પર બળાત્કાર સાથે અમુક પુરુષોની હત્યાઓની ઘટનાઓ પછી ‘લાઈ ડિટેક્ટર’ કે ‘પોલિગ્રાફ’ અને ‘નાર્કો’ ટેસ્ટ ઈત્યાદિનો બહોળો ઉપયોગ કરવા માટે ખુદ કર્ણાટકની વડી અદાલતે પણ કાયદાપાલકોને પ્રોત્સાહન આપવા માંડ્યું છે. આવી અદાલતોનું માનવું છે કે આરોપીને થર્ડ ડિગ્રી – શારીરિક ત્રાસ આપીને ગુનો કબૂલાવવાને બદલે આવી ‘નાર્કોઍનાલિસિસ’ વધુ આવકારદાયક છે. આખરે તો આવાં સત્યશોધક ટેસ્ટ દ્વારા પોલીસ અને આરોપી વચ્ચે રમત-શૂન્ય-ચોકડી જેવી મનોવિજ્ઞાની ગેમ ચાલતી રહે છે. એક સર્વે અનુસાર આમ તો આવાં પરીક્ષણ ૭૦-૮૦ % સચોટ હોય છે તેમ છતાં રીઢો અપરાધી આવા ટેસ્ટને બહુ ચાલાકીપૂર્વક ગેરમાર્ગે દોરી શકે.

એને ખબર હોય છે કે આવી ટેસ્ટ વખતે શારીરિક -માનસિક ફેરફાર થતા હોય છે એટલે એ પોતાની લાગણી પર આગોતરો કાબૂ રાખીને એને વ્યક્ત થવા દેતો નથી ને પરીક્ષણને ઊંધે રવાડે ચઢાવી છટકી જાય છે બીજી તરફ, આ ‘રમત’ના આટાપાટા ન જાણતો કોઈ નિર્દોષ વ્યક્તિ નાહકનો ગુનેગાર તરીકે પણ ચીતરાઈ જાય છે..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…