કઈ સ્લીવ સ્ટાઇલ પહેરવી છે ?

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
કોઈ પણ ડ્રેસમાં સ્લીવ્સનું મહત્ત્વ હોય છે. સ્લીવ્સ તમારા ડ્રેસને એક આગવો લુક આપે છે. મોટા ભાગની મહિલા ડ્રેસમાં પહેલાં સ્લીવ્સની પેટર્ન જોશે . સ્લીવ્સની પેટર્નની ફેશન ઘણી બદલાતી રહે છે. મોટા ભાગની સ્ત્રી પોતાના આઉટલુકને લઈને ખૂબ જ સતેજ હોય છે.રોન્ગ સિલેક્શન ઓફ સ્લીવ-ખોટી પસંદગી તમારા સમસ્ત આઉટલુકને બગાડી શકે છે.આમ તો સ્લીવ્સના ઘણા પ્રકાર છે,પરંતુ અહીં આપણે જે બેઝિક સ્લીવ છે અને જે સ્લીવ ટ્રેન્ડમાં છે તેની ચર્ચા કરીએ…
સ્લીવ્સ એ તમારા ગાર્મેન્ટનો એક મહત્ત્વનો ભાગ છે, જે ઘણી વખત એક જ ફેબ્રિકમાંથી બનાવવામાં આવે અથવા અલગ લુક આપવા માટે કોન્ટ્રાસ્ટ કલરના ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે. સ્લીવનું સિલેક્શન તમારી ફેશન સેન્સ પર અને જે ટ્રેન્ડમાં હોય તેના પર આધારિત હોય છે.તમારા બોડી ટાઈપ પ્રમાણે સ્લીવ્સનું સિલ્કશન કરવું જોઈએ, જેમકે, તમારા હાથ ખૂબ ભરેલા હોય તો તમારે સ્લીવલેસ ડ્રેસ ના પહેરવા. એની બદલે તમે એલ્બો સ્લીવ્સ પહેરી શકો કે જે પ્રોપર ફિટિંગમાં હોય. બ્લાઉઝની- ઈન્ડિયન ડ્રેસની અને વેસ્ટર્ન ડ્રેસની સ્લીવ્સની પેટર્ન અને
સિલેક્શનમાં ઘણો ફરક હોય છે.
સૌપ્રથમ આપણે રેગ્યુલર સ્લીવ્સની વાત કરીએ કે જેની લેન્થ આપણી જરૂરિયાત પ્રમાણે હોય છે.રેગ્યુલર સ્લીવ્સ બ્લાઉઝમાં- ઇન્ડિયન ડ્રેસમાં વધારે જોવામાં આવે છે. જેમાં કોઈ પેટર્ન નથી હોતી એવાં રેગ્યુલર સ્લીવ્સમાં અલગ અલગ લેસની પેટર્ન કરી તેને ફેન્સી લુક આપી શકાય.તમારા બોડી ટાઈપ પ્રમાણે સ્લીવની લેન્થની પસંદગી કરી શકો.
કેપ સ્લીવ્સ :
કેપ સ્લીવ્સ એટલે જે સ્લીવ શોર્ટ હોય ને ખાસ કરીને શોલ્ડરને કવર કરે. કેપ સ્લીવ્સ મોટે ભાગે વેસ્ટર્ન ટોપ્સ અને વન પીસ ડ્રેસમાં હોય છે .ઇન્ડિયન ડ્રેસમાં પણ તમે કેપ સ્લીવ્સ કરાવી શકો. જો તમારું શરીર સુડોળ હોય તો કેપ સ્લીવસ ખૂબ જ સુંદર લાગશે. કેપ સ્લીવ પહેરતી વખતે ખાસ ધ્યાન એ રાખવું કે તમારા હાથ સુડોળ અને ચોખ્ખા હોય.કેપ સ્લીવ સાથે કલોઝ નેક, બ્રોડ નેક લાઈન, જેમકે એ સ્કેવર, સ્વીટ હાર્ટ કે પછી લોન્ગ વી નેક લાઈન સ્ટીચ કરાવી શકાય. જો તમારું શરીર ભરેલું હોય તો તમે એક્સટેન્ડેડ કેપ સ્લીવસ પહેરી શકો.એક્સટેન્ડેડ એટલે કે વધારાની એટલે કે આ સ્લીવ પણ નાની જ હોય છે, પરંતુ શોલ્ડર પાસેથી થોડી ૨ કે ૩ ઇંચ સ્લીવને વધારવામાં આવે છે. આનો આધાર તમને કઈ રીતે સ્ટાઇલિંગ કરવું છે એના પર છે.
સ્લીવ્સના ઘણા પ્રકાર છે. કોઈનું જોઈને આંધળું અનુકરણ કરવું નહીં. ફેન્સી સ્લીવ્સનું સિલ્કશન તમારા ડ્રેસની પેટર્ન અને ફેબ્રિક મુજબ કરવાનું હોય છે.
બેલ સ્લીવ્સ :
બેલ સ્લીવ્સ એટલે જે સ્લીવ્સની હેમ લાઈન ફ્લેરવાળી હોય અને બેલ શેપની એટલે કે રાઉન્ડ શેપની હોય છે.બેલ સ્લીવ્સમાં પણ ઘણી વેરાઈટી આવે છે. લેન્થ વાઇસ તો ખરી જ, પરંતુ બેલ સ્લીવ્સમાં નાના નાના ઘણા વેરિએશન આવે છે, જેના લીધે બેલ સ્લીવ્સ થોડી વધારે ફેન્સી લાગે છે.બેલ સ્લીવ્સ લાંબી પાતળી યુવતીઓ પર સારી લાગે છે, કારણકે એમના હાથ લાંબા હોવાથી બેલ સ્લીવ્સની પેટર્ન વધારે દેખાય છે ,જે સારી પણ લાગે છે.ઘણી બેલ સ્લીવ્સ એક જ ફેબ્રિકના પીસમાંથી કટ કરીને બનાવવામાં આવે અથવા બે ભાગમાં કટ કરીને બનાવવામાં આવે,જેમકે ઘણી બેલ સ્લીવ્સ એલબો સુધી ફિટિંગમાં હોય છે અને પછી ૪ કે ૫ ઇંચની લંબાઈ રાખી સ્લીવ્સને બેલ શેપ આપવામાં આવે છે. બેલ સ્લીવ્સ વેસ્ટર્ન ડ્રેસમાં કે ટોપમાં ખૂબ સુંદર અને ડ્રેસી લાગે છે. બેલ સ્લીવ્સમાં ફ્રીલ પણ નાખવામાં આવે છે. ડેનિમ સાથે બેલ સ્લીવ્સવાળું ટોપ સ્માર્ટ લુક આપશે.
પેટલ સ્લીવ પેટલ સ્લીવ એટલે જેનો શેપ પેટલ જેવો લાગે છે પેટલ સ્લીવ્સને ટ્યૂલિપ સ્લીવ્સ પણ કહેવાય.પેટલ સ્લીવ્સનું કટિંગ એક કળા માગે છે.એમાં સ્લીવ્સના છેડાને ઉપરથી ઓવરલેપ કરી જોઈન્ટ કરવામાં આવે છે. જોઈન્ટ કર્યા પછી સ્લીવ્સનો શેપ પાંદડી જેવો એટલે કે પેટલ જેવો લાગે છે. આ સ્લીવ ખાસ કરીને વેસ્ટર્ન ટોપમાં કે ફોર્મલ શર્ટમાં જોવા મળે છે.પેટલ સ્લીવ સિમ્પલ હોવા છતાં અલગ અને સ્ટાઈલિશ લુક આપે છે.ઘણી મહિલાઓ પેટલ સ્લીવ્સ બ્લાઉઝમાં પણ કરાવે છે. આ સ્લીવમાં વેરિએશન આપવા માટે જ્યાં સ્લીવ એક બીજાને ઓવરલેપ થાય છે ત્યાં તમે લેસ અથવા બટન મુકાવી શકો. તમારા બોડીને હિસાબે તમને જે સ્લીવ લેન્થ સૂટ થતી હોય તે કરાવી શકાય.
રેંગલન સ્લીવ્સ :
રેંગલન સ્લીવ એટલે જેમાં આર્મ હોલથી નેક લાઈન સુધી ક્રોસમાં સિલાઇ આવે છે. રેંગલન સ્લીવ મોટા ભાગે વેસ્ટર્ન આઉટફિટમાં વધારે જોવા મળે છે, જેમ કે વેસ્ટર્ન ટોપ- પોલોનેક ટી-શર્ટ કે પછી પુલ ઓવર હુંડી. જેમના શોલ્ડર હેવી હોય એમણે રેંગલન સ્લીવ પહેરવી.આર્મ હોલથી લઈને નેક લાઈન સુધી ક્રોસમાં જે સિલાઈ આવે છે એને લીધે શોલ્ડરને એક કટ મળે છે અને વધારે બ્રોડ નથી લાગતું. વેસ્ટર્ન ટોપમાં તો રેંગલન સ્લીવ બરાબર બોડી પર બેસે છે, પરંતુ જો તમે ઇન્ડિયન ડ્રેસ કે ટોપમાં રેંગલન સ્લીવ સ્ટીચ કરવાના હો તો ખાસ ધ્યાન રાખવું. જો બરાબર સિલાઈ નહિ કરી હોય તો રેંગલન સ્લીવ બોડી પર બેસતી નથી. રેંગલન સ્લીવ શોલ્ડરથી ૪ ઇંચ કે ૫ ઇંચ જ લાંબી હોય છે. રેંગલન સ્લીવ પહેરવામાં ખુબ જ સ્માર્ટ લુક આપે છે. યન્ગ ગર્લ્સ વધારે પ્રિફર કરે છે.