રૂપિયો મજબૂત થતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૬૭નો અને ચાંદીમાં ₹ ૩૯૩નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલેે અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાફહક અહેવાલ છતાં સ્થાનિક સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્ર્વ બજારથી વિપરીત ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૭નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૯૩ નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૯૩ના ઘટાડા સાથે રૂ. ૭૧,૪૪૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયામાં સુધારો તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૭ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૦૯૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૩૪૮ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૩૦-૩૧ જાન્યુઆરીની નીતિવિષયક બેઠકના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગત ડિસેમ્બર મહિનાના ફુગાવાના ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૫.૨૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૨૦૪૧.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૦૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલમાં બજાર વર્તુળો ડિસેમ્બર મહિનાના ફુગાવામાં ૦.૨ ટકાની વર્ષાનુવર્ષ ધોરણે ૩.૨ ટકાની વૃદ્ધિ થવાની ધારણા મૂકી રહ્યા છે. જો ફુગાવાનો દર અપેક્ષા કરતાં નીચો આવશે તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શક્યતા વધુ પ્રબળ થતાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી શકે એવું વિશ્ર્લેષકોનું મંતવ્ય છે. જોકે, રૉઈટર્સનાં ટૅક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઓનાં મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૦૧૬ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પૂરવાર થશે અને આ સપાટી તૂટતા ભાવ ઘટીને ૨૦૦૬ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.