કોરોનાથી રાજ્યમાં બુધવારે બેનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં બુધવારે કોરોનાથી બે દર્દીના મૃત્યુ થયા હતા. તો દિવસ દરમિયાન કોરોનાના નવા ૯૮ દર્દી નોંધાયા હતા. તો અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના ૨૫૦ દર્દી થઈ ગયા છે, જેમાં મુંબઈમાં જ ૨૨ દર્દીનો સમાવેશ થાય છે.
રાજ્યમાં બુધવારે કોરોનાના ૯૮ નવા દર્દી નોંધાયા હતા. તો ૧૩૮ દર્દી કોરોનાથી સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૭ ટકા છે. દિવસ દરમિયાન રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મૃત્યુ થયા હતા. રાજ્યનો મૃત્યુદર ૧.૮૧ ટકા છે. બુધવારે રાજ્યમાં કોરોનાના કુલ ૧૩,૬૪૪ ટેસ્ટ થયા હતા. હાલ રાજ્યમાં ૮૯૧ સક્રિય દર્દી છે.
મુંબઈમાં દિવસ દરમિયાન કોરોનાના ૨૧ નવા દર્દી નોંધાયા હતા. ત્રણ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન મુંબઈમાં ૭૩૧ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
હાલ રાજ્યમાં જેએન.એકના ૨૫૦ દર્દી થઈ ગયા છે, જેમાં સૌથી વધુ દર્દી પુણેમાં ૧૫૦ છે. તો બીજા નંબરે ૩૦ દર્દી સાથે નાગપૂર છે. મુંબઈમાં અત્યાર સુધી નવા વેરિયન્ટના ૨૨ દર્દી થઈ છે.
સોલાપૂરમાં નવ, સાંગલીમાં સાત, થાણેમાં સાત, જળગાંવમાં ચાર, અહમદનગરમાં ત્રણ, બીડ ત્રણ, ઔરંગબાદમાં બે, કોલ્હાપૂરમાં બે, નાંદેડ, નાશિક, ધારાશીવમાં બે-બે, અકોલા, રત્નાગિરી, સતારા, સિંધુદુર્ગ અને યવતમાળમાં પણ એક-એક દર્દી નોંધાયા છે.પહેલી જાન્યુઆરી ૨૦૨૩થી અત્યાર સુધી ૧૪૩ કોરોનાના દર્દીના મૃત્યુ થયા છે, તેમાંથી ૭૧.૩૩ ટકા સાઠ વર્ષની ઉપરના દર્દી છે.