કૉંગ્રેસના નેતા અયોધ્યા ના જાય તેમાં નુકસાન કોને?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લાંબા મનોમંથન પછી અંતે કાઁગ્રેસે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી નાખી. આ કાર્યક્રમના આયોજક શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે કાઁગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કાઁગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધીને નિમંત્રણ આપેલું.
વિશ્ર્વ હિન્દુ પરિષદ વતી તેમના ટોચના નેતાઓએ તમામ રાજકીય પક્ષના પ્રમુખો તથા અન્ય ટોચના નેતાઓને રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું તેના ભાગરૂપે કાઁગ્રેસને પણ નિમંત્રણ આપ્યું હતું પણ કાઁગ્રેસે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો કાર્યક્રમ હોવાનું કહીને તેમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.
કાઁગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે એલાન કર્યું છે કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભાજપ અને તેના પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો રાજકીય પ્રોજેક્ટ હોવાથી મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજર નહીં રહે. જયરામ રમેશે ડહાપણ ડહોળ્યું છે કે, ધર્મ એ અંગત બાબત છે પણ લાંબા સમયથી ભાજપ અને સંઘ અયોધ્યાના રામમંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવીને બેસી ગયાં છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું કામ પૂરું થયું નથી પણ રાજકીય ફાયદા ખાતર ભાજપ અને સંઘ અધૂરા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ફાયદા માટે ભાજપ અને સંઘ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરી રહ્યાં છે.
કાઁગ્રેસ એ પણ સ્પષ્ટતા કરી છે કે, ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું કાઁગ્રેસ સન્માન કરે છે. ભગવાન રામને આદર્શ માનનારા કરોડો હિંદુઓની શ્રદ્ધાનું પણ કાઁગ્રેસ સન્માન કરે છે અને આ સન્માનને ધ્યાનમાં રાખીને જ મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધીએ આ કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધો છે. જયરામ રમેશે સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે તેથી કાઁગ્રેસ રામમંદિરના કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં રહે એ અંગેની અટકળો પર આ સાથે જ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
કાઁગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધીનો અયોધ્યાના કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય આશ્ર્ચર્યજનક છે પણ સાવ અનપેક્ષિત નથી. વાસ્તવમાં ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયાના મોટા ભાગના સાથી પક્ષો કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય જાહેર કરી ચૂક્યા . સીપીએમ સહિતના ડાબેરી પક્ષોએ સૌથી પહેલાં તેની શરૂઆત કરેલી ને પછી મમતા બેનરજીએ પણ કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનું એલાન કરેલું. બિહારમાં સત્તાધારી જેડીયુ અને આરજેડી પણ આ કાર્યક્રમમાં હાજર નથી રહેવાનાં.
મંગળવારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ભગવાન શ્રી રામના જન્મસ્થળના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને નકારી કાઢતા કહ્યું હતું કે, કોઈ પરિચિત વ્યક્તિ તેમને આમંત્રણ આપવા આવશે તો જ તેઓ આ કાર્યક્રમનો ભાગ બનશે. હું આમંત્રિતોને ઓળખતો નથી તેથી જવાનો નથી. અખિલેશે પહેલાં કહ્યું હતું કે, તેમને આમંત્રણ મળશે તો તેઓ ચોક્કસપણે અયોધ્યા જશે પણ પછી તેમણે પણ ગુલાંટ લગાવી દીધી.
ટૂંકમાં ઈન્ડિયા મોરચાના મોટા ભાગના પક્ષો ઈન્કાર કરી ચૂક્યા છે તેથી કાઁગ્રેસ પણ એ જ રસ્તો અપનાવે તેમાં આંચકાજનક કશું નથી. કાઁગ્રેસે પહેલાં મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજર રહેશે એવો સંકેત આપેલો એ જોતાં અચાનક હાજર નહીં રહેવાના નિર્ણયથી આશ્ર્ચર્ય સર્જાયું પણ આંચકો નથી લાગ્યો.
એક રાજકીય પક્ષ તરીકે કાઁગ્રેસને પોતાને યોગ્ય લાગે એ નિર્ણય લેવાનો અધિકાર છે. મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધી અયોધ્યા ના જાય એવો નિર્ણય પણ કાઁગ્રેસે બધી ગણતરીઓ કરીને લીધો હશે. કાઁગ્રેસના નેતાઓને તેના કારણે રાજકીય રીતે શું અસરો પડશે તેનો પણ અંદાજ હશે જ તેથી તેના વિશે બહુ વાત કરવાનો મતલબ નથી પણ કાઁગ્રેસના નિર્ણયે એક વાત ચોક્કસ સાબિત કરી છે કે, કાઁગ્રેસ એક દાયરામાંથી બહાર નીકળી શકે તેમ નથી અથવા નીકળવા માટે તૈયાર નથી. કાઁગ્રેસની પિન ભાજપ અને સંઘના વિરોધ પર ચોંટેલી છે ને છૂટવાની જ નથી તેનું આ વધુ એક ઉદાહરણ છે. આ વિરોધનું કારણ મુસ્લિમ મતબૅંકનું રાજકારણ છે.
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ ભાજપના રાજકીય એજન્ડાના ભાગ છે તેમાં બેમત નથી. બલ્કે ભાજપે એ વાત કદી છુપાવી પણ નથી. રામમંદિર માટે ભાજપ લડ્યો, ભાજપના નેતાઓ જેલમાં ગયા, ભાજપના નેતાઓએ માર પણ ખાધો ને બીજું પણ સહન કર્યું તેથી ભાજપ તો રામમંદિરના નિર્માણ સાથે સંકળાયેલી દરેક બાબતનો રાજકીય ફાયદો ઉઠાવે જ. એ તેનો અધિકાર જ છે તેમાં કોઈ શંકા નથી.
ભાજપે તો દરેક ચૂંટણીમાં પોતાના ઢંઢેરામાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું વચન આપેલું એ જોતાં રામમંદિર ભાજપનો રાજકીય પ્રોજેક્ટ છે જ તેમાં શંકા નથી પણ સવાલ આ પ્રોજેક્ટ રાજકીય છે કે નહીં તેનો નથી, આ પ્રોજેક્ટ કોની સાથે સંકળાયેલો છે તેનો છે, કાઁગ્રેસ એ લોકોની લાગણીને માન આપવું કે નહીં તેનો છે.
આ પ્રોજેક્ટ કરોડો હિંદુઓની લાગણી સાથે જોડાયેલો છે પણ કાઁગ્રેસને તેની પરવા નથી. તેનું કારણ એ કે, કોંગ્રેસને રાજકીય વિરોધ અને રાજકીય ફાયદા સિવાય બીજા કશામાં રસ નથી. કાઁગ્રેસના ત્રણ નેતા અયોધ્યા જઈને બે કલાક રોકાયા હોત તો દેખીતી રીતે તેમનું કશું લૂંટાઈ જવાનું નહોતું પણ તેના કારણે મુસ્લિમ મતદારો નારાજ થઈ જશે તેનો તેમને ડર છે તેથી તેમણે અયોધ્યા જવાનું ટાળ્યું છે. તેનાથી હિંદુઓને કંઈ નુકસાન નથી કે કોઈ ફરક પડવાનો નથી પણ કાઁગ્રેસને ચોક્કસ નુકસાન થઈ શકે.
કાઁગ્રેસની એ વાત સાચી છે કે, ધર્મ અંગત બાબત છે પણ સવાલ એ છે કે, કાઁગ્રેસે પોતે ધર્મને અંગત બાબત રહેવા દીધી છે ખરી ? કાઁગ્રેસે ધર્મના નામે તો કાયદા બનાવ્યા ને ધર્મના નામે વરસો લગી પંપાળવાનું ને થાબડવાનાં રાજકારણ રમ્યા. કાઁગ્રેસે પોતે પોતાના ફાયદા માટે ધર્મનો ઉપયોગ કર્યો ને હવે ભાજપ તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે ત્યારે આ બધી સૂફિયાણી વાતો યાદ કરે એ ના ચાલે.