‘અલીબાગ સે આયા ક્યા?’…અને ‘મૈં અલીબાગ સે નહીં આયા, સબ જાનતા હૂં’ એવા બે મુમ્બૈયા લૅન્ગવેજના કથનમાં અલીબાગ વિશે નેગેટિવ ટોન છે, પરંતુ હવે પછી મુંબઈ નજીક દરિયા કિનારા નજીકના આ સ્થળને પૉઝિટિવિટી મળશે તો નવાઈ નહીં લાગે, કારણકે એની સાથે વિરાટ કોહલીનું નામ જોડાઈ રહ્યું છે.
સેલિબ્રિટી-કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અલીબાગમાં આલિશાન હૉલિડે હોમ ખરીદ્યું છે. એકલતામાં પરિવાર સાથે તેમ જ ખુદની સાથે અમૂલ્ય સમય વીતાવી શકાય તેમ જ સાવ દુનિયાથી દૂર નહીં, પણ સમાજની વચ્ચે કહી શકાય એવા લક્ઝુરિયસ હોમની તલાશમાં કોહલી-અનુષ્કા હતાં અને ઘણી તપાસ કર્યા પછી આવાસ લિવિંગના ભવ્ય નિવાસસ્થાન પર તેમની નજર પડી અને એના પર તેમણે કળશ ઢોળ્યો હતો.
કોહલીને મુંબઈનું ખૂબ વળગણ છે એ તો આપણે જાણીએ જ છીએ. દોઢ વર્ષ પહેલાં તેણે જૂહુમાં લેજન્ડરી સિંગર કિશોર કુમારના ‘ગૌરી કુંજ’ નામના જૂના બંગલાનો એક હિસ્સો ખરીદીને એમાં ‘’ રેસ્ટોરાં બનાવડાવી હતી.
વિરુસ્કા તરીકે જાણીતા આ જગવિખ્યાત દંપતીનો અલીબાગનો બંગલો 10,000 સ્ક્વેર ફૂટ એરિયામાં બનેલો છે. સૅઓટા આર્કિટેક્ટ્સ દ્વારા કૅલિફોર્નિયન-કોંકણ સ્ટાઇલથી બનાવવામાં આવેલા ચાર બેડરૂમવાળા આ વિલામાં ઘણી વિશેષતાઓ છે. એની સિલિંગ ખૂબ ઊંચી છે, પ્રિસ્ટાઇન સ્ટોન્સ તેમ જ એક્ઝોટિક ઇટાલિયન માર્બલ, રૉ ટ્રાવરટાઇન્સ અને ટર્કિશ લાઇમસ્ટોન જેવા નૅચરલ મટિરિયલ્સનો એમાં ઉપયોગ કરાયો છે. વિલાની બારીના કાચ અને ગ્લાસ વૉલ એવા છે જેને કારણે ઘરમાં દિવસ દરમ્યાન ભરપૂર ઉજાસ રહે છે. ડબલ-હાઇટ કટ-આઉટ સીલિંગને લીધે ઘરમાં નૅચરલ લાઇટ સતત આવે છે જેને કારણે દરેક રૂમમાં હાજર રહેનારને પુષ્કળ ઊર્જા મળી રહે છે. બીજું, બાંધકામમાં બાલીનીઝ સુકાબુમી સ્ટોન વપરાયો હોવાથી ઘરમાં ઉષ્ણતામાનમાં પણ કંટ્રોલ રહે છે.
જર્મન બ્રૅન્ડ પૉગેનપૉલનું ફુલ્લી-કસ્ટમાઇઝ્ડ કિચન પણ કોહલી-અનુષ્કાના સપનાં સમા વિલાની મોટી વિશેષતા છે. એ ઉપરાંત, આ ફેમસ કપલે આવાસ ઍપની મદદથી સર્કેડિયન લાઇટિંગ, ગૅસ લીક ડીટેક્ટર્સ તેમ જ ઍડવાન્સ્ડ ઍર ઍન્ડ વૉટર ફિલ્ટ્રેશન જેવી ફૅસિલિટી પણ સ્થાપિત કરાવડાવી છે. કોહલીને તેના આ નવા બંગલાની બહારનો ભાગ (ગાર્ડન, સ્વિમિંગ પૂલ, વગેરે) વધુ પ્રિય છે. તેને નિતનવી વાનગીઓનો શોખ છે, પરંતુ હકીકત એ છે કે તે વેકેશન પર હોય તો પણ સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન ફૉલો કરતો હોય છે.
મૂળ દિલ્હીનો અને વિશ્વનો હાઇએસ્ટ-પેઇડ ક્રિકેટર કોહલી આ ડ્રીમ-હોમ ખરીદ્યા પછી કહે છે, ‘હૉલિડે હોમ હંમેશાં એવું હોવું જોઈએ કે જે તમને હોમ અવે ફ્રૉમ હોમનું ફીલિંગ આપી શકે. વર્ષ દરમ્યાન મોટા ભાગનો સમય ઘરથી અને ફૅમિલીથી દૂર હોઉં છું અને જીવનમાં એટલી બધી વ્યસ્તતા છે કે એમાંથી થોડો સમય બહાર આવીને સંપૂર્ણ સમય પરિવાર સાથે વીતાવવાની તીવ્ર ઇચ્છા હોય છે અને હૉલિડે હોમ બનાવવા માટે મને અલીબાગ બેસ્ટ પ્લેસ લાગ્યું. મારા માટે ફૅમિલી ટૉપ-પ્રાયોરિટી છે. વર્ક તો દરેકના જીવનનો હિસ્સો હોય છે અને મારા કિસ્સામાં પણ એવું જ છે, પરંતુ એ સ્થિતિમાં લાઇફને બૅલેન્સ કરવી ખૂબ જરૂરી બને છે. અલીબાગનું વિલા મારા માટે એવું છે જેમાં થોડો સમય પણ રહીને હું એવું મહેસૂસ કરી શકું છું કે વર્ક મારા જીવનનો બહુ નાનો ભાગ છે.’ કોહલી-અનુષ્કાએ 2017માં લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરી છે જેનું નામ વામિકા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને