નેશનલ

બેંગલુરુ સ્ટાર્ટઅપના સીઈઓએ પોલીસને જણાવ્યું કે મેં હત્યા નથી કરી, જ્યારે હું જાગી ત્યારે….

પણજી: બેંગલુરુમાં એક AI કંપનીના CEO સુચના સેઠ પર ઉત્તર ગોવાના એક એપાર્ટમેન્ટમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. ગોવા પોલીસને તે રૂમમાંથી બે ખાલી કફ સિરપની બોટલો મળી છે. દવાની બોટલો જોઈને લાગે છે કે આરોપીએ ગુનો કરતા પહેલા બાળકને દવાનો ભારે ડોઝ આપ્યો હોઈ શકે છે તેમજ આ હત્યા એકદમ સમજી વિચારીને કરવામાં આવી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યા પ્રમાણે બાળકનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. જો કે બાળકનું ગળું સીધું દબાવામાં નથી આવ્યું પરંતુ તેના મોંઢા પર ઓશીકું કે કોઈ જાડુ કપડું દબાવવામાં આવ્યું છે. પરંતુ તે પોલીસ સામે એમ જ કહી રહી હતી કે મેં હત્યા નથી કરી, જ્યારે હું સવારે જાગી ત્યારે મારું બાળક મરી ગયેલું જ હતું.

આરોપી સુચના સેઠે કથિત રીતે ગોવામાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરી હતી અને પછી તેના મૃતદેહને બેગમાં પેક કરીને ટેક્સી દ્વારા પડોશી રાજ્ય કર્ણાટક ગઈ હતી. શેઠની સોમવારે રાત્રે કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે ગોવા લાવવામાં આવી હતી. જ્યારે તે હોટલમાંથી બહાર આવી ત્યારે હોટેલ સ્ટાફને તેના પર શંકા થઈ. કારણકે રૂમમાં લોહીના ડાઘ જોવા મળ્યા અને તેણે ફ્લાઈટમાં જવાને બદલે કેબ બુક કરાવવાનો આગ્રહ કર્યો. આથી હોટેલ સ્ટાફે આ અંગે પોલીસને જાણ કરી હતી.


બાળકના મોતનું કારણ શ્વાસ રૂંધાવાનું હોઈ શકે છે તેવું પોલીસ જણાવી રહી છે ત્યારે હિરીયુર હોસ્પિટલના ડૉક્ટર કુમાર નાઈકે જણાવ્યું હતું કે બાળકની હત્યા 36 કલાક પહેલા કરવામાં આવી હતી. ગૂંગળામણને કારણે બાળકનો ચહેરો અને છાતીમાં સોજો આવી ગયો હતો અને તેના નાકમાંથી લોહી પણ નીકળ્યું હતું. ડો. નાઈકે એમ પણ કહ્યું કે લોહી કે સંઘર્ષના કોઈ ચિહ્નો મળ્યા નથી. જો કે બાળકના અંતિમ સંસ્કાર બેંગલુરુમાં કરવામાં આવ્યા હતા.


જોકે આરોપીએ પૂછપરછ દરમિયાન તેને પોતાના પુત્રને માર્યો હોવાની બાબતથી ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે જ્યારે તેને સવારે જાગીને જોયું ત્યારે બાળક મૃત્યુ પામ્યું હતું. જો કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તે જે બોલી રહી છે તેની વાત અમે માનતા નથી. હાલમાં અમને એ બાબતની જ જાણ છે કે તેને અને તેના પતિ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો જેના કારણે તેને આ પગલું ભર્યું હોઈ શકે છે.


સીઈઓની ધરપકડ બાદ મંગળવારે ગોવાના માપુસા શહેરની એક કોર્ટે તેને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. બાળકના પિતા વેંકટ રમણ હાલ ઈન્ડોનેશિયાના જકાર્તામાં રહે છે અને મંગળવારે રાત્રે તેઓ ચિત્રદુર્ગના હિરીયુર પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેઓને સોંપવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button