અંધેરી-કાંદિવલીથી રૂ. 1.06 કરોડનો ગુટકા પકડાયો: ત્રણની ધરપકડ
મુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અંધેરી અને કાંદિવલીથી રૂ. 1.06 કરોડની કિંમતનો પ્રતિબંધિત ગુટકા પકડી પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. 33 લાખની કિંમતનાં બે વાહન પણ જપ્ત કર્યાં હોવાનું અધિકારીએ કહ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ઇબ્રાહિમ મૈનુદ્દીન ઇનામદાર (30), સંતોષકુમાર રામસિંહાસન સિંગ (25) અને કલીમ વાહીદ હસન ખાન (30) તરીકે થઇ હતી. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના ઇન્ચાર્જ દયા નાયકે મળેલી માહિતીને આધારે 8 જાન્યુઆરીએ અંધેરીના ડી.એન. નગર વિસ્તારમાંથી ટ્રકને આંતરી રૂ. 78.01 લાખનો ગુટકા પકડી પાડ્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછમાં મળેલી માહિતીને આધારે બીજે દિવસે કાંદિવલીમાં પાર્ક કરાયેલા ટેમ્પોમાંથી રૂ. 28.17 લાખનો પ્રતિબંધિત ગુટકા જપ્ત કરીને બીજા બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ હવે આરોપીઓના સાથીદારોની શોધ ચલાવી રહી છે.