લોકસભાની 400 બેઠક જીતવા માટે BJPએ બનાવ્યો રોડમેપ
નવી દિલ્હી: દેશમાં આ વર્ષએ લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. દરેક પક્ષો એની તૈયારીમાં લાગ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના મહાસચિવોને નવી જવાબદારીઓ સોંપવાનું કામ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેને જોઇનિંગ કમિટીનું કામ સંભાળવા કહ્યું છે. આ કમિટીનું કામ ભાજપમાં અન્ય પક્ષોના પ્રભાવશાળી નેતાઓ અને વર્તમાન સાંસદોને સામેલ કરવાની શક્યતાઓ ચકાસવાનું રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવું એટલા માટે કરી રહી છે કારણ કે આવા નેતાઓના પ્રભાવ અને ચૂંટણી જીતવાની તેમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને પાર્ટીમાં લાવીને ચૂંટણી લડી શકાય છે.
એ જ રીતે રાધામોહન દાસ અગ્રવાલને વિઝન ડોક્યુમેન્ટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ કેટલાક અન્ય મોટા નેતાઓ સાથે મળીને 2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે. ચૂંટણી પ્રચાર, અને સંગઠનને લગતી અન્ય કામગીરી પર સુનિલ બંસલ અને અન્ય મહામંત્રીઓ દ્વારા નજર રાખવામાં આવશે.
દુષ્યંત ગૌતમ દેશભરમાં બૌદ્ધ સંમેલનોનું આયોજન કરશે અને તેમને મોદી સરકારના કામ વિશે જણાવશે. જેપી નડ્ડાએ મંગળવારે પાર્ટીના મહાસચિવ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા સાથે બેઠક કરી હતી. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જોડાયા હતા.