મુલાકાતની વિનંતી કરી રહેલા માલદીવને ભાવ આપવાના મૂડમાં નથી ભારત
નવી દિલ્હીઃ લક્ષદ્વીપ મુદ્દે માલદીવના પ્રધાનોના નિવેદન બાદ ભારત- માલદીવના સંબંધોમાં ખટાશ આવી છે. માલદીવના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ મુઇજુ ભારત આવતા પહેલા ચીનની મુલાકાતે ગયા છે. મુઇજુની આ હરકતથી ભારત સરકાર પણ સતર્ક થઇ ગઇ હતી. ભારત સરકારની કડકાઇ બાદ માલદીવે તેના રાષ્ટ્રપતિને ભારત આવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, નવા રાષ્ટ્રપતિ આવ્યા બાદ બંને દેશો વચ્ચેના તંગ સંબંધોને જોઇને ભારત સરકાર પણ અવઢવમાં હતી, પણ હાલની ઘટના બાદ ભારત સરકાર પણ માલદીવ સરકારને બહુ ભાવ આપવાના મૂડમાં નથી.
રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતને મુઈજુની મુલાકાતને લઈને કોઈ ઉતાવળ નથી. માલદીવના રાષ્ટ્રપતિના સ્વાગત માટે ભારત યોગ્ય સમયની રાહ જોવા માગે છે. માલદીવ અને નવી દિલ્હીના રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે માલદીવે ગયા વર્ષે નવેમ્બરમાં મુઇજુની ભારત મુલાકાતની શક્યતા અંગે ચર્ચા કરી હતી, પરંતુ બંને પક્ષો મુઇજુની મુલાકાત માટે તારીખ નક્કી કરે તે પહેલા જ માલદીવના રાષ્ટ્રપતિએ તુર્કીની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. માલદીવના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમની પ્રથમ મુલાકાત ભારત નહીં, પરંતુ તુર્કીની હતી, જે માલદીવની પરંપરાની વિરુદ્ધ હતી. સામાન્યપણે માલદીવમાં જ્યારે પણ કોઇ નવી સરકાર આવે છે ત્યારે તેના રાષ્ટ્રપતિ સહુથી પ્રથમ ભારતની મુલાકાત લે છે.
માલદીવ ભારત સાથે મુઇજુની મુલાકાત અંગે ચર્ચા કરી રહ્યું હતું ત્યાં તો માલદીવના રાષ્ટ્રપતિએ ઉતાવળમાં ચીનની મુલાકાતનું આમંત્રણ સ્વીકારી લીધું. આ પછી ભારતે પણ સ્પષ્ટ કરી દીધું કે તે મુઇજુની યજમાની કરવાના મૂડમાં નથી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે મુઇજુની પ્રસ્તાવિત મુલાકાત માટે પ્રતિક્રિયા આપવામાં વિલંબ કર્યો નહોતો, પણ તારીખ નક્કી કરવા માટે સમય જોઇતો હતો. PM નરેન્દ્ર મોદીએ દુબઈમાં COP-28માં મુઈજુ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
હાલમાં મુઇજુ ચીનની મુલાકાતે છે. તેમનો પ્રવાસ 12મી જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. ભારત માટે એ પણ મહત્વનું છે કે મુઈજુની યાત્રા યોગ્ય વાતાવરણમાં થાય. દુબઈમાં પણ મુઈજુની પીએમ મોદી સાથેની મુલાકાત સુખદ નહોતી રહી. મુઈજુ માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવા પર અડગ હતા. માલદીવ પરત ફર્યા બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે ભારત માલેમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવા સંમત છે, જ્યારે ભારતે આ અંગે નિવેદન આપ્યું હતું કે બંને પક્ષ આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.