મનોરંજન

હેપ્પી બર્થડેઃ 50 હજારથી વધુ ગીત ગાનારા સિંગરે કહેવું પડ્યું હતું હવે એવોર્ડ આપશો નહીં…

મુંબઈઃ આજે ભારતના જાણીતા સિંગર યસુ દાસનો જન્મદિવસ છે. યસુ દાસે પચાસ હજારથી વધુ ગીતો ગાયા હતા. યસુદાસનો જન્મ 10 જાન્યુઆરી 1940માં રોમન કેથોલિક પરિવારમાં થયો હતો. યસુ દાસ ભારતીય પ્લેબેક ગાયક અને સંગીતકાર છે. યસુદાસે ભારતીય શાસ્ત્રીય, ભક્તિ અને સિનેમેટિક ગીતો ગાઈને લોકોમાં આગવી લોકપ્રિયતા મેળવી હતી.

પિતા ઓગસ્ટીન જોસેફ મલયાલમના શાસ્ત્રીય સંગીતકાર અને સ્ટેજ આર્ટિસ્ટ હતા. તેમના પહેલા ગુરુ પિતાજી હતા. પછી આર એલ વી મ્યુઝિક એકેડેમી, સ્વાતિ તિરુનલ કોલેજ ઓફ મ્યુઝિકમાંથી શિક્ષણની તાલીમ લીધી હતી. કર્ણાટક સંગીતના મહાન ગાયક કેઆર કુમારસ્વામી પાસેથી સંગીતની તાલીમ લીધી હતી.

યસુદાસે 50,000થી વધુ ગીતો મલયાલમ, તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી, ઓડિયા તેમ જ અરબી, અંગ્રેજી, લેટિન અને રશિયન સહિત અનેક ભારતીય ભાષાઓમાં રેકોર્ડ કર્યા છે. યસુ દાસને ધ સેલેસ્ટિયલ સિંગર તરીકે ઓળખવામાં આવે છે.


1960ના દાયકામાં પ્લેબેક સિંગર તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. મલયાલમ પછી તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં ગીતો ગાયા હતા. 1970ના દાયકામાં હિંદી ફિલ્મોમાં ગીતો ગાયા હતા, તેમાંય વળી ફિલ્મ છોટી સી બાત માટે તેમણે જાનેમન જાનેમન તેરે દો નયન ગીત સુપરહીટ રહ્યું હતું. એના પછી જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન, અમોલ પાલેકર, જિતેન્દ્ર, સંજીવકુમાર, રજનીકાંત, કમલ હસન, મોહનલાલ, મમુટી સિવાય એનટી રામારાવ અને એમજી રામચંદ્ર માટે ગીતો ગાયા હતા.

જાણીતા સંગીતકાર સલિલ ચૌધરી, રાજકમલ, રવિન્દ્ર જૈન, બપ્પી લહરી, ખય્યામ વગેરે દિગ્ગજ સંગીતકારો સાથે યાદગાર ગીતો આપ્યા હતા. યસુદાસ માટે કહેવાય છે કે તેમના ગાયનથી સંગીતકાર રવિન્દ્ર જૈને એક વખત કહ્યું હતું કે જો એક વખત મને આંખો મળી જાય તો સૌથી પહેલા હું યસુદાને જોવા માગીશ, કારણ કે તેમનો અવાજ મધુર છે.

પુરસ્કારની વાત કરીએ તો યસુદાસને આઠ વખત બેસ્ટ પુરૂષ પ્લેબેક સિંગરનો રાષ્ટ્રીય પુરસ્કાર, પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ્સ અને કેરળ, તમિળનાડુ, આંધ્ર પ્રદેશની રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવેલા પુરસ્કારો સહિત બેસ્ટ પ્લેબેક સિંગરનો રાજ્ય એવોર્ડ મળ્યો હતો.

ભારત સરકાર દ્વારા તેમને કળા પ્રત્યેના યોગદાન બદલ 1975માં પદ્મ શ્રી અને 2002માં પદ્મવિભૂષણ અને 2017માં પદ્મવિભૂષણ (બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ) એનાયત કરાયો હતો. યસુદાસને એટલા પુરસ્કાર મળ્યા હતા કે તેમણે એક વખત કહ્યું હતું કે હવે મને કોઈ પુરસ્કાર જોઈતા નથી.

2011માં યસુદાસને સંગીત ક્ષેત્રેના યોગદાન બદલ સીએનએન-આઈબીએન ઉત્કૃષ્ટ પ્રદાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે છ દાયકાની કારકિર્દીમાં 50,000થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button