નેશનલવેપાર

અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનું દબાણ હઠળ, સ્થાનિક સોનામાં રૂ.૧૬૮નો અને ચાંદીમાં રૂ. ૫૪૫નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલેે અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૭થી ૧૬૮નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૫૪૫ ઘટી આવ્યા હતા.

આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૪૫ના ઘટાડા સાથે રૂ. ૭૧,૨૯૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ, ડૉલર સામે રૂપિયામાં સુધારો તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૭ ઘટીને રૂ. ૬૧,૯૯૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૬૮ ઘટીને રૂ. ૬૨,૨૪૭ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૩૦-૩૧ જાન્યુઆરીની નીતિવિષયક બેઠકના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગત ડિસેમ્બર મહિનાના ફુગાવાના ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૨૪.૯૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૨૦૩૦.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૮૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલમાં બજાર વર્તુળો ડિસેમ્બર મહિનાના ફુગાવામાં ૦.૨ ટકાની વર્ષાનુવર્ષ ધોરણે ૩.૨ ટકાની વૃદ્ધિ થવાની ધારણા મૂકી રહ્યા છે. જો ફુગાવાનો દર અપેક્ષા કરતાં નીચો આવશે તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શક્યતા વધુ પ્રબળ થતાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી શકે એવું વિશ્લેષકોનું મંતવ્ય છે. જોકે, રૉઈટર્સનાં ટૅક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઓનાં મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્વિક સોના માટે ઔંસદીઠ ૨૦૧૬ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પૂરવાર થશે અને આ સપાટી તૂટતા ભાવ ઘટીને ૨૦૦૬ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button