વાઈબ્રન્ટ સમિટઃ ભારે ભરખમ ભાષણો વચ્ચે વક્તાઓએ શ્રોતાઓને હસાવ્યા પણ ખરા…
ગાંધીનગર: ગુજરાતના પાટનગરમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપ્રમુખો અને મોટા ઉદ્યોગકારોની હાજરીમાં યોજાયેલી આ સમિટમાં ઘણા મહાનુભાવોએ ભાષણ આપી ભારતના વિકાસની સાથે જોડવાની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી અને ગુજરાતમાં રોકાણ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
સ્વાભાવિક છે કે વાણિજ્ય અને વેપાર ધંધા સાથે જોડાયેલી વાતો ગંભીર અને માહિતીસભર હતી, પરંતુ ઘણા વક્તાઓનું ભાષણ માહિતીની સાથે સાથે થોડી હળવી ક્ષણોમાં લોકો ખડખડાટ હસી પણ પડ્યા હતા. આ સાથે તેઓનું ભાષણ પ્રેરણાદાયી પણ હતું. ઝેરોધા ગ્રુપ ઓફ કંપનીના કો ફાઉન્ડર નિખીલ કામતે ખૂબ જ સરસ રીતે પોતાની વાત જણાવી હતી.
નિખિલે પોતાનું ભાષણ વાંચ્યું નહોતું, પણ જાણે લોકો સાથે વાત કરતા હોય તે રીતે તેમણે વાત કરી હતી. નિખિલે કહ્યું હતું કે 17 વર્ષના સ્કૂલ ડ્રોપઆઉટને છેલ્લા દસ વર્ષમાં એન્ટરપ્રેન્યોર તરીકે જે તકો મળી છે તે તક વિશે તેને ક્યારેય વિચાર્યું ન હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે વિદેશમાં વસતા આપણા કઝિન્સને આપણે જ્યારે જોતા ત્યારે આપણને એમ થતું કે આપણે કંઈ મિસ કર્યું છે, પરંતુ હવે તેમને લાગી રહ્યું છે કે તેઓ કંઈક મિસ કરી રહ્યા છે.
તેમણે છેલ્લા દસ વર્ષનો સમય એન્ટરપ્રેન્યોર માટે ખૂબ જ ફળદાયી હોવાનું કહ્યું હતું આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સુવર્ણકાળ આવી રહ્યો છે નહીં, પરંતુ આવી ગયો છે તે હું કહેવા માગું છું અને દરેક ભારતીય એ જો પોતાની બુકમાં એક એક શબ્દ લખવાનો હોય તો હું લખીશ એટલે કે આવી ગયો છે. એટલે કે ભારત વિકસિત દેશ બની ચૂક્યો છે.
આ દેશના રાષ્ટ્રપતિએ ગુજરાતીમાં બોલીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા
મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપે અસીન્તોએ ભાષણ પોતાની ભાષામાં જ આપ્યું હતું પણ વચ્ચે તેઓ મારું ગુજરાત અને મજામાં છું બોલ્યા હતા ત્યારે લોકોએ તેમને તાળીઓથી વધાવ્યા હતા. અમદાવાદ સાથે સંબંધ ધરાવે છે તેમ તેમણે ગઈકાલે જ જણાવ્યું હતું.
તેમના બાદ મુખ્ય અતિથિ અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લીસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામો ઝોરતાએ જ્યારે પોતાનું ભાષણ કર્યું ત્યારે તેમણે એવું કહ્યું હતું કે અમે વિશ્વની સૌથી શ્રેષ્ઠ કોફી બનાવીએ છીએ.
આ વાત કર્યા પછી તેમણે કહ્યું કે ભારતના જેટલા પણ કોફી પ્રોડ્યુસ કરતા લોકો છે એ ખરાબ ના લગાડે બટ વી આર ધ બેસ્ટ અને તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતના લોકો વધારેને વધારે કોફી પીવે તેવું ઇચ્છું છુ. મોરક્કોના કોમર્સ મિનિસ્ટર રયાદ મિઝોરે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને બદલે તેમના સંબોધનમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત કહ્યું હતું ત્યારે પણ બધાએ તાળીઓ વગાડી હતી આ રીતે ઘણા વક્તાઓએ પોતાના ભાષણથી વાતાવરણને થોડું હળવું કરી દીધું હતું