રાજસ્થાનમાં ભાજપના નેતાએ કર્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું ભાંગરો વાટયો?
ઉદયપુર: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય કાવાદાવની સાથે સાથે વિવાદો પણ વધી રહ્યાં છે. ભાવનાઓમાં વહીને નેતાઓ ગમે તે નિવેદન કરી દે છે જેને કારણે પાર્ટીની બદનામી થાય છે. દરમીયાન હવે ભાજપના એક નેતાએ વધારે બાળકો પેદા કરો, મકાન પીએમ મોદી આપશે એવું નિવેદન કરતાં વિવાદ ઊભો થયો છે. રાજસ્થાન સરકારના પ્રધાન બાબૂલાલ ખરાડીનું એક અજીબ નિવેદન સામે આવ્યું છે. એમણે લોકોને કહ્યું કે, વધારે બાળકો પેદા કરવા જોઇએ. તમારે ચિંતા કરવાની જરુર નથી કારણ કે મકાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપશે. અને ગેસ પણ સસ્તો મળશે. ઉલ્લેખનીય છે કે ઉદયપુરની ઝાડોલા બેઠક પરથી બીજીવાર વિધાનસભ્ય બનેલા બાબૂલાલ ખરાડીને બે પત્ની અને 8 બાળકો છે.
રાજસ્થાન સરકારના કેબિનેટ પ્રધાન બાબૂલાલ ખરાડીએ પોતે બે લગ્ન કર્યા છે તેથી તેમનું નિવેદન વધુ ચર્ચામાં આવ્યું છે. તેમની પહેલી પત્નીનું નામ તેજૂ દેવી અને બીજી પત્નીનું નામ મણિ દેવી છે. બંને પત્નીઓ દ્વારા તેમને 8 બાળકો છે. રાજસ્થાન સરકારના પ્રધાન ખરાડી નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં એક્ટિવ હતાં. અગાઉ તેઓ 2003 અને 2008માં ચૂંટણી જીતી ચૂક્યા છે. જ્યારે 2013માં મોદી લહેર હોવા છતાં ખરાડી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતાં. ત્યાર બાદ તેઓ સતત બે વાર ચૂંટણી જીત્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રધાન પદ મેળવનારા ખરાડીને મોટા નેતાઓ સહિત આરએસએસનું પણ સમર્થન છે. તેમનો સરળ વ્યવહાર અને સાદગીને કારણે પણ તેઓ સતત ચર્ચામાં રહે છે. તેઓ બે રુમના કાચા ઘરમાં રહે છે. રાજ્યના સૌથી પછાત કોટડા જેવા વિસ્તારમાંથી આવનારા ખરાડીને જનજાતી પ્રધાન બનાવવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં રહેનારા ખરાડીને ભાજપે 1987માં કોટડાના યુવા મંડળ અધ્યક્ષ બનાવ્યા હતાં. ત્યાર બાદ 1995માં તેઓ જિલ્લા પરિષદના સભ્ય બન્યા અવે 2000ની સાલમાં પ્રધાન પદ મેળવ્યું.