આપણું ગુજરાત

Vibrant Summit ના મહેમાન બનેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું નીકળ્યું અમદાવાદ કનેક્શન!

ગાંધીનગર: ‘ગુજરાત તો મારું બીજું ઘર છે’ તેવું જણાવતા મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ જ્યારે Vibrant Gujaratમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી, ત્યારે તેમણે IIM અમદાવાદમાં તેમના અભ્યાસના દિવસો વાગોળ્યા હતા.

મોઝામ્બિક આફ્રિકાનો એક દેશ છે, તેના રાષ્ટ્રપતિ ફિલિપ જેકીન્ટો ન્યુસી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મહાત્મા મંદિર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત તેમનું બીજું ઘર છે, કારણકે તેમણે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં અભ્યાસ દરમિયાન ઘણો સમય ગુજરાતમાં, ગુજરાતના લોકોની વચ્ચે રહીને વિતાવ્યો છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ સમયે તેઓ પોતે અમદાવાદમાં રહેતા હતા અને તેમના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસના પ્રારંભિક તબક્કાના તેઓ સાક્ષી હતા.

ફિલીપે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે, તેણે વિશ્વભરમાં તમામનું ધ્યાન ખેંચ્યું છે. બાયોટેક, એગ્રોફૂડ જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં અઢળક કંપનીઓએ સફળતા મેળવી છે, ત્યારે મોઝામ્બિકમાં મકાઈ, ચોખા, અડદ અને શાકભાજીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ગુજરાતની કંપનીઓ મોઝામ્બિકના કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી શકે છે, તેવું તેમણે જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાત એગ્રોફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર છે અને મોઝામ્બિક જેવા વિકાસશીલ દેશ માટે આ ક્ષેત્રે ભાગીદારીની તકો શોધવા માટે વાઈબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ છે.


તો બીજી તરફ પીએમ મોદીએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી, અને કહ્યું હતું અને ભારત અને મોઝામ્બિક વચ્ચે હવાઇ જોડાણ વધારવા અંગે કામ થઇ શકે છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે જ્યારે બંને દેશો વચ્ચે હવાઇ જોડાણ થશે ત્યારે વેપાર, સંસ્કૃતિ અને લોકો વચ્ચે સંબંધો કેળવાઇ શકશે. ગત g-20 સમિટમાં ગ્લોબસ સાઉથનો સમાવેશ કરવા બદલ મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button