ઇન્ટરનેશનલ

ચીન આગળ ઘૂંટણિયે નહીં પડીએ, ભારતે ચિંતા કરવાની જરૂર નથી… જાણો બાંગ્લાદેશના વિદેશ પ્રધાને શું કહ્યું

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં સત્તારૂઢ અવામી લીગની પ્રચંડ જીત સાથે શેખ હસીના ફરી એકવાર સત્તામાં પરત ફર્યા છે. આ જીત બાદ શેખ હસીનાએ ભારત સાથેના પોતાના ગાઢ સંબંધોને યાદ કર્યા હતા અને ભારતને વિશ્વાસપાત્ર મિત્ર ગણાવ્યું. દરમિયાન બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ.એ.કે. અબ્દુલ મોમેને એક મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે ભારત-બાંગ્લાદેશ સંબંધો, ચીન સાથેના તેના સંબંધો અને ભારત અને માલદીવ વચ્ચેના વર્તમાન રાજદ્વારી તણાવ પર આ ચૂંટણી પરિણામોની અસર વિશે ચર્ચા કરી હતી. આપણે આ વાતચીતના અંશો જોઇએ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જે રીતે બાંગ્લાદેશની ચૂંટણીઓ યોજાઈ છે. તે અંગે તમારો શું અભિપ્રાય છે? વિરોધ પક્ષો દ્વારા ચૂંટણીમાં ભાગ ન લેવા અને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ ન હોવા અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. એના જવાબમાં ડૉ.એ.કે. અબ્દુલ મોમેને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજાઈ છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા બહિષ્કાર કરવા છતાં દેશમાં ખૂબ જ વિશ્વસનીય રીતે ચૂંટણી યોજાઈ હતી. આ દર્શાવે છે કે લોકો ફરી એકવાર મતદાનનું મહત્વ સમજી ગયા છે અને મતદાન એ પરિવર્તન લાવવાનો એકમાત્ર રસ્તો છે, પરંતુ કેટલાક લોકો પૂર્વધારણા ધરાવતા હોય છે.

ચૂંટણી પહેલા હિંસાની કેટલીક ઘટનાઓ બની હતી. અમે તેની નિંદા કરી હતી. સીસીટીવીમાં ગુનેગારોને સરળતાથી ઓળખી શકાશે. રાજકારણમાં હિંસા અને આતંકવાદીઓને કોઈ સ્થાન નથી. આતંકવાદીઓને કોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. બાંગ્લાદેશમાં હવે લોકશાહી સ્થિર નથી એવું કહેનારા પશ્ચિમી દેશોને તમે શું કહેશો? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં લોકશાહી ખૂબ જ સ્થિર છે. દેશમાં તાજેતરમાં ચૂંટણીઓ યોજાઇ ગઇ , જેમાં 12 કરોડ લોકોએ મતદાન કર્યું. મતદાન શાંતિપૂર્ણ રીતે પત્યું હતું. બાંગ્લાદેશમાં લોકશાહી છે અને અમે વિશ્વમાં લોકશાહી દેશના નેતા છીએ. અમે મુક્ત, નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વસનીય ચૂંટણીનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે ભારત-બાંગ્લાદેશ સંબંધોને કેવી રીતે આગળ લઈ રહ્યા છો? ત્યારે તેમણે બેધડક થઇને જવાબ આપ્યો હતો કે, ‘અમારા સંબંધો પહેલાથી જ ઘણા મજબૂત છે. અમારા સંબંધો માત્ર આજે જ નહીં પરંતુ બાંગ્લાદેશની રચનાના સમયથી મજબૂત છે. અમારા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતે ભજવેલી ભૂમિકાથી દરેક વ્યક્તિ વાકેફ છે. આપણી જેમ ભારતે પણ આપણી આઝાદી માટે પોતાનું લોહી વહાવ્યું છે. તેની પાછળ એક ઐતિહાસિક કારણ પણ છે. તાજેતરના વર્ષોમાં, અમારા વડા પ્રધાન શેખ હસીના અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારું સંકલન ખૂબ સારું રહ્યું છે.

પીએમ મોદીએ તેને સુવર્ણ અધ્યાય ગણાવ્યો છે અને અમે તેને આગળ લઈ જવા માંગીએ છીએ. અમે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવી છે. ભવિષ્યમાં અમે તેને વધુ મજબૂત કરીશું.’ તાજેતરમાં ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી તણાવ જોવા મળી રહ્યો છે. માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તમે આ બાબતને કેવી રીતે જુઓ છો? એવા સવાલના જવાબમાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, ‘અમે સામાન્ય રીતે એકબીજાને માન આપીએ છીએ. કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરતા પહેલા વિચારવું જોઈએ. આપણે હોદ્દા અને તે હોદ્દા પરની વ્યક્તિનું સન્માન કરવું જોઈએ.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે માલદીવ હોય કે બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. તમે તેને કેવી રીતે જોશો? ત્યારે તેમણે જણાવ્યું હતું કે,’આ ખૂબ જ ખોટી માન્યતા છે. બાંગ્લાદેશ પર ચીનનો કોઈ પ્રભાવ નથી.

ચીન એક ભાગીદાર દેશ છે. તે અમને ઘણા પ્રોજેક્ટ્સમાં મદદ કરે છે, પછી ભલે તે કોન્ટ્રાક્ટર તરીકે હોય કે નિષ્ણાત તરીકે. જો તમે જુઓ કે ચીન તરફથી અમને કેટલી આર્થિક મદદ મળે છે, તો તે જીડીપીના એક ટકાથી પણ ઓછી છે. આ રીતે તે નગણ્ય જેવી મદદ છે. આ એક પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો છે કે અમે ચીનના દેવાદાર બની રહ્યા છીએ. જો કોઈ દેશ 55 ટકાથી વધુ ઉધાર લે છે તો તે કોઈપણ દેશનો દેવાદાર બની શકે છે. અમારું કુલ ઉધાર માત્ર 13.6 ટકા છે. ચીન વિશે ભારતનો ડર વ્યાજબી નથી. ચીન મિત્ર અને ભાગીદાર છે. કોઈ પણ મદદ લેતા પહેલા અમે ઘણું વિચારીએ છીએ. તેથી, ભારતે ચિંતા ન કરવી જોઈએ કે બાંગ્લાદેશ ચીન સમક્ષ આત્મસમર્પણ કરશે.’ ભારતમાં પસાર થયેલા CAA બિલની અસર તમે કેવી રીતે જુઓ છો? શું તેની અસર બાંગ્લાદેશ પર થશે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘ભારતમાં ખૂબ જ મજબૂત અને પરિપક્વ સરકાર છે. ભારતનું નેતૃત્વ પરિપક્વ હાથમાં છે અને તેને મજબૂત પરંપરાઓ વારસામાં મળી છે. ભારત સરકાર એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી ભારતીય મૂલ્યો અને સિદ્ધાંતોને ઠેસ પહોંચે. તેથી અમે આ અંગે ચિંતિત નથી.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button