5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ થશે: Vibrant Gujaratમાં ગૌતમ અદાણીની મોટી જાહેરાત
ગાંધીનગર: 10મી Vibrant Gujarat ગ્લોબલ સમિટનું આજે પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. 3 દિવસ ચાલનારી આ સમિટમાં કુલ 136 દેશોમાંથી લોકો ભાગ લઇ રહ્યા છે. દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ સહિત અનેક મહાનુભાવોએ સમિટમાં ઉપસ્થિત છે, ત્યારે ગૌતમ અદાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે અમે 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, જે વિકસિત ગુજરાત બનાવવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે અમે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક બનાવીશું અને ગુજરાતમાં 1 લાખથી વધુ નોકરીઓ આપીશું.
ગૌતમ અદાણીએ કહ્યું હતું કે “અદાણી ગ્રુપ આત્મનિર્ભર ભારતને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેઈનનો વિસ્તાર કરી રહ્યા છીએ. અમે પાછલી સમિટમાં રૂ. 55,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને અત્યાર સુધીમાં રૂ. 50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.” તો બીજી તરફ ટાટા સન્સ લિમિટેડના ચેરપર્સન એન. ચંદ્રશેખરે પણ સમિટમાં સંબોધન કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે ટાટા માટે ગુજરાત મહત્વનું સ્થળ છે. સાણંદમાં 20 ગીગા વોટ્સની ફેક્ટરી શરૂ થશે, લિથિયમ બેટરીનું મોટાપાયે ઉત્પાદન થશે. આગામી સમયમાં જ કન્સ્ટ્રક્શન શરૂ કરી દેવામાં આવશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારે દબદબાપૂર્વક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું છે. આ વખતે સમિટમાં વિશેષ મહેમાન તરીકે UAEના રાષ્ટ્રપતિ અલ નાહ્યાન ગુજરાતની મહેમાનગતિ માણી રહ્યા છે.