નેશનલ

દેશનો સૌથી વિશાળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ ખુલ્લો મુકાયો

ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્ઘાટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી મહેમાનો અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ નું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યું હતું.

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વીજીજીએસ-૨૦૨૪ અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪ ખુલ્લો મુક્યો હતો.

આ ઉદ્ઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી, તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ રામોસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીચ ઓન કરીને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે વડા પ્રધાનશ્રી મોદીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટથી જ સમૃદ્ધિ અને વિકાસયાત્રા દર્શાવતી ‘ધ સમિટ ઑફ સક્સેસ ટુવર્ડ્સ રિયલાઇઝેશન ઑફ ફૂલેસ્ટ પોટેન્શિયલ ઑફ ગુજરાત’ નામની ઇ-કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન દ્વારા વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં ‘સ્મારક સિક્કા’ તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ નિમિત્તે ‘સ્મારક સ્ટેમ્પ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડા પ્રધાનના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ૨૦ વર્ષની અસર અંગે ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ‘સંશોધન અહેવાલ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન સહિત મહાનુભાવોએ ગ્લોબલ ટ્રેડ શોમાં ઈન્ટરનેશનલ પેવિલિયન, ઈ-મોબોલિટી, આત્મનિર્ભર ગુજરાત, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન ટેક્એડ સહિત વિવિધ પેવેલિયનોની મુલાકાત કરીને વડા પ્રધાનશ્રીએ એકઝિબિટર્સ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો ભારતનો આ સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ-શો તા.૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે જ્યારે તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button