દિલ ને દિમાગ વચ્ચે પસંદગી કેટલી મુશ્કેલ?
આનો જવાબ મેળવવા ‘હયવદન’ જેવી કથાનાં ઊંડાંણમાં ઊતરીને એનો મર્મ જાણવો પડે
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
જ્યાં ગ્લેમર હોય ત્યા ટેલેન્ટની શું જરુર છે? કોમેડી સર્કસ’ નામના એક કાર્યક્રમમાં આ વાત સાંભળી ત્યારથી દિલમાં ઉતરી ગઇ.
સૌંદર્યવાન અને બુદ્ધિશાળી હોવું એ ઇશ્વરના આશીર્વાદ છે, પણ સમસ્યા એ છે કે જ્યારે બેમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી પડે ત્યારે કેટકેટલી સમસ્યા થતી હશે? ખાસ કરીને સ્ત્રીને એક એવી વ્યક્તિ ગમે છે જે સુંદર છે ,પણ સાથોસાથ એવી વ્યક્તિ પણ પસંદ છે, જે અવનવી વાતો થકી હસાવી શકે છે . એ નવી અજાણી વાતોનો સ્ત્રોત છે અને સમસ્યાઓ વખતે માર્ગદર્શક પણ છે.
વાત એટલી જ છે કે બે કે તેથી વધુ વ્યક્તિ એક સાથે પસંદ હોવી એ મોટી દ્વિધા છે. વિક્રમ વેતાળના કથાકનને અગિયારમી સદીમાં માનવ સમસ્યામાં ઢાળવામાં આવ્યું હતું. સ્ત્રી- પુરુષના સંબંધોમાં અધૂરપ રહી જતી હોય છે અને બંને પાત્રો પૂર્ણતા શોધવાનો પ્રયાસ કરતાં હોય છે, પણ એકબીજામાં પૂર્ણતાનો અહેસાસ થતો નથી ત્યારે નજર બહાર દોડવા લાગે છે.
માનવજીવનની આ અધૂરપને આપણા સાહિત્યમાં હજાર વર્ષ પહેલાં સ્થાન આપવામાં આવ્યું હતું. માનવ સંબંધની અધૂરપ જેવા વિષયને અનુરૂપ કર્ણાટકના અદભૂત કલાકાર ગિરીશ કર્નાડે એક સરસ મજાનું નાટક લખ્યું હતું, જેનું નામ હતું હયવદન’
ગિરીશ કર્નાડનું આ નાટક જર્મનીના થોમસ માન નામના લેખકની કૃતિ ટ્રાન્સપોઝ હેડ’ માંથી લેવામાં આવ્યું હતું, જ્યારે થોમસ માને આ કથા મૂળ ભારતીય સાહિત્ય તથા અગિયારમી સદીમાં કાશ્મીરમાં લખાયેલા કથાસરાત્સાગર’ માંથી લીધું હતું…!
સંસ્કૃતના પ્રકાંડ પંડિત સો અમદેવનું અદ્વિતીય સર્જન કથાસરાત્સાગર’માં લોકકથાઓ- ઐતિહાસિક ઉપરાંત અન્ય કેટલીક કથાઓનો સમાવેશ થયો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓની મનોવ્યથા ભારતીય સંસ્કૃતિમાં ખાસ વ્યક્ત કરવામાં આવતી નથી, હકીકતમાં આ પ્રકારના પુસ્તકોથી માંડી છેક રામાયણ- મહાભારત સુધી નારી જ કેન્દ્રમાં છે. આ કથાઓના અંતે કોઈ સીધો બોધપાઠ લખવામાં આવ્યો નથી, પણ સંદર્ભ પુસ્તકો અથવા મેનેજમેન્ટ ગુરુઓ આવી કથામાંથી બોધ શીખવે છે. મૂળ કથાઓ વાંચવાનું વાચકો શરૂ કરે તો ખ્યાલ આવે કે માનવજીવનની અસંખ્ય સમસ્યા પર સર્વકાલીન શ્રેષ્ઠ સાહિત્ય આપણે ત્યાં રચાયું છે.
અહીં જેની વાત માંડી છે એ ‘હયવદન’ એટલે ઘોડાનું મુખ. આમ તો ગિરીશ કર્નાડના હયવદન’ માં પણ એક ઉપકથા છે, જેમાં
‘હયવદન’ શબ્દની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે.
પૌરાણિક કથા અનુસાર એક રાજકુમારીનો સ્વયંવર થાય છે. સ્વયંવરમાં અનેક રાજા- રાજકુમારો – વિદ્વાનો પધારે છે, પણ રાજકુમારીને કોઈ પસંદ પડતું નથી. સ્વયંવરમાં સૌરાષ્ટ્રનો એક તેજસ્વી રાજકુમાર સફેદ ઘોડો લઇને આવે છે અને રાજકુમારી ઘોડાને દિલ દઇ બેસે છે. રાજકુમારીનાં લગ્ન ઘોડા સાથે થાય છે, જે એક ગાંધર્વ છે. પંદર વર્ષ પછી ગાંધર્વ ઘોડામાંથી મૂળ સ્વરૂપમાં આવે છે અને રાજકુમારીને પોતાની સાથે જવા માટે કહે છે, પણ રાજકુંવરીનો પ્રેમ સફેદ ઘોડા માટે જ છે. ગાંધર્વ રાજકુમારીને શ્રાપ આપીને એને ઘોડી બનાવી દે છે. આમ તો આ વાત શીપ ઓફ થિસીયસ’ જેવી છે, જેમાં વ્યક્તિ પસંદગીના બે છેડા વચ્ચે ઝોલા ખાતી રહે છે. રાજકુમારીને પુત્ર જન્મે છે ,જેનું મુખ અશ્વ જેવું છે અને શરીર માનવ જેવું છે. ઘોડાના મુખ ધરાવતા આ સંતાનને હયવદન’ નામ આપવામાં આવે છે. એ હયવદન કથામાં પોતાની વ્યથા કહે છે કે એનો બાપ એની સામે નજર નાખ્યા વગર છોડીને ચાલ્યો ગયો….
આ કથાનો પણ ગિરીશ કર્નાડે નાટકમાં ઉપયોગ કર્યો છે.
‘હયવદન’માં આધુનિક યુગને ધ્યાનમાં રાખીને સ્ત્રી સંવેદના વ્યક્ત કરતું નાટક બનાવવામાં આવ્યું છે,જેનાં ત્રણ પાત્ર છે- બે પુરુષ અને એક સ્ત્રી. આ સ્ત્રી બંને પુરુષોમાં પોતાના જીવનની યથાર્થતા શોધી રહી છે, કદાચ બંનેમાં પોતાના સ્વપ્નપુરુષ શોધી રહી છે. ગિરીશ કર્નાડ લિખિત નાટક હયવદન’માં હીરોઇન પદ્મિનીના લગ્ન બુદ્ધિશાળી તથા કવિહૃદયના દેવદત્ત સાથે થાય છે. દેવદત્ત પાસે શબ્દોનો જાદુ છે, પણ શારીરિક રીતે મજબૂત નથી. લગ્ન પછી દેવદત્ત અને પદ્મિની ઉજ્જૈન જવા નીકળે છે એ દરમિયાન એમની સાથે દેવદત્ત પોતાના હૃષ્ટપુષ્ટ મિત્ર કપિલને પણ સાથે લઇ જાય છે. સમગ્ર યાત્રા દરમિયાન દેવદત્તને એવું લાગે છે કે પોતાની પત્ની પદ્મિની મિત્ર કપિલ પરત્વે આકર્ષિત થઈ છે. એક તબક્કે પદ્મિની પોતાના પતિને એવું કહે છે કે તમારી નવી રચનામાં કપિલનો ઉલ્લેખ કરજો આ સાંભળીને દેવદત્તની શંકા વધારે મજબૂત થાય છે. કવિહૃદય અને સંવેદનશીલ દેવદત્ત માર્ગમાં માતાજીના મંદિરમાં જાય છે અને તલવારથી ડોકું અલગ કરીને કરીને પોતાના પ્રાણનો ત્યાગ છે. પદ્મિની અને કપિલ મિત્ર દેવદત્તને શોધતા શોધતા મંદિરમાં આવે છે અને દેવદત્તનો મૃતદેહ જોઇને કપિલને અત્યંત દુ:ખ થાય છે. કપિલને લાગે છે કે દેવદત્તે પોતાને લીધે પ્રાણનો ત્યાગ કર્યો છે. કપિલ પણ એ જ રીતે દેહત્યાગ કરે છે અને ધડથી ડોકું અલગ કરી દે છે. અચાનક જીવનમાં બનેલી અકલ્પનિય ઘટનાઓ જોઈને પદ્મિની પણ દેહત્યાગ કરવા જાય છે ત્યારે માતાજી પ્રગટ થાય છે. માતાજી આશીર્વાદ આપતાં બંનેના ડોકાં અને ધડ જોડી દેવાનું જણાવે છે, એ પછી બંનેને જીવિત કરી દેશે. આવી અત્યંત તણાવવાળી પરિસ્થિતિમાં પદ્મિની એક ભૂલ કરે છે, કપિલના ધડ પર દેવદત્તનું અને દેવદત્તના ધડ પર કપિલનું મસ્તક લગાવી દે છે…. માતાજીના આશીર્વાદ થકી બંને જીવિત થાય છે , પણ પ્રશ્ન એ થાય છે કે હવે પદ્મિની કોની પત્ની કહેવાય? પદ્મિની માટે પણ પ્રશ્ન છે કે તે કોને પસંદ કરે? દેવદત્તના મસ્તકને પતિ માને તો શરીર કપિલનું હોય અને જો દેવદત્તનું શરીર સ્વીકાર કરવામાં આવે તો મસ્તક કપિલનું હોય….!
આમ તો આ પ્રકારની કથાઓ વિશ્વભરમાં લખાતી આવી છે. ખાસ તો વિક્રમ-વેતાળ’માં આ જ પ્રકારની કથા છે, જેમાં મસ્તકવાળા દેહને ઓરિજિનલ- ખરુ માનવું એવું વિક્રમરાજા કહે છે. પદ્મિનીની દ્વિધા વ્યક્ત થાય છે ત્યારે એક સાધુ અને વિક્રમનો ઉલ્લેખ કરીને નાટકમાં દેવદત્તના મસ્તકને પદ્મિની મૂળ પતિ માને છે ,જેનું શરીર કપિલનું છે.
દેવદત્તના મસ્તક સાથે કપિલનું શરીર સહજ થવા લાગ્યું, પણ પદ્મિનીને કપિલની જે હૃષ્ટપુષ્ટ કાયા પસંદ હતી એ હવે રહી ન હતી. દેવદત્ત સાથે રહીને કપિલની કાયા પણ નાજુક નમણી થઈ ગઈ હતી. કપિલના મસ્તકને લીધે દેવદત્તની કાયા હૃષ્ટપુષ્ટ બનવા લાગી હતી. પદ્મિનીને મસ્તક કપિલનું હોય અને દેવદત્તની કાયા પસંદ થવા લાગી. કપિલના મસ્તકવાળી કાયા માટે પદ્મિની માનવા લાગી કે તેનું સંતાન એ આ કાયાનું એટલે કે દેવદત્તનું છે. કપિલના મસ્તક તરફ પદ્મિની આકર્ષિત થતાં કપિલે એનો સ્વીકાર કરવાની ના પાડી ,પણ પદ્મિનીએ પોતાના પુત્રને એની કાયાનો અંશ છે એવું કહેતા બંને વચ્ચે આકર્ષણ થયું.
આ તરફ દેવદત્તના મસ્તકવાળો દેહ બંનેને શોધતો શોધતો આવી પહોંચ્યો અને બંને દેહ વચ્ચેની લડાઈમાં બંનેનાં મૃત્યુ થયા અને કથાકન મુજબ પદ્મિની અગ્નિપ્રવેશ કરીને સતી થઈ.
અહી, મૂળ વાત કે મુદ્દો એ છે કે એક વ્યક્તિને બે કે તેથી વધારે વ્યક્તિ પરત્વે અનુરાગ થઈ શકે? આ વાત શું એના પોતાના કંટ્રોલ-તાબામાં હોય છે ખરી? આકર્ષણ થવું એ નજરનો દોષ છે કે કુદરતી ઘટના છે? આપણી આસપાસ અસંખ્ય ઘટનાઓ અને પાત્રો જોવા મળે છે પણ શું આપણી અંદર પણ એક પદ્મિની છૂપાયેલી નથી?
આ કથા માનવજીવનની દ્વિધા છે. ભારતીય પરંપરામાં એક જ જીવનસાથીની ભાવના જીન્સમાં વણાયેલી હોવા છતાં આ પ્રકારની મૂળ કથા વર્ષો પહેલાં લખવામાં આવી એ હિસાબે આપણા વડવાઓ કેટલા આધુનિક અભિગમ ધરાવતા હશે. આધુનિક મનોવિજ્ઞાન કબૂલે છે કે આ પ્રકારના વિચારો આવવા એ સ્વાભાવિક છે. ખાસ કરીને, પચ્ચીસથી પાંત્રીસ વયની વચ્ચે આવા વિચારોની સંભાવના વધુ હોય છે. મનોવૈજ્ઞાનિક એ પણ સમજાવે છે કે જ્યારે માણસ પાસે બે ચોઇસ કે વિકલ્પ હોય તો શારિરીક દેખાવ કરતાં સ્થિરતા અને સલામતીને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ. લગ્ન પહેલાં અથવા વિશિષ્ટ સંજોગોમાં પસંદગીની વાત આવે ત્યારે ભૂતકાળ જાણવો જરૂરી છે. પરિવાર પરત્વે સ્નેહ, ઘર માટે જવાબદારી સહિત ઘણી બાબત ધ્યાનમાં લેવી જોઈએ. આમ છતાં ક્ધફ્યુઝન રહેતું હોય-અવઢવ હોય તો મિત્રો અને સંબંધીઓ શું કામના?
જો કે આ તો થોડી આદર્શ વાત થઈ, પણ આ વિષયમાં ફાયદા અને નુકશાનના ચોપડા બનાવશો નહીં. દુનિયામાં આ પ્રકારની ઘટના થવી કે વિચારો આવવા એ સહજ છે. છાપાઓમાં ભાગવાથી માંડીને મર્ડર સુધી ન્યૂઝ વાંચવા મળે છે. હા, કથા લખનારે કરુણ અંત દર્શાવીને ચેતવણી પણ આપી દીધી છે કે આમાં મેળવવા જતાં ઘણું ગુમાવવાનું છે.
આ કથામાં સ્ત્રી- પુરુષ સંબંધ ઉપરાંત એક બીજો અર્થ પણ છે. એ છે વ્યક્તિની પસંદગી. દરેક વ્યક્તિને એની ધાર્મિક-આધ્યાત્મિક- રાજકીય- સાહિત્ય- ફિલ્મ, કલાકારો,- રમતવીરો,ઈત્યાદિની એક કરતાં વધુ પસંદગી હોઇ શકે છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ કથા અંગે કહી શકાય કે દરેકેદરેક વ્યક્તિ જગતને પોતાની નજરથી જોઇ શકે છે અને એ એની સ્વતંત્રતા છે.
ધ એન્ડ
બહુ નસીબની પાછળ ન ભાગો. નસીબ તો કરંડિયામા પૂરાયેલા સાપ જેવું છે. કરંડિયામા કશું ભોજન હશે એવું સમજીને ઉંદર કરંડિયો કોતરે અને સાપને ભોજન સાથે મુક્તિ મળે એ નસીબ… નસીબ બહુ મોટી વસ્તુ નથી… (ભર્તૃહરિ)