રાષ્ટ્રીય યુવા દિન યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ
આજના યુવાનો બુદ્ધિમાન છે-મહત્ત્વાકાંક્ષી છે, પણ નાની નાની વાતનો સામનો એ બહાદુરીપૂર્વક કેમ નથી કરી શકતા…? જાણીએ, સ્વામીજીનો આ વિશે પ્રેરણાત્મક ઉકેલ
મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા
આજે યુવા વર્ગ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.એલ્વિન ‘The Future Shoke’નામનાં પુસ્તકમાં વર્ષો પહેલાં લખ્યું હતું કે
‘સમાજમાં પેઢી પેઢી વચ્ચેનું અંતર ખૂબ વધી ગયું છે….’
ટોફ્લરની એ વાતમાં આજેય ફરક પડ્યો નથી. આજે પણ વિચારસરણીમાં ખૂબ જ પરિવર્તન આવી રહ્યું છે. સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. તેમાં પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ અને ટી.વી. ચેનલોએ આજના યુવા વર્ગને પોતાનાં માતા – પિતા અને શિક્ષકોથી દૂર ધકેલી દીધા છે. આજના યુવાનોને બધું તાત્કાલિક જોઈએ છે – ઈન્સ્ટન્ટ કોફી-ઈન્સ્ટન્ટ સક્સેસ (સફળતા) વગેરે. અને એ જો ના મળે કે એમાં નાસીપાસ થાય તો ઈન્સ્ટન્ટ આત્મહત્યા…
‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ’ દ્વારા દેશના ૧૬ થી ૨૫ વર્ષની વયના ૨૧.૫ કરોડ યુવાનોમાંથી ૬૦૦ યુવાન-યુવતીઓના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા, જેમાં શહેરના અને ગામડાંના બંને પ્રકારનાં યુવાનો સામેલ હતાં. એમાં એવું જાણવા મળ્યું કે એમાંના મોટાભાગના હતાશા-ક્રોધ-પલાયનવાદ વગેરે ભાવનાથી પીડિત છે. દેશના ૫૪ ટકા ગુના યુવાનો દ્વારા થય છે અને ૪૦ ટકા આત્મહત્યા યુવાનોની હોય છે.
આજના યુવાનો બુદ્ધિમાન છે, મહત્ત્વાકાંક્ષી છે, પણ નાની નાની વાતનો -વાસ્તવિકતાનો સામનો બહાદુરીપૂર્વક નથી કરી શકતા, કારણ કે એમને જીવવાની કળા શીખવાડવામાં આવી નથી. આપણી શિક્ષણ પદ્ધતિમાં આધ્યાત્મિક શિક્ષણની – મૂલ્યના શિક્ષણની કોઈ જોગવાઈ નથી. આજના યુવાનો અત્યંત તેજ ગતિથી દોડીને પોતાનું કેરિયર બનાવવા માટે દોટ મૂકી રહ્યાં છે, પણ કઈ દિશા તરફ જવું તેની એમને ખબર નથી. માર્ગદર્શનના અભાવમાં એ બધા આમ તેમ ભટકી રહ્યાં છે. પરિણામે હતાશા અને નિરાશાનો એ ભોગ બને છે.
ઘણા યુવાન મૂંઝાય છે કે પોતાની સમસ્યાના નિવારણ માટે એ કોની પાસે જાય? યુવાનો એક એવા સાચા મિત્રને ઝંખે છે, જેને પોતાની સમસ્યાઓ દિલ ખોલીને કહી શકે. યુવાનને એક આદર્શ મિત્ર-દાર્શનિક અને માર્ગદર્શક (Friend- Philosopher and Guide)ની શોધમાં છે, પણ આવો મિત્ર શોધવો ક્યાંથી?
આવો મિત્ર શોધવ મુશ્કેલ તો છે, પરંતુ હા, આવા યુવાનોની મૂંઝવણનો ઉકેલ સ્વામી વિવેકાનંદજીના જીવન સંદેશમાંથી મળી રહે છે.
આજે ભારતના યુવાવર્ગની સામે ત્રણ સમસ્યા મુખ્ય છે: બેરોજગારી-ધર્મ પર અવિશ્ર્વાસ અને આદર્શોના અભાવમાં નૈતિક અને માનસિક સંઘર્ષ…
સ્વામી વિવેકાનંદજીને પોતાની યુવાવસ્થામાં આ ત્રણેય સમસ્યા સામે ઝૂઝવું પડેલું. એવા સમયમાં જ્યારે સ્નાતક થવું એક વિરલ વાત હતી ત્યારે યુવક નરેન્દ્રનાથને બી.એ.ની ડિગ્રી મેળવીને કાયદાનો અભ્યાસ કરતી વખતે પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ નોકરી શોધવા ઘેર ઘેર ભટકવું પડેલું.
સ્વામી વિવેકાનંદજીએ પોતાની યુવાવસ્થામાં આજના યુવાવર્ગ જેવી જ સમસ્યાઓનો સામનો કર્યો હતો માટે એમનો સંદેશ આજના યુવાનો માટે વિશેષ પ્રાસંગિક અને ઉપકારક બની જાય છે.
વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ આપણી માતૃભૂમિના યુવા વર્ગને આહ્વાન આપ્યું હતું : ‘ઊઠો જાગો ને લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો.’ ત્યારના યુવાવર્ગે આ આહ્વાન ઝીલી લીધું હતું. આપણને રાજનૈતિક સ્વાધીનતા મળી, પણ સ્વાધીનતા પછી શું થયું? આપણે પોતાના વ્યક્તિગત સ્વાર્થમાં રત થઈ ગયા.આપણે ઊઠ્યા-જાગ્યા ને ફરી સૂઈ ગયા!
સ્વામીજીએ એવું નહોતું કહ્યું કે ‘ઊઠો-જાગો ને પછી સૂઈ જાવ.’ સ્વામીજી તો ‘જ્યાં સુધી સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો.’ એવું આહવાન કર્યું હતું.
આપણા દેશના સ્વાધીનતા સંગ્રામના મોટાભાગના નેતાઓ ક્રાંતિકારીઓના મૂળ પ્રેરણા સ્રોત હતા – સ્વામી વિવેકાનંદ. મહાત્મા ગાંધી ૧૯૩૦ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુરમઠ ગયા ત્યારે પોતાના ભાષણમાં એમણે સ્વીકાર્યું હતું કે પોતે સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકો વાંચ્યા પછી એમની દેશભક્તિ હજાર ગણી વધી ગઈ…
નેતાજી સુભાષચંદ્ર બોઝ ૧૫ વર્ષની ઉંમરમાં સ્વામી વિવેકાનંદજીનાં લખાણો- પુસ્તકોના પરિચયમાં આવ્યા અને એમનાં જીવનમાં પરિવર્તન આવ્યું. એમણે આપણી માતૃભૂમિ માટે આત્મ – બલિદાન કરવાનો નિશ્ર્ચય કરી લીધો. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું કે, ‘સ્વામી વિવેકાનંદજી વિના આપણને સ્વાધીનતા પ્રાપ્ત ન થાત.’ કાકાસાહેબ કાલેલકરે પણ સ્વીકાર્યું છે કે વિવેકાનંદજી વિદેશથી ભારત પાછા ફર્યા ત્યારે ચેતનાની એક નવી લહેર સમસ્ત દેશમાં ફેલાઈ ગઈ. સેંકડો વર્ષોથી ગુલામીમાં સબડતું રાષ્ટ્ર અચાનક પુનર્જીવિત થયું. એમની પ્રેરણાથી સેંકડો યુવકોમાં દેશ પ્રત્યે ગૌરવની ભાવના જન્મી.
પ્રારબ્ધના ભરોસે બેસી રહેનારા યુવા લોકોને ઊભા થઈ પુરુષાર્થમાં લાગી જવા માટે સ્વામીજી પડકારે છે. જ્યોતિષ વિદ્યા-રહસ્ય વિદ્યા અને આવું બધું છોડીને કઠોર પરિશ્રમમાં લાગી જવા માટે સ્વામીજી આહ્વાન કરીને કહે છે, ‘તમારા પગ પર ઊભા રહો અને બધી જવાબદારીઓ પોતાને માથે લો. કહો કે, જે આ દુ:ખ હું ભોગવું છું તે મારી પોતાની કરણનું જ ફળ છે અને એનો ઉપાય મારે એકલા એ જ કરવો પડશે. માટે ઊભા થાવ- હિંમતવાન બનો-તાકાતવાન થાવ…. અને જાણી લો કે તમારા નસીબના ઘડવૈયા તમે પોતે જ છો, જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી અંદર જ છે.’
સ્વામીજીનો આ સંદેશ કર્મના સિદ્ધાંત પર આધારિત છે : ‘જેવું વાવશો તેવું લણશો.’ યુવાનો પ્રારબ્ધની – નસીબની વાતો કરે, જ્યોતિષીઓ પાછળ દોડે તે સ્વામીજીને પસંદ ન હતું. એ કહેતા: ‘પ્રારબ્ધ બળવાન છે – એવું કાયરો કહે છે, પણ શક્તિશાળી માણસ તો ખડો થઈને કહે છે: મારું ભાગ્ય હું પોતે ઘડી કાઢીશ. જે લોકો ઘરડા થતા જાય છે એ માણસો જ ભાગ્યની વાતો કરે છે. જુવાન માણસો સામાન્ય રીતે ભાગ્ય વાંચનારાઓ પાસે જતા નથી.’
યુવાનોને સંબોધતા સ્વામીજી આગળ વધીને કહે છે કે, ‘અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે. જુઓ, રામચંદ્રની આજ્ઞાથી એમણે સાગરને ઓળંગ્યો એ વખતે જીવન કે મરણની પરવા નહોતી! એ પૂરેપૂરા ઈન્દ્રિય નિગ્રહી અને અદ્ભુત બુદ્ધિ ધરાવતા હતા. અંગત સેવાના મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઈએ. તે દ્વારા બીજા બધા આદર્શ ધીરે ધીરે જીવનમાં ઊતરી આવશે. સામે પ્રશ્ન કર્યા સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્ય સેવન એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુએ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે, તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પણ પ્રતિનિધિ છે. રામચંદ્રના હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી દેતાં એમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. સેવા સિવાય અન્ય બાબત તરફ કે મહાન દેવ બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ હનુમાનજી અત્યંત બેપરવા રહ્યા છે. એમના જીવનનું એકમાત્ર વ્રત હતું રામની આજ્ઞાનું પાલન! આવી ખરા હૃદયની ભક્તિ જોઈએ. કેવળ મૃદંગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચી નાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે.’
‘જો માણસ દિનરાત એવો વિચાર કર્યા કરે કે હું દુ:ખી છું-હું દીન છું- હું કંઈ નથી તો એ એવો થઈ જાય છે. જો તમે કહો કે હું બળવાન છું તો તમે બળવાન બની જશો. જો તમે દિવસ અને રાત ધ્યાન ધર્યા કરો કે હું કંઈ નથી કંઈ નથી, તો તમે શૂન્ય થઈ જવાના…’
વિવેકાનંદજી ઉમેરે છે: એક બહુ મુદ્દાની હકીકત છે કે જે તમારે યાદ રાખવી. આપણે સર્વ શક્તિમાનનાં સંતાન છીએ. આપણે અનંત દિવ્ય અગ્નિના સ્ફુલિંગો છીએ. આપણે શૂન્ય થઈ જ કેમ શકીએ? આપણે સર્વ સ્વરૂપ છીએ. સર્વ કંઈ કરવાને તૈયાર છીએ, સર્વ કંઈ કરી શકીએ છીએ અને મનુષ્યે સર્વ કંઈ કરવું જોઈએ…
આપણા પૂર્વજોના અંતરમાં આત્મશ્રદ્ધા હતી. આ આત્મશ્રદ્ધાની પ્રેરક શક્તિએ એમને સંસ્કૃતિની કૂચકદમમાં આગળ ને આગળ ધપાવ્યા અને જો અધ:પતન આવ્યું હોય, જો ખામીઓ આવી હોયતો મારા શબ્દો નોંધી લેજો કે એ અધ:પતનની શરૂઆત જ્યારથી આપણી પ્રજાએ આ આત્મશ્રદ્ધા ખોઈ ત્યારથી થઈ છે. આત્મશ્રદ્ધા ખોવી એટલે ઈશ્વરમાં શ્રદ્ધા ખોવી. તમારી અંદર અને તમારા દ્વારા કામ કરી રહેલ એ અનંત મંગલમય વિધાતામાં તમે માનો છોને? જો તમે માનતા હો કે આ સર્વ વ્યાપક અંતર્યામી અણુએ અણુમાં વ્યાપેલો છે. એ દેહ-મન ને જીવમાં ઓતપ્રોત છે તો પછી તમે ના હિંમત કેમ બની શકો?!