ઈન્ટરવલ

ઈઝરાયલ પર અમેરિકા લગામ નહીં તાણે તો હમાસ સામેનું યુદ્ધ વિકરાળ બનશે

નેતન્યાહુ સત્તા બચાવવાના મરણિયા પ્રયાસમાં અમેરિકાને પણ ડુબાડશે?

પ્રાસંગિક -અમૂલ દવે

પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે સાત ઓક્ટોબરે ઈઝરાયલમાં ઘૂસીને ભયંકર ત્રાસવાદી હુમલા કર્યા હતા. આ હુમલાને લીધે અત્યાર સુધી અજેય અને અપરાજિત ગણાતા ઈઝરાયલની પ્રતિષ્ઠાને મોટી ક્ષતિ પહોંચી હતી. સ્તબ્ધ થઈ ગયેલા ઈઝરાયલે વેરની વસૂલાત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (આઈડીેએફ)એ ઘોષણા કરી કે જ્યાં સુધી હમાસના દરેક આતંકવાદીને મૃત્યુમુખી નહીં કરીએ ત્યાં સુધી એ જંપીને બેસશે નહીં. આજે આ યુદ્ધને ત્રણ મહિના થઈ ગયા છે અને બન્નેે પક્ષે મોટી ખુવારી થઈ છે. અનેક નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે.

પેલેસ્ટાઈનમાં તો માનવીય કટોકટી ઊભી થઈ છે. અનેક મહિલા અને બાળકોનાં મરણ થયાં છે. લાખો લોકો બેઘર થયા છે. લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. ઉત્તર ગાઝા પટ્ટીમાં હમાસનો સફાયો કરવાનો દાવો કરનાર ઈઝરાયલે હવે દક્ષિણ ગાઝા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઈઝરાયલ અમેરિકામાં કહ્યામાં પણ રહ્યું નથી. યુદ્ધની તીવ્રતા, પરિમાણ અને વિસ્તાર વધતો જાય છે. અમેરિકા ઈઝરાયલ પર લગામ તાણવાના પ્રયાસમાં સફળ થયું નથી. અમેરિકાના વિદેશપ્રધાન એન્ટોની બ્લિનકન મધ્યપૂર્વમાં ડેરો નાખીને બેઠા છે. અમુક નિષ્ણાતો કહે છે કે આ યુદ્ધમાં ભડકો થશે તો આ ત્રીજા વિશ્ર્વયુદ્ધમાં પરિવર્તિત થઈ શકે. વિશ્ર્વ આ અગાઉ લગભગ બે વર્ષથી ચાલતા રશિયા અને યુક્રેનના યુદ્ધથી ત્રાહિમામ પોકારી ગયું છે. ઈઝરાયલના અકક્ડ વલણથી અમેરિકાના મિત્રો સાઉદી અરેબિયા, ઈજિપ્ત, કુવૈત અને સંયુકત આરબ અમીરાત જેવા દેશો પર પણ દબાણ આવ્યું છે. ઈરાન અને લેબેનોનના આતંકવાદી જૂથ પેલેસ્ટાઈન અને હમાસને મદદ કરી રહ્યા છે. રાતા સમુદ્રમાંથી પસાર થઈ રહેલી શિપ પર હાઉડી જેવાં આતંકવાદી જૂથો હુમલો કરી રહ્યા છે.

લેબેનોનમાં હિજબુલ્લાનો સિનિયર કમાન્ડર વિસામ તવીલ ઈઝરાયલના હુમલામાં માર્યા જતાં તંગદિલી ફેલાઈ છે. આને લીધે એવી ચિંતા ઉદ્ભવી છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ ભીષણ બનશે.

પેલેસ્ટાઈન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે યુદ્ધ શરૂ થયું ત્યારથી ગાઝામાં ૨૨,૭૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે. ૫૭,૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. હજારો લોકો લાપતા છે અને તેમના પણ મરણ થયા હોવાનું મનાય છે.

ઈઝરાયલ લશ્કરી અધિકારીઓ કહે છે કે દેશના જમીની ઓપરેશનમાં ૧૭૦ સૈનિકો માર્યા ગયા છે. અગાઉ સાત ઓક્ટોબરના હમાસના આતંકવાદી હુમલામાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૪૦ લોકોને બાન તરીકે બંદી બનાવવામાં આાવ્યા છે. અમેરિકાના વિદેશપ્રધાન એન્ટોની બ્લિનકન યુદ્ધ ન વકરે એ માટે સાઉદી અરેબીયા, જોર્ડન, ઈજિપ્ત, કતાર વગેરે આરબ દેશો સાથે સતત મંત્રણા કરી રહ્યા છે. અમેરિકાએ આરબોને શાંત પાડવા કહ્યું છે કે વેસ્ટ બૅન્ક અને ગાઝામાંથી પેલેસ્ટાઈનને બળજબરીપૂર્વક હાંકી કાઢવામાં આવે એનું અમેરિકા વિરોધી છે અને તે સ્વતંત્ર પેલેસ્ટાઈન દેશ માટે કટિબદ્ધ છે. બીજી બાજુ આરબ દેશો આ આક્રમણને તત્કાળ અટકાવવા પર ભાર મૂકી રહ્યા છે. આ દેશો કહે છે કે પેલેસ્ટાઈનને માનવ સહાયની તાતી જરૂર છે અને નિર્દોષ નાગરિકો પર થતા હુમલા તત્કાળ અટકાવવા જોઈએ. બ્લિનકન સાત ઓક્ટોબરથી મિડલ ઈસ્ટની ચાર મુલાકાત લઈ ચુક્યા છે. બ્લિનકેન યુદ્ધને ગાજાપટ્ટી સુધી સીમિત રાખવા અને લેબેનોન અને રાતા સમુદ્રની ઘેરી કટોકટીનું નિવારણ લાવવા માગે છે. બ્લિનકને કહ્યું છે કે અમે યુદ્ધનો પ્રસાર ન થાય એની તકેદારી લઈ રહ્યા છે. અમે અમારા સાથીદારોને અપીલ કરી છે કે તેઓ પણ પોતાની વગ વાપરે જેથી યુદ્ધમાં ભડકો ન થાય. તેમણે કહ્યું હતું કે અમેરિકા ગાઝામાં માનવ સેેવા આપવા અને નાગરિકોના મરણ અટકાવવા કટિબદ્ધ છે. તેમણે સ્વીકાર્યું છે કે અનેક પેલેસ્ટાઈનોના મૃત્યુ થયાં છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસે હમાસ સામેના યુદ્ધનો નવો તબક્કો શરૂ કર્યો છે. ઈઝરાયલ તેના હેતુને પણ વારંવાર બદલી રહ્યું છે. ઈઝરાયલને ખબર છે કે તે ફક્ત હમાસની લડવાની ક્ષમતાને ઘટાડી શકે એમ છે. ઈઝરાયલે હમાસના હજારો યોદ્ધાને મારી નાખ્યા છે અને આ જૂથની ટનલ નેટવર્ક તોડી નાખી છે.

જોકે યુદ્ધના અંતનો કોઈ અણસાર નથી. ઈઝરાયલનું ચાલે તો આખું ૨૦૨૪ વર્ષ સુધી યુદ્ધને ખેંચી જાય, પરંતુ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ દબાણનો સામનો કરી રહ્યા છે. હમાસના નેટવર્કનો સંપૂર્ણ નાશ કદી શક્ય બનવાનો નથી.

હમાસના આતંકવાદી હુમલાને લીધે ઇન્ટેલિજન્સ ફેલ્યોર એટલે કે ગુપ્તચર ખાતાની વિફળતાના આરોપનો સામનો કરી રહેલા નેતન્યાહુ માને છે કે યુદ્ધ જેટલું લંબાશે એટલી વધારે વાર તેમને સત્તામાં રહેવા મળશે. જો કે તેમની આ આશા ઠગારી નિવડશે અને આમાં તેઆ ેતો ડૂબશે, પરંતુ સાથે અમેરિકા અને પ્રમુખ જૉ બાઈડેનને પણ ડૂબાડશે. અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે અને પ્રમુખ જૉ બાઈડેનની લોકપ્રિયતા તળિયે જતી રહી છે. ઈઝરાયલ પર ૧૬ વર્ષથી શાસન કરી રહેલા નેતન્યાહુ ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. તેઓ ખીચડી સરકાર ચલાવી રહ્યા છે અને તેમના બે પ્રધાનો બેઝાલેલ સ્મોટ્રિચ અને ઈટામાર બેન-ગ્વીર અતીશય જમણેરી છે અને આ બે અમેરિકાની કોઈ દરખાસ્ત માનતા નથી. જો આ બે પ્રધાનો પ્રધાનમંડળ છોડી દે તો નેતન્યાહુની સરકારનું પતન થઈ જાય. બીબીના હુલામણા નામે ઓળખાતા નેતન્યાહુ જેટલું યુદ્ધ લંબાવશે એટલું અમેરિકા સાથેનું તેમનું ઘર્ષણ વધશે. કોલેજિયમ સિસ્ટમને રદ કરવાનો તેમનો કાયદો સુપ્રીમ કોર્ટે રદ કરી નાખ્યો છે. નેતન્યાહુના બે જીદી પ્રધાનો પેલેસ્ટાઈનને ગાઝાપટ્ટીમાંથી જ દૂર કરવા માગે છે જેને માટે અમેરિકા કદી તૈયાર નહીં થાય. અમેરિકા ઈચ્છે છે કે ઈઝરાયલ પેલેસ્ટાઈન ઓથોરિટીની વેરાની આવક પેલેસ્ટાઈનને આપે, પરંતુ ઈઝરાયલ આ માટે તૈયાર થતું નથી.

અમેરિકાને ખબર જ નથી પડતી કે દેશ કોણ ચલાવે છે. નેતન્યાહુની લાચારી પણ ઈઝરાયલીઓને ગમતી નથી. જેવું યુદ્ધ શમી જશે કે ઈઝરાયલના લોકો નેતન્યાહુને જાકારો આપશે.
વિવાદનું મૂળ
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષની શરૂઆત પ્રથમ વિશ્ર્વયુદ્ધથી થઈ હતી. ઓટોમન એટલે કે ઉસમાની સામ્રાજયની હાર બાદ બ્રિટને પેલેસ્ટાઈન પર કબજો જમાવ્યો. પેલેસ્ટાઈનમાં યહૂદી લઘુમતીમાં અને આરબ બહુમતીમાં હતા. આંતરરાષ્ટ્રીય સમુદાયે બ્રિટનને યહુદી મધરલૅન્ડ બનાવવાનું કામ સોંપ્યું. ૧૯૪૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘે પેલેસ્ટાઈનને યહૂદી અને આરબના બે દેશમાં વિભાજિત કરવાનો ઠરાવ મંજૂર કર્યો. યહૂદી નેતૃત્વે આ પ્રસ્તાવ સ્વીકાર્યો, પરંતુ આરબ નેતાઓએ આને ઠુકરાવી દીધો. ૧૪ મે ૧૯૪૮માં ઈઝરાયલ દેશ અસ્તિત્વમાં આાવ્યો. આજ વર્ષે અનેક આરબ દેશોએ ઈઝરાયલ પર હુમલો કર્યો. જોકે આમાં ઈઝરાયલનો વિજય થયો અને ઈઝરાયલે સાડાસાત લાખ પેલસ્ટાઈનીઓને ખદેડી દીધા અને તેમને પડોશી આરબ દેશોમાં શરણ લેવાની ફરજ પાડી. ૧૯૪૮ના જંગમાં પેલેસ્ટાઈનના મોટા હિસ્સા પર ઈઝરાયલે કબજો જમાવ્યો. પેલેસટાનના બે ક્ષેત્ર બન્યા-વેસ્ટ બૅન્ક અને ગાઝાપટ્ટી. ગાઝાપટ્ટીમાં ૨૦ લાખ પેલેસ્ટાઈન અને વેસ્ટ બૅન્કમાં ૩૦ લાખ પેલેસ્ટાઈનીઓ રહે છે. વેસ્ટ બૅન્કમાં અનેક યહૂદી પવિત્ર સ્થળો છે. યેરુસેલમ વિવાદના કેન્દ્રમાં છે. આરબ અને ઈઝરાયલની ઓળખાણ, સંસ્કૃતિ અને ઈતિહાસ યેરુસેલમ સાથે જોડેલા છે. ત્યાં અલ-અક્સા મસ્જિદ છે જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે. યહૂદીઓ તેમનું ટેમ્પલ માઉન્ટ અહીં હોવાનો દાવો કરે છે. આની નજીક જ ઈશુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવામાં આવ્યા હોવાથી ખ્રિસ્તી માટે પણ આ પવિત્ર સ્થળ છે. ૧૯૭૦ના દસકમાં પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશને યાસીર અરાફતની આગેવાનીમાં પેલેસ્ટાઈનના હક્કો માટેની લડાઈ શરૂ કરી. ૧૯૯૩માં પીએલઓ અને ઈઝરાયલ વચ્ચે ઓસ્લો શાંતી સંધિ થઈ.

૧૯૮૭માં પેલેસ્ટાઈનના વિદ્રોહ દરમ્યાન હમાસ એટલે કે હરકત અલ મુકાવામા અલ -ઈસ્લામિયાનો ઉદય થયો. આની સ્થાપના ૧૨ વર્ષની વયથી વ્હિલચેર પર રહેલા શેખ અહમદ યાસીને કરી. એક વર્ષ બાદ હમાસે પોતાનું ચાર્ટર રજૂ કર્યું. આમાં ઈઝરાયલને નેસ્તનાબૂદ કરીને ઈસ્લામી સમાજની સ્થાપના કરવાની વાત છે. હમાસે ઓસ્લો સમજૂતીની ટીકા કરી. ૧૯૯૭માં અમેરિકાએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. ૨૦૦૦ના દસકમાં હમાસનું આંદોલન હિંસક બન્યું. ૨૦૦૫માં ઈઝરાયલે ગાઝાપટ્ટી છોડ્યા બાદ હમાસે એના પર કબજ જમાવ્યો.

હમાસના મુખીયા ઈસ્માઈલ હાનિયેહ છે. ઈસ્માઈલ કતારમાં રહીને કમાન સંભાળે છે. હમાસને મુખ્ય ટેકો ઈરાનનો છે. ઈરાન દર વર્ષ હમાસને ૧૦૦ મિલિયન ડૉલરની મદદ કરે છે. ઈરાનમાં અનેક બેઠકો બાદ હમાસે ઈઝરાયલ પર તાજેતરનો આતંકવાદી હુમલો કર્યો હતો. અંતમાં અમેરિકા ઈઝરાયલને કાબૂમાં નહીં રાખે અને ઈઝરાયલ યુદ્ધને વિસ્તારશે તો આનો ફાયદો ઈરાન અને બીજા કટરપંથી મુસ્લિમ દેશો ચીન અને રશિયાની મદદથી લેશે. જો આમ થશે તો આ યુદ્ધનું સ્વરૂપ જ બદલાઈ જશે અને વિશ્ર્વમાં તબાહી મચી જશે.

નેતન્યાહુ મોદીના મિત્ર
ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર છે. હમાસનો હુમલો થયો કે તરત જ મોદીએ એક્સ પર પોસ્ટ લખીને ઈઝરાયલને ટેકો આપ્યો હતો. જોકે આરબ દેશોના ઘેરા પ્રત્યાઘાતને લીધે ભારતે ઉત્તરોત્તર તેનું વલણ સમતોલ કર્યું હતું. ભારતે પેલેસટાઈનને સહાય પણ મોકલાવી છે. કારગિલ યુદ્ધમાં અમેરિકા ભારતને હથિયાર નહોતું આપતું ત્યારે ઈઝરાયલે ભારતને શસ્ત્રો આપ્યાં હતાં. હાલમાં માલદીવના વિવાદમાં પણ ઈઝરાયલે ભારતને ટેકો આપ્યો છે. ઈઝાયલે લક્ષદ્વીપને ટુરિસ્ટ સ્પોટ બનાવવામાં તમામ મદદ કરવાની ખાતરી આપી છે. ભારતના તત્કાલીન વડા પ્રધાન મોરારજી દેસાઈ હતા ત્યારે ઈઝરાયલે ભારત લોજિસ્ટિક સપોર્ટ આપે તો પાકિસ્તાનના અણુ મથકોને ઉડાડવાની ઓફર આપી હતી, પરંતુ ભારતે એ ઓફર સ્વીકારી નહોતી. ભારત અને ઈઝરાયલ સંરક્ષણ અને કૃષિ જેવાં અનેક ક્ષેત્રોમાં સહકાર ધરાવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત