આમચી મુંબઈ

મલબારહિલ જળાશયનું સમારકામ કે નવેસરથી બંધાશે? આગામી ૧૫ દિવસમાં નિર્ણય લેવાશે

નિષ્ણાતોની સમિતિના અંતિમ અહેવાલની રાહ જોવાઈ રહી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા મલબારહિલ રિઝર્વિયરનું સમારકામ કરવું કે પછી તેને નવેસરથી બાંધવું તેનો નિર્ણય નિષ્ણાતોની કમિટીના અંતિમ અહેવાલ બાદ જ લેવાશે. જોકે આ કમિટીએ તાજેતરમાં તેમનો વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, તે મુજબ જળાશયની હાલત સારી હોઈ કોઈ પણ હિસ્સાને તાત્કાલિક સમારકામની આવશ્યકતા નથી. અંતિમ રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી પાલિકા કોઈ પણ પ્રકારનો નિષ્કર્ષ કાઢવા માગતી નથી, પરંતુ સ્થાનિક વિધાનસભ્યના કહેવા મુજબ આઈકોનિક હેગિંગ ગાર્ડન જેમ છે તેમ જ રહેવાનું છે.

તાજેતરમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના આ અહેવાલમાં સમિતિના આઠમાંથી ચાર સભ્યોની સહી છે. સમિતિએ ડિસેમ્બરમાં બે વિઝિટ દરમિયાન મલબારહિલ રિઝર્વિયરના પાંચ કમ્પાર્ટમેન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પાંચેય કમ્પાર્ટમેન્ટના આંતરિક નિરીક્ષણના આધારે સભ્યોએ અવલોકન કર્યું હતુંં, જેમાં મોટાભાગે આ જળાશયનું સમારકામ પર જ ભાર આપવામાં આવ્યો છે.

સ્થાનિક વિધાનસભ્યના કહેવા મુજબ રિપોર્ટ મુજબ રિઝર્વિયરના કમ્પાર્ટમેન્ટ એક-સીના સમારકામની જરૂર છે. પરંતુ કેવી રીતે કરવું તે આગામી દિવસોમાં નક્કી કરાશે. પરંતુ જો કમ્પાર્ટમેન્ટ એક-સીનું સમારકામ કરવાની યોજના બનાવી તો નવી પાણીની ટાંકી બાંધવાની જરૂર પડશે અને તેને કારણે ૨૦થી ૩૦ વૃક્ષોને કાપવા પડી શકે છે.

નોંધનીય છે કે મલબારહિલ રિઝર્વિયરને તોડી પાડવા અને નવેસરથી બાંધવા માટેના પ્રોજેક્ટને કારણે ૩૮૯ વૃક્ષોને અસર થવાની હતી, જેમાંથી ૧૮૯ વૃક્ષોને કાપવાનો પ્રસ્તાવ હતો, તો ૨૦૦ વૃક્ષોનું પુન:રોપણ કરવામાં આવવાનું હતું.

આઠ નિષ્ણાત સભ્યની બનેલી સમિતિમાંથી ચાર સભ્યોએ અહેવાલમાં જણાવ્યું હતું કે હૅર્ગિંગ ગાર્ડનની નીચે રહેલું જળાશય એકંદરે ખૂબ જ સારી સ્થિતિમાં છે. તેથી આ રિઝર્વિયરને નવેસરથી બાંધવાની કોઈ આવશ્યકતા નથી.

સ્થાનિક નાગરિક અને વિધાનસભ્યોના આગ્રહ પર પાલિકાએ આઈઆઈટીના નિષ્ણાત, પાલિકાના ડેપ્યુટી કમિશનર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની બનેલી એક નિષ્ણાતોની કમિટિ બનાવવામાં આવી હતી. નિષ્ણાતોની સમિતિએ રિઝર્વિયરના ઈન્સ્પેકશન દરમિયાન કરેલા અભ્યાસ બાદ આંતરિક અહેવાલ આપ્યો હતો કે તાકીદનું સમારકામ આવશ્યક નથી. પરંતુ આ સમારકામ સમયસર કરવામાં આવે એ આવશ્યક છે.

જોકે જ્યાં સુધી અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી રાહ જોયા સિવાય કંઈ કહેવાય નથી. અંતરિમ અહેવાલ મુજબ તો મોટા સમારકામની જરૂર નથી. નાના સમારકામ પૂરતા છે. જોકે તેની માટે રિઝર્વિયરમાંથી ત્રણ-ચાર દિવસ માટે પાણીપુરવઠો બંધ કરવાની આવશ્યકતા રહેશે. રિઝિર્વિયરના મહત્ત્વને જોતા તેને લાંબા ગાળા માટે બંધ કરી શકાય નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button