એકનાથ શિંદે અપાત્ર થાય તો શું? અજિત પવાર મુખ્ય પ્રધાન બનશે કે પછી ફડણવીસ ચલાવશે કામચલાઉ સરકાર?
અધ્યક્ષના અપાત્રતા પિટિશન પરના ચુકાદા પહેલાં રાજ્યમાં રાજકીય ચર્ચાઓ જોરમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની મહાયુતી સરકાર માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો બુધવારે આવવાનો છે તે પહેલાં રાજ્યમાં સંભવિત ચુકાદા અને તેના પરિણામો અંગે ચર્ચા થઈ રહી છે. અત્યારે સૌથી પહેલી શક્યતા એવી માનવામાં આવી રહી છે કે અજિત પવારને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે, પરંતુ અન્ય કેટલાક રાજકીય વિષ્લેશકોનું માનવું છે કે અજિત પવારને જવાબદારી સોંપવામાં આવશે નહીં.
બુધવારે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિધાનસભ્યોની અપાત્રતા અંગેની પિટિશનનો ચુકાદો આપવાના છે ત્યારે રાજ્યની મહાયુતીની સરકાર સામે રહેલા પડકારો અંગે રાજકીય ચર્ચા થઈ રહી છે.
એકનાથ શિંદે અને 16 વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો રાજ્યના આગામી મુખ્ય પ્રધાન અંગે સૌથી પહેલી પસંદગી દેવેન્દ્ર ફડણવીસ બનશે એવો દાવો કેટલાક નિષ્ણાતો કરી રહ્યા છે, જ્યારે બીજા કેટલાક તેનું ખંડન કરતાં એમ કહી રહ્યા છે કે જો મુખ્ય પ્રધાન તરીકેની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ હોત તો એકનાથ શિંદેને સ્થાને તેમને જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હોત. મોવડીમંડળ પોતે જ આવી સંયુક્ત સરકારના મુખ્ય પ્રધાન તરીકે ફડણવીસને બેસાડવા માગતા નથી તેથી તેઓ મુખ્ય પ્રધાન બની શકશે નહીં.
મુખ્ય પ્રધાન તરીકેની બીજી પસંદગી અજિત પવાર બની શકે છે. અત્યાર સુધી બધા એમ જ માની રહ્યા છે કે એકનાથ શિંદેના જૂથ સામેની અપાત્રતાની પિટિશનની સુનાવણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સરકારની સ્થિરતા માટે એનસીપીમાં ભંગાણ પડાવવામાં આવ્યું હતું અને તે દૃષ્ટિએ શિંદેના વિકલ્પ તરીકે અજત પવારને જોવામાં આવતા હતા. આ ગણતરી જોવામાં આવે તો આગામી મુખ્ય પ્રધાનપદની પહેલી પસંદગી અજિત પવાર બની શકે છે. જોકે અન્ય કેટલાક રાજકીય નિષ્ણાતો આ બાબત સાથે સહમત નથી. છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે અજિત પવાર સતત એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ ભાજપની લાઈન પર ચાલતા નથી. નાગપુરમાં હેગડેવાર સ્મૃતિસ્થળ પર ન જવાનો નિર્ણય હોય કે પછી મુસ્લિમ આરક્ષણની માગણી હોય. મરાઠા કાર્યકર્તાઓને મળવા માટે પણ અજિત પવાર ગયા નહોતા, જ્યારે કે તેઓ ખુદ મરાઠા સમાજના જ છે. આમ તેઓ અનેક વખત સરકારથી વિમુખ હોવાનું દર્શાવતા હોય છે. આવી સ્થિતિમાં અજિત પવારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવી શક્યતા જ નથી.
આવી સ્થિતિમાં રાજ્યના મુખ્ય પ્રધાનના પદે કોણ આવશે એવી અટકળો થઈ રહી છે. નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કરેલા નિવેદનને ધ્યાનમાં લેવામાં આવે અને ગિરીશ મહાજને સોમવારે જળગાંવમાં કરેલા નિવેદન પર ધ્યાન અપાય તો મુખ્ય પ્રધાન પદે એકનાથ શિંદે ચાલુ રહેશે. જો શિંદેને વિધાનસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવશે તો તેઓ વિધાન પરિષદના સભ્ય તરીકે મુખ્ય પ્રધાન બની શકે છે. કેમ કે ગેરલાયક ઠર્યા બાદ તેઓ છ વર્ષ સુધી વિધાનસભાની ચૂંટણી લડી શકશે નહીં. આથી આ જ રસ્તો અપનાવીને તેમને જાળવી રાખવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.