પ્રભુ રામ અયોધ્યા પધારવાના છે ત્યારે રામનગરીને પણ નિકાસમાં મળી મોટી સફળતા….
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વડા પ્રધાન મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધઘાટન કરીને લોકો માટે ખુલ્લુ મૂકશે. ત્યારે હાલમાં મંદિરના નિર્માણ સાથે અયોધ્યાએ આર્થિક ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે. હાલમાં જ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અયોધ્યાથી નિકાસ સતત વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં અયોધ્યાથી વિવિધ પ્રદેશોમાં 254 કરોડ રૂપિયાના માલની નિકાસ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2021-22માં અયોધ્યાથી 110 કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022-23માં અયોધ્યાથી નિકાસમાં 150 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથના પ્રયાસોએ અયોધ્યાને આર્થિક રીતે ઘણું સમૃદ્ધ બનાવ્યું છે. એક તરફ અયોધ્યાને સોલાર સિટી તરીકે નવી ઓળખ આપવામાં આવી રહી છે, તો બીજી તરફ નિકાસના મામલે પણ અયોધ્યાએ ટેક ઓફ કર્યું છે. અયોધ્યામાંથી આ વર્ષે કોલસાની સૌથી વધુ નિકાસ કરવામાં આવી છે, જ્યારે વિવિધ પ્રકારના કાગળો અને આયુર્વેદિક દવાઓની નિકાસ પણ વધી છે. વર્ષ 2022-23માં રામનગરીમાંથી કુલ રૂ. 94.42 કરોડના કોલસાની કોલસાની નિકાસ કરવામાં આવી છે.
આ ઉપરાંત વર્ષ 2022-23માં અયોધ્યામાંથી 44.56 કરોડ રૂપિયાના ક્રાફ્ટ પેપર અને પેપર બોર્ડ અને 1.7 કરોડ રૂપિયાના પોસ્ટર પેપરની નિકાસ કરવામાં આવી છે. આ જ સમયગાળા દરમિયાન, રૂ. 3.18 કરોડની આયુર્વેદિક દવાઓ મોકલવામાં આવી છે, જ્યારે રૂ. 2.76 કરોડના ચોખાની પણ નિકાસ કરવામાં આવી છે. આ ઉપરાંત 3.12 કરોડ રૂપિયાના વુડ પલ્પ બોર્ડની નિકાસ કરવામાં આવી છે અને 3.24 કરોડ રૂપિયાની બેકરી મશીનરી બહાર મોકલવામાં આવી છે.
ગ્લોબલ ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સમાં પણ અયોધ્યાને મોટા પ્રમાણમાં રોકાણની દરખાસ્તો મળી હતી. આ ઉપરાંત આ શહેરમાં હોટલ અને ગેસ્ટ હાઉસ બનાવવા માટે ભારત અને વિદેશની જાણીતી કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે. સૌર ઉર્જા ક્ષેત્રે અયોધ્યામાં 40 મેગાવોટનો પ્લાન્ટ છેલ્લા એક વર્ષમાં જ પૂરો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુપીમાં આયોજિત ઇન્વેસ્ટર સમિટમાં અયોધ્યાને 49,000 કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી.