બોલો, આખરે સલમાન ખાને કહી જ દીધું કે ક્યારે કરશે લગ્ન?
બોલીવૂડમાં દબંગ સ્ટાર સલમાન ખાનના લગ્ન એ એવરગ્રીન મુદ્દો છે. 58 વર્ષેય હજી ફેન્સ તેમનો લાડકો સ્ટાર ક્યારે ઘોડી ચઢશે? હવે ભાઈજાને ખુદ લગ્ન બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાલમાં જ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા અને એવા સમયે સલમાન જ્યારે લગ્નને લઈને જાહેરાત કરે તો ફેન્સ ચોક્કસ જ તેને ગંભીરતાથી લેશે.
સલમાન ખાને રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં ખુદ પોતાના લગ્નને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં પણ સલમાન પોતે ક્યારે અને ક્યાં લગ્ન કરશે એ વિશે પણ વાત કરી હતી. સલમાને હાલમાં જ વીકએન્ડ કા વાર પર બોલીવૂડ એક્ટ્રેસ તબ્બુની સામે આ ખુલાસો કર્યો હતો.
એપિસોડમાં ઘણી બધી મજેદાર વાતો કરતાં કરતાં સલમાન ખાને લગ્ન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને શોમાં જ ભાગ લઈ રહેલાં સ્પર્ધક વિકી જૈન અને અંકિતા લોખંડે વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેમણે ઘણી વખત સાત ફેરા લીધા છે અને વિકી અને અંકિતાએ તો બિગ બોસમાં એન્ટ્રી લેતાં પહેલાં પણ સાત ફેરા લીધા હતા…
સલમાને લગ્નનો વિષય કાઢ્યો એટલે વિકીએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે ભાઈ (સલમાન ખાન)એ વિચાર કર્યો કે હું તો નથી કરી શકતો લગ્ન પણ તમે લગ્ન કરી લો… વિકીની આ કમેન્ટ પર તબ્બુએ કહ્યું કે અમે નહીં કરીએ લગ્ન. અમારા જીવનના સાત ફેરા અમે બીજા લોકો પાસેથી ફરાવડાવીએ છીએ. તમારા લોકોના લગ્ન થઈ ગયા છે, પણ અમારા બાકી છે.
તબ્બુની આ કમેન્ટ પર સલમાન ખાને જણાવ્યું હતું કે અમે લોકોએ વ્હીલચેર પર લગ્ન કરીશું અને સીધા અગ્નિમાં પ્રવેશ કરીશું. લગ્નને લઈને સલમાનનો આ ખુલાસો સાંભળીને બધા લોકો ખડખડાટ હસી પડ્યા હતા. પણ હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ માત્રને માત્ર સલમાન ખાનની જ ચર્ચા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને તબ્બુ બંને અપરિણિત છે.