થોડા વર્ષો પહેલાં આંગળીને વેઢે ગણાય એટલા દેશો ક્રિકેટ રમતા હતા, પરંતુ આ મહાન રમતને વિશ્ર્વના બનેએટલા દેશોમાં ફેલાવવાનો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નો જે વર્ષોથી આશય રહ્યો છે એનો ફાયદો પીએમ નરેન્દ્ર મોદી અને ભારતની જનતા વિશે અણછાજતી ટિપ્પણીઓ કરીને તેમ જ લક્ષદ્વીપ ટાપુના મુદ્દે ભારત સાથે વિવાદમાં ઊતરેલા ટચૂકડા માલદીવ દેશને પણ થઈ ચૂક્યો છે.
વાત એવી છે કે માલદીવમાં પણ ક્રિકેટ રમાય છે. કેમ ન રમાય! ભારત જેવો દેશ કે જ્યાં 140 કરોડમાંથી 95 ટકા લોકો માટે ક્રિકેટની રમત પૂજનીય હોય એના પાડોશી દેશમાં ક્રિકેટ ન રમાય તો જ નવાઈ કહેવાય. તમે નહીં માનો, પણ માલદીવ છેક 1996માં (28 વર્ષ પહેલાં) પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યું હતું.
એટલું જ નહીં, માલદીવના ક્રિકેટરો એક ઇન્ટરનૅશનલ ટ્રોફી પણ જીતી ચૂક્યા છે. 2010માં ક્રિકેટના નાના દેશો વચ્ચે એક ટુર્નામેન્ટ રમાઈ હતી જેની ફાઇનલમાં માલદીવે સાઉદી અરેબિયાને એક વિકેટે હરાવ્યું હતું.
ઉમર ઍડમ માલદીવની ક્રિકેટ ટીમનો કૅપ્ટન છે અને ઇમાદ ઇસ્માઇલ કોચ છે. માલદીવ પાસે મહિલાઓની પણ ક્રિકેટ ટીમ છે. માલદીવ ભલે આઇસીસીના રૅન્કિંગમાં છેક 81મા નંબરે છે, પણ 1996થી માંડીને અત્યાર સુધીમાં એ એશિયન ક્કિેટ કાઉન્સિલ (એસીસી)ની દરેક મુખ્ય ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યું છે. હા, માલદીવના પ્લેયરો ક્યારેય એ સ્પર્ધાના પહેલા રાઉન્ડથી આગળ નથી જઈ શક્યા, પણ ત્યાં તેમના દેશમાં ક્રિકેટનો ક્રેઝ ધીમે-ધીમે વધતો તો જાય જ છે. 2017માં માલદીવને આઇસીસીએ એસોસિયેટ મેમ્બર બનાવ્યું હતું. એના સહિત કુલ 96 દેશ આઇસીસીના એસોસિયેટ રાષ્ટ્રોના લિસ્ટમાં છે.