વિધાન સભ્યોની અયોગ્યતાના ચૂકાદા પૂર્વે ઉદ્ધવ ઠાકરે જૂથ પહોંચ્યું SC
મુંબઇઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે આજે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. ઉદ્ધવ જૂથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સ્પીકર રાહુલ નાર્વેકરની બેઠક સામે વાંધો વ્યક્ત કર્યો છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે વિધાન સભ્યોની ગેરલાયકાત પર નિર્ણય આપતા પહેલા સ્પીકરે સીએમને મળે એ વાત ખોટી છે.
7 જાન્યુઆરીએ સ્પીકર અને સીએમની મુલાકાત થઈ હતી. શિંદે સમર્થક વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો સ્પીકરનો નિર્ણય આવતીકાલે આવવાનો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર 10 જાન્યુઆરીએ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અન્ય ઘણા વિધાન સભ્યો સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર પોતાનો નિર્ણય જાહેર કરશે.
એકનાથ શિંદેના નેતૃત્વમાં વિધાન સભ્યોના બળવાને કારણે જૂન 2022માં શિવસેનામાં વિભાજન થયું હતું અને રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર પડી ગઇ હતી. ત્યાર બાદ શિંદે અને ઠાકરે જૂથ દ્વારા એકબીજા સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહીની માગ કરતી અરજીઓ કરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2023 નક્કી કરી હતી, પરંતુ તેના થોડા દિવસ પહેલા 15 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે 10 દિવસનો સમયગાળો લંબાવીને 10 જાન્યુારીની નવી તારીખ નક્કી કરી હતી.
ચૂંટણી પંચે શિંદેની આગેવાની હેઠળના જૂથને ‘શિવસેના’ અને ‘તીર ધનુષ’નું ચૂંટણી પ્રતીક આપ્યું હતું. ઠાકરેની આગેવાની હેઠળના જૂથને શિવસેના (UBT) નામ આપવામાં આવ્યું હતું અને તેનું ચૂંટણી પ્રતીક ‘જલતી મશાલ’ હતું.