નેશનલ

લોકસભા 2024ઃ શું આપને કૉંગ્રેસ ગુજરાત, હરિયાણા અને ગોવા જેવા રાજ્યમાં બેઠક આપશે?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં વ્યસ્ત ઈન્ડિયા મહાગઠબંધનના બે પક્ષો પોતપોતાની રીતે અલગ બેઠક કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે દિલ્હી ખાતે એટલા માટે બેઠક થઈ હતી કે બન્ને એકબીજાની બેઠકો માગી રહ્યા છે. અગાઉ આ ગઠબંધનના નેતાઓએ નક્કી કર્યું હતું કે જે રાજ્યમાં કે જે બેઠક પર જે પક્ષ મજબૂત હોય ત્યાં તેને પ્રાધાન્ય આપવામાં આવે. જોકે પ્રાદેશિક પક્ષો માટે આ શક્ય નથી કારણ કે તેમની હાજરી વધીને એક કે બે રાજ્યમા હોઈ શકે. જોકે આ બધા વચ્ચે પણ બેઠકોની વહેંચણીની વાટાઘાટો ચાલી રહી છે. આ અનુસંધાનમાં આપ અને કૉંગ્રેસ વચ્ચે દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત અને ગોવા એમ પાંચ રાજ્યની બેઠક માટે ચર્ચા થઈ હતી. મળતી માહિતી અનુસાર આપે કૉંગ્રેસ પાસેથી ગુજરાત, ગોવા અને હરિયાણામાં અનુક્રમે એક અને ત્રણ બેઠક માગી છે.

દિલ્હીની વાત કરીએ તો ત્યાં આપની સરકાર છે. અહીં લોકસભાની સાત બેઠક છે. 2019માં અહીં તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી અને કૉંગ્રેસ અને આપને અનુક્રમે 22 અને 18 ટકા મત મળ્યા હતા. અહીં આપે કૉંગ્રેસને ત્રણ બેઠક પર લડવા જણાવ્યું છે. જ્યારે પંજાબમાં પણ આપની સરકાર છે. અહીંની 13 બેઠકમાંથી કૉંગ્રેસને છ બેઠકની ઓફર આપી છે. જ્યારે હરિયાણાની 10 બેઠકમાંથી આપે ત્રણ ગોવાની બેમાંથી એક અને ગુજરાતની 26માંથી એક બેઠક આપે કૉંગ્રેસ પાસે માગી છે. આ ત્રણેય રાજ્યોમાં આપની હાજરી નથી. ગુજરાતની વાત કરીએ તો તમામ 26 બેઠક બે ટર્મથી ભાજપ જીતી રહ્યો છે અને કૉંગ્રેસ ખાલી હાથ છે. અહીં બે દિવસ પહેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આવ્યા હતા અને ડેડિયાપાડા વિધાનસભાના સભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભાની બેઠકના ઉમેદાવાર જાહેર કરી ગયા છે. વસાવા આ બેઠક પર જીત મેળવવા સક્ષમ માનવામાં આવે છે, જોકે હાલમાં જેલમાં છે.

જોકે આપ કે કૉંગ્રેસે આ મામલે કોઈ ફોડ પાડ્યો નથી પણ જાણકારોના જણાવ્યા અનુસાર બન્ને માટો સોદો ખોટો નથી. દિલ્હી અને પંજાબમાં આપ મજબૂત છે જ્યારે હરિયાણામાં બન્ને પક્ષ મળશે તો સારું પરિણામ આવશે. આ સાથે ગુજરાતમાં આમ પણ કૉંગ્રેસના હાથમાં કંઈ નથી. આ સાથે મોદી-શાહનો ગઢ હોવાથી ગુજરાતમાં કૉંગ્રેસ એક બેઠક ઓછીવધુ રાખે તેનાથી ફરક પડતો નથી. હવે આ પાંચ રાજ્યો માટે ફરી કૉંગ્રેસ અને આપ વચ્ચે બેઠકનો બીજો દૌર થશે, તે પરથી લાગી રહ્યું છે કે બન્ને સકારાત્મક રીતે એકબીજાની ઓફર અંગે વિચાર કરી રહ્યા છે. આ પાંચ રાજ્યોમા તેમના અન્ય સાથીપક્ષોની ખાસ કોઈ અપેક્ષા હોય તેમ જણાતું નથી, છતાં આટલા બધા પક્ષ વચ્ચે ક્યારે કઈ વાતે છેટૂ પડે તે કહેવાય નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button