નેશનલ

Rishikesh Accident: ઋષિકેશમાં માર્ગ અકસ્માત, વન વિભાગના અધિકારીઓ સહીત 4ના મોત, વાઈલ્ડલાઈફ વોર્ડન ગુમ

ઋષિકેશ: સોમવારે ઉત્તરાખંડના ઋષિકેશમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઋષિકેશમાં ચિલ્લા નહેર પાસે વાહન એક ઝાડ સાથે અથડાતાં બે વન અધિકારીઓ સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને વાઈલ્ડલાઈફના વોર્ડન ગુમ થઈ ગયા છે. લક્ષ્મણ ઝૂલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં વન રેન્જર્સ શૈલેષ ઘિલડિયાલ અને પ્રમોદ ધ્યાનીનો સમાવેશ થાય છે, જ્યારે રાજાજી ટાઈગર રિઝર્વના વાઈલ્ડલાઈફના વોર્ડન આલોકી દેવી કેનાલમાં પડી ગયા હતા અને જેમનો પતો હજુ લાગ્યો નથી. ચિલ્લા ફોરેસ્ટ કોલોનીના ડ્રાઈવર સૈફ અલી ખાન અને અન્ય એક વ્યક્તિ, કુલરાજ સિંહ પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

મળતી માહિતી મુજબ સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે પાર્કની ચિલ્લા રેન્જમાં ઇન્ટરસેપ્ટર વાહનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પાર્ક પ્રશાસનને પેટ્રોલિંગ કરવામાં અને પ્રાણીઓને બચાવ માટે આ વાહન મળ્યું હતું. વાઈલ્ડલાઈફ વોર્ડન આલોકી, ફોરેસ્ટ રેન્જ ઓફિસર શૈલેષ ઘિલડીયાલ, ફોરેસ્ટ રેન્જ ઓફિસર પ્રમોદ ધ્યાની, ડોક્ટર રાકેશ નૌટિયાલ ઉપરાંત કુલરાજ સિંહ, હિમાંશુ ગોસાઈ, સૈફ અલી ખાન, અંકુશ, અમિત સેમવાલ અને અશ્વિન બીજુ ટ્રાયલ માટે વાહનમાં સવાર થયા હતા. વાહન ચિલ્લાથી ઋષિકેશ તરફ આવી રહ્યું હતું.


ચિલ્લા પાવર હાઉસથી થોડે દૂર વાહન અચાનક બેકાબુ થઈને ઝાડ સાથે અથડાયું હતું અને બાદમાં ચિલ્લા શક્તિ કેનાલના પરફાઈટ સાથે અથડાયું, ઝાડ સાથે અથડાતા કેટલાક લોકો પટકાયા અને ખીણમાં પડ્યા. વાહનમાં સવાર વન્યજીવ રક્ષક આલોકી કેનાલમાં પડી ગયા હતા. વાહનની પાછળ ચાલતા અન્ય વાહનના લોકોએ પોલીસ અને પાર્ક પ્રશાસનને જાણ કરી હતી. બચાવ કામગીરી પણ શરૂ કરી હતી.


પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને ખીણમાંથી બહાર કાઢ્યા અને સારવાર માટે એઈમ્સમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ મૃતક શૈલેષ ઘિલડિયાલ (રેન્જ ઓફિસર), પ્રમોદ ધ્યાની (ડેપ્યુટી રેન્જર), સૈફ અલી ખાન, કુલરાજ સિંહને મૃત જાહેર કર્યા હતા.


વન્યજીવન રક્ષક આલોકી ગુમ છે. તેમને શોધવા માટે એસડીઆરએફ જિલ્લા શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કુલરાજ સિંહ અને અંકુશ એક વાહન મેન્યુફેક્ચરિંગ કંપનીના કર્મચારી હતા. તે બંને વાહનનું ટ્રાયલ કરાવતા હતા. નેશનલ પાર્ક પ્રશાસનને ગઈ કાલે જ વાહનનું મળ્યું હતું. વાહન ઇલેક્ટ્રિક હતું. આ વાહન બેંગ્લોર સ્થિત કંપનીનું હતું. વાહન હજુ રજીસ્ટર થયું ન હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button