Franz Beckenbauer: જર્મનીને વિશ્વ ચેમ્પિયન બનાવનાર મહાન ફૂટબોલરનું નિધન, જાણો તેમની સિદ્ધિઓ વિષે
જર્મનીના મહાન ફૂટબોલ ખેલાડી ફ્રાન્ઝ બેકનબાઉર નથી રહ્યા. 78 વર્ષની વયે રવિવારે ઊંઘમાં જ તેમનું અવસાન થયું હતું. 1974માં જ્યારે પશ્ચિમ જર્મની નેધરલેન્ડને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે બેકનબાઉર તે ટીમના કેપ્ટન હતા. 1990માં જ્યારે જર્મની લોથર મેથિયાસની કેપ્ટનશીપ હેઠળ વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે બેકનબાઉર તે ટીમના મેનેજર હતા. ફ્રાન્ઝ બેકનબાઉરે ફૂટબોલર અને મેનેજર તરીકે પાંચ વર્લ્ડ કપમાં હાજરી આપી હતી, જેમાંથી ચારમાં પશ્ચિમ જર્મની ફાઇનલમાં હતું, બે વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તેણે 1972માં પશ્ચિમ જર્મની સાથે યુરોપિયન ચેમ્પિયનશિપ પણ જીતી હતી.
બેકનબાઉરે 1966ના વર્લ્ડ કપમાં ચાર ગોલ કર્યા હતા. 1970ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પશ્ચિમ જર્મની અને ઇટાલી વચ્ચેની મેચને મેચ ઓફ ધી સેન્ચ્યુરી તરીકે વર્ણવવામાં આવી હતી. આ દરમિયાન બેકનબાઉરના ખભાના સ્નાયુમાં દુખાવો શરુ થયો હતો. બેકનબાઉર હાથની પટ્ટી બાંધીને મેચ રમ્યા હતા. જોકે, જર્મની 3-4થી હારી ગયું હતું. આ સુપ્રસિદ્ધ જર્મન ફૂટબોલરે 1972 અને 1976માં બે વખત વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરનો બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો હતો.
બેકનબાઉરને ડેર કૈસર અથવા ‘ધ એમ્પરર’ના ઉપનામથી ઓળખવામાં આવે છે. બેકનબાઉરને સર્વકાલીન મહાન ડિફેન્ડર્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે ડિફેન્સિવ મિડફિલ્ડમાં ક્લીન સ્વીપ કરવાની ક્ષમતા માટે જાણીતો હતો, તેથી તેને લિબેરો તરીકે પણ ઓળખવામાં આવતો હતો.
બેકનબાઉરે તેની કારકિર્દીમાં પશ્ચિમ જર્મની માટે 104 કેપ્સ અને બેયર્ન મ્યુનિક માટે 400 થી વધુ કેપ્સ જીતી હતી. બેકેનબાઉર 1964 અને 1977 વચ્ચે બાવેરિયન ક્લબ માટે રમ્યા હતા. આ 13 વર્ષોમાં, 1973/74, 1974/75 અને 1975/76 માં, તે બેયર્ન ટીમનો ભાગ હતા જેણે યુરોપિયન કપ ટાઇટલની હેટ્રિક જીતી હતી, જે હવે UEFA ચેમ્પિયન્સ લીગ તરીકે ઓળખાય છે. તેઓએ 1966/67માં એક ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ અને એક યુરોપિયન કપ વિનર્સ કપ સાથે પાંચ જર્મન લીગ ટાઇટલ અને પાંચ જર્મન કપ પણ જીત્યા હતા.
1986ના વર્લ્ડ કપની ફાઇનલમાં બેકનબાઉરના કોચીગ હેઠળ પશ્ચિમ જર્મનીની ટીમ મેરાડોનાના આર્જેન્ટિના સામે હારી ગઈ હતી, પરંતુ 1990ના વર્લ્ડ કપમાં મેરાડોનાની આર્જેન્ટિના ફરી એક વખત તેમની સામે હતી, આ વખતે બ્રેહમેના ગોલને કારણે પશ્ચિમ જર્મનીએ ટાઈટલ જીત્યું હતું.
બેકનબાઉરનો જન્મ સપ્ટેમ્બર 1945માં મ્યુનિકમાં એક મજૂર વર્ગના પરિવારમાં થયો હતો. તેઓ બાળપણથી 1860 મ્યુનિક ક્લબના ચાહક હતાતો, પરંતુ તેણે તેની કારકિર્દીની શરૂઆત બેયર્ન ક્લબની યુવા ટીમ સાથે કરી હતી. તેણે 1964માં લેફ્ટ વિંગર તરીકે ક્લબ માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ બાદમાં બેયર્ન ક્લબ તરફથી રમતી વખતે તે પશ્ચિમ જર્મની ટીમ માટે સેન્ટર-ફોરવર્ડ બન્યા. પછી તેણે સેન્ટ્રલ મિડફિલ્ડની ભૂમિકામાં રમવાનું શરૂ કર્યું અને ટીમ માટે સારું પ્રદર્શન કર્યું. 1968-69 સીઝનમાં, બેકનબાઉરને ક્લબનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે બેયર્ન ટીમનો મુખ્ય ખેલાડી બન્યો હતો. તેણે કેપ્ટન તરીકે તેની પ્રથમ સિઝનમાં ટોચનું ટાઇટલ જીત્યું હતું.
બેકનબાઉર એક મહાન ફૂટબોલરનો દરજ્જો ધરાવે છે. તેઓ તેમની કારકિર્દીના અંતિમ સમયમાં અમેરિકન ક્લબ કોસ્મોસ માટે મહાન પેલે સાથે પણ રમ્યો હતો.
બેકનબાઉર પર ભ્રષ્ટાચારનો આરોપ પણ હતો. જર્મનીને 2006ના વર્લ્ડ કપની યજમાનીમાં અપાવવામાં તેમનો હાથ હતો, પરંતુ તેના પર લાંચ આપીને યજમાની મેળવવાનો આરોપ લાગ્યો હતો. જો કે, 2016 માં, બેકનબાઉરે એક કૉલમમાં આ આરોપોને નકારી કાઢ્યા હતા.
2014 માં FIFA ના એથિક્સ કમિશન દ્વારા તેમના પર 90 દિવસ માટે કોઈપણ ફૂટબોલ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બાદમાં તપાસમાં સહકાર ન આપવા બદલ તેને સાત હજાર સ્વિસ ફ્રેંકનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ફિફાએ 2021માં આ તપાસ બંધ કરી દીધી હતી.