નવી દિલ્હી: શેખ હસીના ફરી એકવાર બાંગ્લાદેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300 બેઠકોમાંથી બે તૃતિયાંશ બેઠકો જીતી હતી. અમેરિકાએ વિપક્ષી પાર્ટી BNPના બહિષ્કાર વચ્ચે યોજાયેલી ચૂંટણીને મુક્ત અને ન્યાયી ગણાવી ન હતી. જ્યારે ભારતે બાંગ્લાદેશમાં શાંતિપૂર્ણ સામાન્ય ચૂંટણીની પ્રશંસા કરી હતી.
ભારતના ચૂંટણી પંચના ત્રણ સભ્યોના પ્રતિનિધિમંડળે સોમવારે બાંગ્લાદેશની સર્વોચ્ચ ચૂંટણી સંસ્થાની સાવચેતીપૂર્વક આયોજન અને તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીના શાંતિપૂર્ણ સંચાલન માટે પ્રશંસા કરી હતી. ત્યારે બીજી તરફ અમેરિકાએ હજારો રાજકીય વિપક્ષી સભ્યોની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આ ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી નથી. યુનાઇટેડ સ્ટેટ્સે ખેદ વ્યક્ત કર્યો કે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ એકતરફી ચૂંટણીમાં સતત ચોથી વાર જીત મેળવી છે. તેમના વિરોધીઓ દ્વારા બહિષ્કાર કરાયેલી ચૂંટણીમાં તેમની અવામી લીગ પાર્ટીએ સંસદની અડધાથી વધુ બેઠકો જીતી લીધી હતી. તેઓ પાંચમી વખત વડાપ્રધાન બનશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ કહે છે, ‘યુનાઈટેડ સ્ટેટ્સ અન્ય નિરીક્ષકો સાથે મત શેર કરે છે કે આ ચૂંટણીઓ મુક્ત કે ન્યાયી ન હતી. અમને એ વાતનો પણ ખેદ છે કે તમામ પક્ષોએ ભાગ લીધો ન હતો. અમે હજારો રાજકીય વિપક્ષી સભ્યોની ધરપકડથી ચિંતિત છીએ. ચૂંટણીના દિવસે ગેરરીતિના સમાચારોથી પણ ચિંતિત છીએ. અમેરિકાએ ચૂંટણી પહેલાના મહિનાઓ દરમિયાન થયેલી હિંસાની પણ નિંદા કરી હતી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સ બાંગ્લાદેશ સાથે ભાગીદારી કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી મુક્ત ઈન્ડો-પેસિફિક માટેના સહિયારા વિઝનને આગળ ધપાવવામાં આવે.’
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને