નવી દિલ્હી: દેશના ઘણાં વિસ્તારોમાં આજે પણ ઠંડી અને ધૂમ્મસથી છૂટકારો નહીં મળે. જમ્મુ કાશ્મીર. લદાખથી લઇને સિક્કીમ, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને મણીપુર સહિત 20 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેલી સવારે ધૂમ્મસ છવાયેલું હતું. દિલ્હીમાં સોમવારનો દિવસ આ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયુ હતું.
ધૂમ્મસને કારણે ટ્રેન અને વિમાન સેવા પર પણ માઠી અસર પહોંચી છે. એકલા દિલ્હીમાં જ 80 ટ્રેનોના આગમન અને પ્રસ્થાન પર અસર થઇ છે. આ ટ્રેનો 1 થી 6 કલાક મોડી દોડી હતી. જેમાં બેંગલુરુ-નિઝામઉદ્દીન અને ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની, કાનપુર-નવી દિલ્હી શ્રમશક્તિ, પ્રયાગરાજ-નવી દિલ્હી એક્સપ્રેસ, અમૃતસર-મુંબઇ એક્સપ્રેસ જેવી ટ્રેનો સામેલ છે.
50થી વધુ ફ્લાઇટ પર પણ આ ધુમ્મસની અસર થઇ છે. આ ફ્લાઇટ આગમન અને પ્રસ્થાનના નિર્ધારીત સમય કરતાં 15 થી 30 મીનીટ મોડી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને જમ્મુ જવાનું હતું પણ ખરાબ વાતાવરણને કારણે તેમનો પ્રવાસ પણ રદ થયો હતો.
સોમવારે સવારે ઠંડી હવા અને ધૂમ્મસને કારણે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. એક દિવસ પહેલાં સુધી દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું. સોમવાર સવારથી જ ધૂમ્મસ છવાયેલું હતું. આખો દિવસ વાદળછાયું વાતાવરણ હતું. તડકો ન આવતા આખો દિવસ ઠંડીનું વાતાવરણ હતું. જ્યારે સાંજ થતાં ઠંડીનો પારો વધુ ચઢ્યો હતો.
હવામાન ખાતાની આગાહી મુજબ મંગળવારે આંશિક રુપે વાદળો ઘેરાયેલા રહેશે. દિવસ દરમીયાન ધીમો વરસાદ પણ થઇ શકે છે. દિવસ દરમીયાન મહત્તમ તાપમાન 17 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને