આમચી મુંબઈ

કાંદિવલીમાં નવમા માળેથી કૂદકો મારી સિનિયર સિટિઝનની આત્મહત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલીમાં ડિપ્રેશનથી પીડાતાં વૃદ્ધાએ બિલ્ડિંગના નવમા માળેથી કથિત કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

સમતા નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કાંદિવલી પૂર્વના ઠાકુર વિલેજ પરિસરમાં આવેલા સરોવા ટાવર ખાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ મંગલા રાઠોડ (60) તરીકે થઈ હતી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી.
મંગલાબહેન પતિ, ત્રણ સંતાન અને પુત્રવધૂ સાથે સરોવા ટાવરના નવમા માળે આવેલા ફ્લૅટમાં રહેતાં હતાં. તાજેતરમાં મંગલાબહેનના નાના પુત્રએ લગ્ન કર્યાં પછી તે પત્નીના પિયર રહેવા જતો રહ્યો હતો. પુત્ર અલગ રહેવા ગયો ત્યારથી મંગલાબહેન ડિપ્રેશનમાં આવી ગયાં હતાં.

પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે ખાસ્સા દિવસથી મંગલાબહેનની ઘરમાં જ સારવાર ચાલી રહી હતી. સોમવારની સવારે મંગલાબહેન ઘરમાં એકલાં હતાં. હતાશ વૃદ્ધાએ બેડરૂમની બારીમાંથી કથિત કૂદકો માર્યો હતો.
બનાવની જાણ થતાં સમતા નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલાં મંગલાબહેનને તબીબે મૃત જાહેર કર્યાં હતાં. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button