ભારત આવું અપમાન ચલાવી લેશે નહિ: પ્રફુલ્લ ખોડા પટેલે માલદીવ મુદ્દે આપ્યું નિવેદન….
નવી દિલ્હી: લક્ષદ્વીપના પ્રશાસક(Administrator) પ્રફુલ્લ ખોડા પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના ત્રણ પ્રધાનોની અપમાનજનક ટિપ્પણી એ પણ ભારતની ગરિમા સામે પડકાર છે. ભારત આવા અપમાનને ક્યારેય સહન કરશે નહીં. અત્યારે આખું ભારત વડા પ્રધાન સાથે એક થઈને ઊભું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાન અને લક્ષદ્વીપ સાથે ઉભા રહેવા બદલ ભારતના લોકોનો આભાર માનું છું.
જો કે પટેલે માલદીવ તરફથી જાહેર માફીની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ટિપ્પણી કરનારા પ્રધાનો આજે પણ પોતાનો કાર્યભાર એમ જ સંભાળી રહ્યા છે.
આ ઉપરાંત પ્રફુલ્લ ખોડા પટેલે જણાવ્યું હતું કે અમારે માલદીવની જાહેર માફી અંગે કોઈ વાત કરવી નથી કારણકે અમારા મૂલ્યો અલગ છે. જે તેમની બાબતો સાથે મેળ ખાતા નથી. મારું કહેવું એટલું જ છે કે તેમણે એવી ટિપ્પણી કરવાની જરૂર નહોતી. અને એ બાબત પણ સ્પષ્ટ કે ભારત પોતાના પીએમનું કોઈપણ પ્રકારનું અપમાન સહન કરશે નહિ. ત્યારે બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને ક્રિકેટરો સુધી દેશના સામાન્ય લોકોએ પણ માલદીવને જડબાતોડ જવાબ આપ્યો છે.
આ વિવાદના શરૂઆત ત્યારે થઈ જ્યારે વડા પ્રધાને તેમની લક્ષદ્વીપની સફરની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા જેમાં તેઓ નૈસર્ગિક દરિયાકિનારા પર સ્નોર્કલિંગ અને આરામ કરતા જોઈ શકાય છે. વડા પ્રધાનની પોસ્ટે સોશિયલ મીડિયા યુઝર્સને રજાઓ દરમિયાન લક્ષદ્વીપની મુલાકાત લેવા વિનંતી કરી હતી. અને ત્યારબાદ માલદીવના પ્રધાન મરિયમ શિઉના, માલશા શરીફ અને મહઝૂમ મજીદે સોશિયલ મીડિયા પર પીએમ નરેન્દ્ર મોદી વિશે ટીકાત્મક ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી
માલદીવને વધારે આવક ભારતીયોથી જ છે. ત્યારે માલદીવે પણ તરત જ એક્શન લીધી અને સરકારી હોદ્દા પર રહીને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરનારાઓને સસ્પેન્ડ કર્યા હતા.