કચ્છ બન્યું ઠંડુગાર: નલિયા નવ ડિગ્રી સિંગલ ડિજિટ તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ:રાજ્યભરમાં ફરી માવઠું થવાની વકી વચ્ચે માગશર મહિનાની મારકણી ઠંડીનો પ્રકોપ રણપ્રદેશ કચ્છમાં બરકરાર રહેવા પામ્યો છે અને અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સોમવારે સિંગલ ડિજિટ 9 ડિગ્રી લઘુતમ અને ભુજ 12 ડિગ્રી સે. ઉષ્ણતામાન સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. અધૂરામાં પૂરું મહત્તમ તાપમાન 24 ડિગ્રી સે. જેટલું નીચું રહેવા પામ્યું હતું જેને કારણે ભરબપોરે પણ તીવ્ર ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો.
મકરસંક્રાંતિ પર્વના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે ઉત્તર પૂર્વ દિશા તરફથી પ્રતિકલાકે 10 કિલોમીટરની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોએ જાણે સમગ્ર કચ્છને ટાઢુંબોળ બનાવી દીધું છે. વીતેલા દસ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનનો પારો લગભગ 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટી જતા ઠંડીની તીવ્રતા મારકણી બની જવા પામી છે.
પૂર્વ કચ્છના રાપર અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસેનાં ગામો જેવાં કે, બાલાસર, લોદ્રાણી, બેલા, લાકડાવાંઢ, વૃજવાણીમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું રહેવા પામતા અહીં ભારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.