નાનકડા ગામમાંથી ત્રણ યુવકોની સાથે અર્થી ઊઠીને…
આણંદઃ આણંદ જિલ્લાના બોરસદના ઝારોલા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત ખૂબ જ ગમખ્વાર હતો. એક જ ગામના ત્રણ યુવાનો મૃત્યુ પામતા વાતાવરણ ગમગીન બન્યું હતું અને ત્રણેયની સાથે ઊઠેલી અર્થીએ સૌની આંખમાં આસું લાવી દીધા હતા.
આ ગોઝારા અકસ્માતમાં જંત્રાલ ગામના 32 વર્ષીય સુરેશ વજેસિંહ સોલંકી, 22 વર્ષીય જયેશ બુધાભાઈ પરમાર.અને 23 વર્ષીય સંજય માનસિંહ સોલંકીનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ ગામમાં લાવવામાં આવતા આખું ગામ ભેગું થયું હતું અને જેમણે વ્હાલસોયા ખોયા છે, તેમના પરિવારના દુઃખમાં સૌ ભાગીદાર બન્યા હતા.
ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ત્રણ યુવાનોને અંદર જ મોત મળ્યુ હતું. કારનો કૂરચો બોલી ગયો હતો અને જેસીબી વડે ટ્રક ઊંચો કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય યુવાનોના મૃતદેહ ઓળખી ન શકાય તેવી હાલતમાં હતા.
નાના ગામમાં લોકો એકબીજાના સુખદુખમાં સાથી હોય છે. આથી જે પરિવારો પર સ્વજન ખોયાના દુઃખનું આભ ફાટ્યું તેમની સાથે આખું ગામ રહ્યું હતુ અને કોઇએ ઘરમાં ચુલો સળગાવ્યો ન હતો. એક અકસ્માતે ત્રણ પરિવારને હંમેશને માટે રડતા કરી મૂક્યા હતા. આથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને વાહન ધીમે અને સંભાળીને હાંકવાની હંમેશાં અપીલ કરવામાં આવે છે.