16,000 ફૂટની ઉંચાઈ પર ફ્લાઈટમાંથી પડ્યો ફોન અને…
સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને શોબાજી માટે લોકો iPhone વાપરે છે અને હવે ફરી એક વખત iPhone ચર્ચામાં આવ્યું છે અને આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ તેની ડ્યુરેબિલિટી… 16,000 ફૂટની ઊંચાઈ પરથી વિમાનમાંથી જો કોઈ પણ ફોન પડે તો તેનું શું થાય? વિચારી જુઓ જરા… તમારી આંખો સામે તૂટેલો-ફૂટેલો, ભુક્કા બોલાઈ ગયેલો ફોન જ સામે આવે ને? પણ ભાઈસાબ અહીંયા તો 16,000 ફૂટની ઉંચાઈ પરથી iPhone પડ્યો હતો અને તેમ છતાં તેના પર એક સ્ક્રેચ પણ નહોતો આવ્યો.
જી હા, ઘટના એ દિવસની છે કે જ્યારે Alaska Airlines ASA 1282 ફ્લાઈટ આકાશમાં ઊડી રહી હતી. ફ્લાઈટ પોર્ટુગલના Oregonથી કેલિફોર્નિયાના Ontario જઈ રહ્યું હતું અને એ સમયે 16,000 ફૂટની ઊંચાઈ પર ફ્લાઈટની વિન્ડો તૂટી ગઈ હતી અને એ જ સમયે ફ્લાઈટમાંથી પ્રવાસીનો iPhone નીચે પડી ગયો હતો. પણ જ્યારે આ ફોનને શોધવામાં આવ્યો ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યું એ ખરેખર ચોંકાવનારું હતું.
આ ફોન રસ્તાના કિનારા પર પડેલો જોવા મળ્યો હતો અને તેના પર લગાવવામાં આવેલું સ્ક્રીન પ્રોટેક્ટર અને કવર ખૂબ જ સારી કંડીશનમાં હતા. એટલું જ નહીં ફોન એ સમયે પણ એરોપ્લેન મોડમાં હતું અને ચાલુ હતો.
જોકે, આ બાબતે હજી પણ કોઈ ઓફિશિયલ માહિતી જાણવા મળી નહોતી. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા પણ આ ઘટનાની માહિતી આપી હતી અને જણાવવામાં આવ્યું હતું કે iPhone મળી આવ્યો છે અને તે ખરેખર સારી કંડિશનમાં છે. સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરવામાં આવેલી ટ્વીટમાં ફોનની કંડિશન, મોડ અને બેટરી વિશેની માહિતી આપવામાં આવી છે.
આ ઘટના વિશે જાણીને કદાચ રામ રાખે એને કોણ ચાખે એ કહેવત માણસો જ નહીં પણ ફોન અને વસ્તુઓના મામલામાં પણ લાગુ પડે છે એવી અનુભૂતિ થાય, હેં ને?